વિરાણી હાઈસ્કૂલની જમીનના પ્રકરણમાં વિવાદના અંત સુધી પ્રાંત અધિકારીનો નિર્ણય રદ

  • July 22, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટ્રસ્ટીઓને પૂરેપૂરા સાંભળવાની તક આપવા હાઇકોર્ટનો આદેશ: 10 ઓગસ્ટે નવેસરથી સુનાવણી




વિરાણી હાઇસ્કુલની જમીનની માલિકીના વિવાદાસ્પદ પ્રકરણમાં રાજકોટના ઝોન એકના પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી દ્વારા અપાયેલો નિર્ણય રદ કર્યો છે અને આ સમગ્ર પ્રકરણમાં સંસ્થાના ટ્રસ્ટીઓને પૂરેપૂરા સાંભળવા આદેશ કર્યો છે. હાઇકોર્ટના આદેશને કારણે ટ્રસ્ટની જમીનને વિવાદમાં લઈ જવાનો પ્રયાસ કરનારાઓને કાનૂની પછડાટ મળી છે.



શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ તરફથી આ કેસમાં ટ્રસ્ટી પ્રવિણાબેન પાંચાભા ચોવટીયાએ પ્રાંત અધિકારીના હુકમને રદ કરવા હાઇકોર્ટમાં રીટ કરી હતી. આ રીટમાં જણાવ્યું હતું કે પ્રાંત અધિકારીએ કાયદાના જ્ઞાન વગર અને હુકુમત વગર હુકમ આપ્યો છે. આ મામલે શરૂઆતથી જ કરવામાં આવેલી કાર્યવાહી કાયદાની જાણ મર્યાદા બહાર હેતુ પાર પાડવા માટે કરવામાં આવી હોવાથી અસ્પષ્ટ કાર્યવાહી માન્ય રાખી શકાય નહીં.



પ્રવિણાબેને પોતાની રિટમાં જણાવ્યું હતું કે આ પ્રકારની મેટર ચેરીટી કમિશનરના તાબા હેઠળ હોય છે. ત્રીજા પક્ષોની જમીન સાથે કાંઈ લાગતું વળગતું ન હોવા છતાં એવી પ્રક્રિયા અપનાવવાની વાત અરજદારોના મિલકત અંગેના કાયદેસરના હક્ક પ્રત્યે અન્યાયકર્તા છે. અને તેથી દાવાના આખરી નિકાલ સુધી પ્રાંત અધિકારીના હુકમના અમલીકરણ અને અમલ માટે સ્ટે કરવા અમારી માગણી છે. આ કેસમાં વરિષ્ઠ કાઉન્સિલર વિમલ પુરોહિત અને મિહિર જોશી હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે હાલના કેસમાં રજૂઆત અને દલીલો પહેલા થઈ હતી ત્યારે અધિકારી અલગ હતા અને અસ્પષ્ટ હુકમ એ અધિકારીએ આપ્યો હતો કે જેમણે દલીલ કે રજૂઆત સાંભળી ન હતી. અસ્પષ્ટ હુકમમાં હકીકતોનું ખોટું અર્થઘટન છે અને તેથી વર્તમાન હુકમ રદ કરવો જોઈએ. અમલવારી બાજુ પર રાખી અરજદારોને નવેસરથી સાંભળવામાં આવે અને તે પછી નિર્ણય લેવામાં આવે. સિનિયર ધારાશાસ્ત્રી વિમલ પુરોહિત, મિહિર જોશી, વસંતભાઈ દુદાણી અને પરેશભાઈ ઠાકરની દલીલો સાંભળવામાં આવી હતી.



ધારાશાસ્ત્રીઓની દલીલ અને રેકોર્ડીગનું અવલોકન કરી હાઇકોર્ટે પ્રાંત અધિકારી દ્વારા 18 માર્ચના રોજ કરાયેલા હુકમને રદ કરતો આદેશ કર્યો છે અને અરજદારોને તારીખ 10 ઓગસ્ટના સવારે 11:30 વાગ્યે સક્ષમ ઓથોરિટી સમક્ષ હાજર રહેવા અને તેના સમર્થનમાં તમામ સંબંધીત દસ્તાવેજો અને દલીલો રજૂઆત કરવાની સ્વતંત્રતા આપી છે.


અરજદારોને સાંભળવાની તક આપ્યા વિના પ્રાંત અધિકારી દ્વારા ઊભા કરાયેલા તમામ વિવાદો કાયદા અનુસાર યોગ્ય નથી અને જ્યાં સુધી કાર્યવાહીનો નિકાલ ન થાય ત્યાં સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application