મૈસુરમાં કોંગ્રેસના નેતાના ઘરે ઝાડ ઉપર ૧ કરોડ રૂપિયા ઉગ્યા !!

  • May 04, 2023 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આવકવેરાની નજરમાંથી બચાવવારૂપિયા ઝાડ પર સંતાડી રાખ્યા હતા.



રૂપિયા જ્યારે વધુ થઈ જાય તો, લોકો તેને છૂપાવવા અને ઈડી તેમજ ઈનકમ ટેક્સની નજરથી બચાવવા માટે જાત-ભાતના ખેલ કરતા હોય છે. જોકે, ક્યારેકને ક્યારેક તે પકડાઈ જ જાય છે. તાજો મામલો કર્ણાટકના મૈસૂરનો છે. અહીં કોંગ્રેસના એક નેતાના ભાઈના ઘરે દરોડો પાડવા જ્યારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમ પહોંચી તો તે પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. કર્ણાટક કોંગ્રેસના નેતાના ભાઈએ એજન્સીની નજરથી બચવા માટે રૂપિયાને એક ઝાડની ઉપર છૂપાવીને રાખ્યા હતા. આ રકમ પણ કંઈ નાની નથી, પરંતુ 1 કરોડ રૂપિયા હોવાનું જણાવાઈ રહ્યું છે.



ઈનકમ ટેક્સના અધિકારીઓએ જણાવ્યું કે, તેમણે સુબ્રમણિયા રાયના મૈસૂરમાં આવેલા ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાં તેમને ઝાડ પર છૂપાવેલા 1 કરોડ રૂપિયા મળ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, સુબ્રમણિયા રાય કર્ણાટક કોંગ્રેસના લીડર અશોક કુમાર રાયના ભાઈ છે. અશોક રાય આગામી વિધાનસભા ચૂંટણીમાં પુત્તુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. હકીકતમાં, ચૂંટણીને જોતા ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કડીમાં બુધવારે કોંગ્રેસના નેતા અશોક રાયના ભાઈના ઘરે ઈનકમ ટેક્સ વિભાગે દરોડો પાડ્યો હતો. કોંગ્રેસના નેતાના ભાઈએ 1 કરોડ રૂપિયા ડબામાં પેક કરીને એક ઝાડ પર છૂપાવીને રાખ્યા હતા.



કોંગ્રેસના નેતાના ભાઈના ઘરે ઈનકમ ટેક્સની રેડનો એક વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, ઈનકમ ટેક્સના અધિકારી સુબ્રમણિયા રાયના ઘરે પહોંચી તેમના બગીચામાં ઉગાડાયેલા ઝાડને જુએ છે. તેમાં ગાઢ ડાળીઓ વચ્ચે એક ડબો રાખેલો નજરે પડે છે. અધિકારી ઘરની મહિલાઓને પૂછે છે કે આ શું છે? આ કેશ છે ને? અહીં કોણે રાખી? અધિકારી કહે છે કે, મેડમ અમે સવાલ કરી રહ્યા છીએ, તમે જવાબ આપો. તેના પર એક મહિલા જવાબ આપે છે કે, તે મેં રાખ્યા છે. અધિકારી પૂછે છે કે, તે અહીં રાખવા માટે તમને કોણે કહ્યું હતું અને તમને શું ઈન્સ્ટ્રક્શન અપાઈ હતી? મહિલા તેનો જવાબ આપે તે પહેલા વિડીયો પૂરો થઈ જાય છે.



કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ અમલી થયેલા મોડલ કોડ ઓફ કંડક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 110 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવી ચૂક્યા છે. તે ઉપરાંત 2346 એફઆઈઆર નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં 10 મેએ વોટિંગ થવાનું છે અને 13 મેએ ચૂંટણીનું પરિણામ આવશે. ચૂંટણીમાં આ વખતે ભારે રસાકસી જોવા મળી શકે છે. કોંગ્રેસ અને ભાજપા બંને એડી-ચોટીનું જોર લગાવી રહી છે.



ગત મહિને ઈનકમ ટેક્સની ટીમોએ પ્રાઈવેટ રિયલ એસ્ટેટ ડેવલપર અંકિતા બિલ્ડર્સની ઓફિસ અને કંપનીના માલિક નારાયણ આચાર્યના હુબલી સ્થિત ઘરે રેડ પાડી હતી. આ પહેલા આઈટી વિભાગે કોંગ્રેસના પૂર્વ નેતા ગંગાધર ગૌડાના બે ઘરો અને દક્ષિણ કન્નડના બેલથાંગડીમાં એક શિક્ષણ સંસ્થા પર રેડ પાડી હતી. આ સંસ્થા ગંગાધર ગૌડાના દીકરા રંજન ગૌડાની છે. ગંગાધર ગૌડા 2008માં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. તેમણે તાજેતરમાં જ કર્ણાટકની ચૂંટણીમાં ટિકિટ ન મળવા પર રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application