દ્વારકા: અરબી સમુદ્રમાં કરંટ: ૧૫ થી ૨૦ ફુટ મોજા ઉછળ્યા
દક્ષિણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના હાલાર પંથકના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વાદળછાયું અને ધાબડિયું વાતાવરણ હોવા છતાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. આ કારણે ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોમાં પ્રથમ સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.
દ્વારકા જિલ્લાના મોટાભાગના ખેડૂતો દ્વારા વાવણી સહિતની ખેતીલક્ષી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે પાકના યોગ્ય વિકાસ માટે વરસાદ અનિવાર્ય બન્યો હોવાથી ખેડૂતોની નજર આકાશ તરફ મંડાઈ છે. છેલ્લા ઘણા દિવસોથી વાદળો છવાયેલા રહેતા હોવા છતાં મેઘરાજા માત્ર હાથતાળી આપી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના અભાવે વાતાવરણમાં ભારે બફારો અનુભવાઈ રહ્યો છે, જેના કારણે લોકોને પણ ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ અરબી સમુદ્રમાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટ, પંચકુઈ બીચ, સંગમનારાયણ બીચ, ગાયત્રી બીચ, લાઇટ હાઉસ, ભડકેશ્વર બીચ તેમજ રૂપેણ બંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અંદાજે ૧૫ થી ૨૦ ફૂટ ઊંચા વિશાળ મોજા ઉછળતા જોવા મળ્યા હતા. દરિયો તોફાની બનતા દરિયાકિનારે સાવચેતી રાખવા માટે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.
એક તરફ દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને બીજી તરફ ધરતી વરસાદ માટે તરસી રહી છે. સમગ્ર જિલ્લામાં હવે સૌની નજર મેઘરાજા ક્યારે મન મૂકીને વરસે તેની ઉપર કેન્દ્રિત થઈ છે.