ભયજનક ઇમારતો: રાજ્યમાં બે લાખ ઘર રહેવા લાયક નથી

  • February 26, 2020 07:16 PM 19 views

ગુજરાતમાં સરકારી આવાસો, પ્રાઇવેટ મકાનો અને પાણીની ટાંકીઓ સલામત નહીં હોવાનો ચોંકાવનારો સર્વે કરવામાં આવ્યો છે. વર્ષો જૂની પાણીની ટાંકીઓ પાણીના ભાર અને મરામતના અભાવે તૂટી પડે છે. ચોમાસા વિના જર્જરીત મકાનો પણ ધરાશયી થાય છે અને લોકો જીવ ગુમાવે છે છતાં સરકારની આંખ ખૂલતી નથી.રાજ્યમાં ભયજનક ઇમારતો માત્ર ગામડાઓમાં નહીં, શહેરોમાં પણ જોવા મળે છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ જ્યાં રહે છે ત્યાં મોટાભાગના સરકારી આવાસો ભયજનક બન્યાં છે. ૪૦ વર્ષ પહેલાં બનાવેલા આવાસોમાં મરામતના અભાવે કર્મચારી પરિવારો ભય હેઠળ રહે છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આ પરિવારોને રાત્રે ઉંઘ પણ આવતી નથી. પાટનગરમાં બનેલા ૧૭૦૦૦ પૈકી ૭૫૦૦ સરકારી આવાસો રહેવાલાયક રહ્યાં નથી છતાં તેની મરામત થતી નથી.
બીજી તરફ વર્ષો જૂની પાણીની ટાંકીઓ તૂટવાની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદમાં થોડાં દિવસોમાં બોપલ, નિકોલ અને ઘાટલોડિયામાં પાણીની ટાંકીઓ તૂટી છે જેમાં ચાર લોકોએ જીવ ખોયાં છે. સરકારે રાજ્યભરમાં પાણીની ટાંકીઓની ગુણવત્તાનો સર્વે શરૂ કર્યો છે તેવી જ રીતે ભયજનક મકાનોનો સર્વે કરવાની કામગીરી સ્થાનિક સંસ્થાઓને આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.


કેન્દ્રના તાજેતરના એક સર્વેમાં જણાવાયું છે કે ભયજનક ઇમારતોની સૌથી વધુ સંખ્યા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં છે. ગુજરાતનો ક્રમ ત્રીજો આવ્યો છે. કેન્દ્રના એક અભ્યાસ પ્રમાણે ગુજરાતમાં કુલ ૧.૨૧ કરોડ જેટલા ઘર આવેલા છે જે પૈકી બે લાખ જેટલા ઘર રહેવાલાયક રહ્યાં નથી. આ ઘરની મરામત પણ થતી નથી અને તેને પાડીને નવું મકાન બનાવવામાં આવતું નથી.ગુજરાતમાં જે જર્જરીત રહેણાંકના મકાનો છે તે પૈકી  ૧.૪૦ લાખ મકાનો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે જ્યારે ૬૦ હજાર જેટલા મકાનો શહેરી વિસ્તારમાં આવેલા છે. જર્જરીત મકાનોના સર્વે પ્રમાણે અમદાવાદમાં ૧૩ હજાર મકાનો જર્જરીત છે. અહીં જર્જરીત એટલે કે તે મકાનો રહેવા યોગ્ય નથી.