આજથી રાત્રી કરફ્યુ: લગ્ન માટે પોલીસની મંજૂરી જરૂરી

  • November 21, 2020 03:52 PM 564 views

 

  • મહિલા કોલેજ અંડરબ્રિજ અને કેશરી હિન્દ પુલ સિવાયના તમામ માર્ગો રાત્રે 9થી સવારે 6 સુધી સીલ: 3000થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ કરફ્યુનો કડક અમલ કરાવવા આજ રાતથી તૈનાત: રેલવે લાઈન અંડરબ્રિજ પૈકી ફકત કાલાવડ રોડ જ ખુલ્લો રહેશે: રાજ્ય પોલીસ વડાની પોલીસ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ બાદ લેવાયેલા નિર્ણય


કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે અને દિવાળી પછી વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈ હવે અમદાવાદ બાદ રાજકોટમાં પણ બીજો હકમ ન થાય ત્યાં સુધી કર્ફયુ લગાડી દેવામાં આવ્યો છે ત્યારે આ અંગે આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્ફયુનો કડક અમલ કરાવવામાં આવશે તેમ વાતચીતમાં જણાવ્યું હતું તેમજ રાજકોટ શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ રાત્રીના 9થી સવારે 6 વાગ્યા સુધી સીલ કરી દેવામાં આવશે. લગ્ન પ્રસંગ માટે સ્થાનિક પોલીસની મંજૂરી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે તેમજ લગ્ન પ્રસંગ દરમિયાન કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન તેમજ સોશિયલ ડિસ્ટન્સ, ફેઈસ કવર, હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ ચુસ્તપણે કરવાની શરતે લગ્ન પ્રસંગને મંજૂરી આપવામાં આવશે.


રાજકોટ શહેરમાં અવર-જવર માટે મહિલા કોલેજ અન્ડરબ્રિજ અને કેશરી પુલ સિવાયના શહેરના તમામ અંતરીયાળ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ઝોન-1 ડીસીપી પ્રવિણકુમાર મીણા, ઝોન-2 ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન અને મોનિટરીંગ હેઠળ શહેરના તમામ પોલીસ ડિવિઝનના પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફને કડક કર્ફયુનો અમલ કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.


આજે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ રાજ્યના તમામ પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડા સાથે બપોરે ખાસ વિડિયો કોન્ફરન્સિંગથી મિટિંગ યોજી હતી અને કોરોના વાયરસની મહામારીને અટકાવવા માટે જાહેર કરવામાં આવેલા કર્ફયુનું ચુસ્તપણે પાલન કરાવવા આદેશ આપ્યો છે. રાજકોટ શહેરમાં આશરે 3000થી વધુ પોલીસ કર્મચારીઓને રાત્રી કર્ફયુનો કડક અમલ થાય તે માટે તૈનાત કરવામાં આવશે અને આજે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી શહેરમાં કોઈપણ વ્યક્તિને પ્રવેશવા દેવામાં નહીં આવે અને શહેરના પ્રવેશવાના તમામ માર્ગો અને અંતરિયાળ રસ્તાઓ સીલ કરી દેવામાં આવશે. અવર-જવાર માટે માત્ર મહિલા કોલેજ અંડરબ્રિજ અને કેશરીહિંદ પુલજ ચાલુ રહેશે.


પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાજકોટ શહેરની જનતાને કર્ફયુનો અમલ કરવા અને રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી ઘરમાં જ રહેવા સૂચના આપી છે. રાજકોટ શહેરની વસ્તી અને ગીચતા પ્રમાણમાં વધુ હોય ઉપરાંત કોરોના વાયરસનો સંક્રમણ પણ લોકોના એકબીજાના સંપર્કમાં આવવાથી વધારે થતું હોય જેથી આ કર્ફયુની અનિવાર્યતાના કારણે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી બીજો હકમ ન થાય ત્યાં સુધી શહેરમાં કર્ફયુની જાહેરાત કરી છે.


પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, શેરી-ગલ્લીઓમાં જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવા અને કામ વગર પગપાળા કે વાહન મારફતે આટાંફેરા કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે કર્ફયુનો ભંગ કરનારની પોલીસ ધરપકડ કરશે. વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આ જાહેરનામા અને કર્ફયુના સમય દરમિયાન સંરક્ષણ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓ, અધિકારીઓ, પોલીસ, હોમગાર્ડ, મહાનગરપાલિકા, પંચાયત, ફાયર અને ઈમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ અને ફરજના ભાગપે તથા તમામ માલ-સામાન પરિવહન કરનારાઓ જાહેર અને ખાનગી ક્ષેત્રના તબીબી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો, તબીબી વસ્તુનું ઉત્પાદન અને વિતરણ કરતા એકમો, દવાની દુકાનો, આવશ્યક ચીજવસ્તુ, હોસ્પિટલ, વેટરનિટી હોસ્પિટલ, મેડિકલ સંસ્થાઓ, તથા જન ઔષધિ કેન્દ્રો તેમજ દૂધનું પરિવહન કરતા વાહનો, દૂરસંચાર અને ઈન્ટરનેટ સેવાઓ, પ્રસારણ કેબલ સેવા, આઈટી આધારિત સેવા, એટીએમ તથા બેન્ક ઓપરેશન સાથે જોડાયેલા વ્યક્તિઓને તેમજ મિડિયા કર્મીઓ અને અખબાર વિતરકોને મુકિત આપવામાં આવી છે.


શહેરમાં પસાર થતા બાયપાસ જેવા કે ગોંડલ રોડ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી, જામનગર રોડ માધાપર ચોકડીથી માલિયાસણ ચોકડી સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે ચાલુ રહેશે અને કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા માટે આદેશ અપાયો છે.


પોલીસ શહેરના રાજમાર્ગો ઉપર રાત્રીના 9 વાગ્યાથી પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરશે તેમજ ડ્રોન મારફતે પણ પોલીસ ચેકિંગ કરશે. રેલવે લાઈનની અંડરબ્રિજ પૈકી ફકત કાલાવડ રોડ અંડરબ્રિજ અગત્યના કામકાજ માટે ખુલો રહેશે બાકીના તમામ રાજમાર્ગોને સીલ કરી દેવામાં આવશે.

 

એસ.ટી.ના મુસાફરોનો સવાલ, અમારે શું કરવું?

રાજકોટમાં રાત્રીના 9 વાગ્યાથી કર્ફ્યુ શરૂ થઈ જશે પરંતુ બહારગામથી એસટી બસમાં આવતા લોકોએ રાત્રે 9 વાગ્યે કે ત્યાર પછી આવે તો શું કરવું? તેવા સવાલનો જવાબ તંત્ર પાસે નથી. રેલવે સત્તાવાળાઓએ ટિકિટ દેખાડવાથી કરફયૂમાં કોઇ કનડગત નહીં કરે તેવી જાહેરાત કરી છે અને આવી જ રીતે એરપોર્ટ ઓથોરિટીએ બોર્ડિંગ પાસને આધારે મુસાફરોને કનડગત નહીં થાય તેવી જાહેરાત કરી છે. પરંતુ એસટી બસના મુસાફરોનું શું તેવા સવાલનો કોઈ જવાબ અત્યારે તો મળતો નથી.


લગ્ન પુરા થયા બાદ મંડપ કારીગરોનું શું?
કર્ફ્યુના કારણે દિવસના લગ્ન થાય અને સાંજે સાત આઠ વાગ્યા સુધીમાં તે સંપન્ન થાય તો પણ મંડપ ડેકોરેશન વિખેરી નાખવામાં ત્રણથી ચાર કલાક થતાં હોય છે. કારીગરો માટે અમારે શું કરવું તેવો સવાલ આજે મંડપ એસોસિએશન દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર તંત્રને પૂછવામાં આવ્યો હતો. પરંતુ ગાઇડલાઇન જાહેર થયા બાદ સૂચના આપવામાં આવશે તેવું ગીત વગાડવામાં આવ્યું હતું.


નાઈટ શિફટના કારખાનાના કારીગરોએ શું કરવાનું?
રાજકોટની ભાગોળે આવેલા શાપર-વેરાવળ, મેટોડા, રાજકોટ સિટીમાં આવેલા ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, આજી જીઆઈડીસી, અટિકા સહિતના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં નાઈટ શીફટમાં ફરજ બજાવતાં કારખાનાના કામદારોએ ડયુટી પર જવા માટે અથવા તો મોડે સુધી કારખાનામાં કામ કયર્િ બાદ રાત્રે ઘરે પરત ફરવામાં શું કરવાનું ? તેનો જવાબ પણ તંત્ર પાસે નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application