BREAKING NEWS

ચૂંટણી પ્રચારના પ્રસારણ અંગેની સ્થાનિક કેબલ નેટવર્ક અને સિનેમાગૃહોએ દરરોજની સીડી જમા કરાવવાની રહેશે

  • April 09, 2026 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચૂંટણી પ્રચારના પ્રસારણ અંગેની સ્થાનિક કેબલ નેટવર્ક અને સિનેમાગૃહોએ દરરોજની સીડી જમા કરાવવાની રહેશે

આદર્શ આચાર સંહિતાના ચુસ્ત પાલન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું

જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા જિલ્લાની ૬ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવતાની સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે. ચૂંટણી દરમિયાન વિવિધ રાજકીય પક્ષો, ઉમેદવારો અને સંસ્થાઓ દ્વારા ઈલેક્ટ્રોનિક મીડિયા, સ્થાનિક કેબલ નેટવર્ક, ટીવી ચેનલો, રેડિયો અને સિનેમાગૃહોના માધ્યમથી મોટા પાયે પ્રચાર કરવામાં આવતો હોય છે. આ પ્રચાર પ્રસારણ દરમિયાન આચાર સંહિતાનો ભંગ ન થાય અને હરીફ ઉમેદવારો કે નાગરિકો તરફથી મળતી ફરિયાદોની સત્યતા ચકાસી શકાય તે હેતુથી જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલી સત્તાની રૂએ બહાર પાડવામાં આવેલા આ આદેશ અનુસાર, જામનગર જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવતા તમામ સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલો, સિનેમાગૃહો, રેડિયો, દૂરદર્શન અને આકાશવાણી કેન્દ્રોએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી દરરોજ સવારના ૦૬:૦૦ થી બીજા દિવસના સવારના ૦૬:૦૦ કલાક સુધીમાં કરવામાં આવેલા પ્રસારણની સીડી (CD) તૈયાર કરવાની રહેશે. આ સીડી બીજા દિવસે સવારના ૧૦:૩૦ કલાક સુધીમાં સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને રૂબરૂ પહોંચાડી તેની પહોંચ મેળવી રેકોર્ડ જાળવવાનો રહેશે. 

આ ઉપરાંત, જરૂરિયાત જણાતા ૨૪ કલાક પૂર્ણ થતા પહેલા પણ પ્રસારણની વિગતો માંગવામાં આવે તો તે રજૂ કરવાની રહેશે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે અને આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News