એન્કાઉન્ટર બાદ લોરેન્સ ગેંગના 2 શૂટર્સની ધરપકડ, દિલ્હીમાં દહેશત ફેલાવવાનું કાવતરું નિષ્ફળ

  • December 09, 2023 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝડપાયેલા શૂટરો પૈકી એક સગીર, બંનેનો ગુનાહિત ઈતિહાસ, લૂંટ, આર્મ્સ એક્ટ અને હુમલાના પણ કેસ


દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આજે વસંત કુંજના પોકેટ ૯ વિસ્તારમાં એક એન્કાઉન્ટર પછી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા બે શૂટર્સને પકડ્યા છે. પકડાયેલા બે શૂટરોમાંથી એક સગીર છે. પોલીસને માહિતી મળી હતી કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગુનેગારો વસંત કુંજ વિસ્તારમાં છુપાયેલા છે. આ પછી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે બદમાશોને ઘેરી લીધા અને કાર્યવાહી કરી. પોતાને ઘેરાયેલા જોઈને શૂટર્સએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં પોલીસે બદમાશો પર ગોળીબાર કર્યો હતો. એન્કાઉન્ટર દરમિયાન બન્ને ઘાયલ થયા છે.


એવું કહેવામાં આવ્યું હતું કે બંને શૂટર્સ ભૂતકાળમાં ઘણા ગુનાહિત કેસોમાં સંડોવાયેલા હોવાનો ઇતિહાસ ધરાવે છે. સ્પેશિયલ સેલ અનુસાર, અનીશ નામનો શૂટર હરિયાણાના રોહતકનો રહેવાસી છે. તેની ઉંમર લગભગ ૨૩ વર્ષની છે. અનીશ સામે લૂંટના ૬ કેસ છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, બંને શૂટર્સને પંજાબની જેલમાં બંધ અમિત નામના ગુનેગારે અનમોલ બિશ્નોઈના નિર્દેશ પર મોકલ્યા હતા. અનમોલ બિશ્નોઈ લોરેન્સ બિશ્નોઈનો પિતરાઈ ભાઈ છે અને તે કેનેડામાં છુપાયો હોવાની આશંકા છે. લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે.


પોલીસે બે પિસ્તોલ, ચાર કારતૂસ અને એક મોટરસાઈકલ કબજે કરી છે. અનીશ લૂંટ, આર્મ્સ એક્ટ અને હુમલાના છ કેસમાં આરોપી છે અને હરિયાણાના રોહતક જિલ્લામાં સશસ્ત્ર લૂંટના એક કેસમાં કિશોરનું નામ છે. બંને બદમાશો દક્ષિણ દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલ પાસે ફાયરિંગ કરવાના હતા.


આ પહેલા ૫ ડિસેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ લોરેન્સ બિશ્નોઈ ગેંગના કથિત સભ્યો અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં મંગળવારે હરિયાણા અને રાજસ્થાનમાં ૧૩ સ્થળો પર દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીની કાર્યવાહી ગેંગસ્ટર સુરેન્દ્ર સિંહ ચીકુ પર કેન્દ્રિત છે, જે બિશ્નોઈ અને ખાલિસ્તાની આતંકવાદી જૂથોના નજીકના સહયોગી છે. ઇડીએ દરોડા દરમિયાન ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ગુપ્ત દસ્તાવેજો, એકાઉન્ટ બુક્સ, મિલકત સંબંધિત દસ્તાવેજો અને રોકડ રૂ. ૫ લાખ જપ્ત કર્યા છે.


ઇડીએ કહ્યું કે લગભગ ૬૦ બેંક ખાતાઓ ટ્રેસ કરવામાં આવ્યા છે અને અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઇડીની કાર્યવાહી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને હરિયાણા પોલીસ દ્વારા અપહરણ, હત્યા અને ખંડણીના આરોપમાં ચીકુ સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પર આધારિત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે સુરેન્દ્ર ઉર્ફે ચીકુ લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને ખાલિસ્તાની આતંકવાદી જૂથો સાથે સીધો સંબંધ ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application