BREAKING NEWS

જામનગરમાં બિલ્ડિંગ પરથી શ્ર્વાનને ફેંકી દેનાર શખ્સ સામે ગુનો નોંધાયો

  • June 10, 2026 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બિલ્ડિંગ પરથી શ્ર્વાનને ફેંકી દેનાર શખ્સ સામે ગુનો નોંધાયો

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પશુ પ્રેમીઓ દોડી ગયા : શ્ર્વાનને સારવાર અપાવી

જામનગરમાં પશુ પ્રત્યેની ક્રૂરતાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં કુકડા કેન્દ્ર આવાસ વિસ્તારમાં એક શખ્સે શ્ર્વાનના પગ પકડી તેને એપાર્ટમેન્ટની ઉપરના માળ પરથી નીચે ફેંકી દેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું.

ઉપરોક્ત એપાર્ટમેન્ટમાં જ રહેતા એક વ્યક્તિએ આ બનાવનો પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી દીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે અંગેની કેટલાક પશુ પ્રેમીઓને જાણ થતા બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત શ્વાનને પશુ દવાખાનામાં લઈ જઈ તાત્કાલિક અસરથી સારવાર અપાવી હતી જેથી શ્ર્વાનનો બચાવ થયો હતો અને હાલ શ્ર્વાનને પશુ ચિકિત્સકના સારવાર હેઠળના કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે.

આ બનાવના સંદર્ભમાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો, અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દાખવનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. આ મામલે ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ ૩૨૫ તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ની કલમ ૧૧(૧)(અ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બનાવમાં પશુ પ્રેમી એવા ફરિયાદી રજનીકાંત હર્ષદભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અને તેમની પત્ની પ્રાણી કલ્યાણ સંસ્થા સાથે જોડાયેલા છે. તા. ૮ જૂનના રોજ તેમને વોટ્સએપ ગ્રુપમાં એક વીડિયો મળ્યો હતો, જેમાં એક વ્યક્તિ શ્વાનના પગ પકડી તેને બિલ્ડિંગ પરથી નીચે ફેંકતો દેખાતો હતો. ઘટનાની જાણ થતાં તેઓ કુકડા કેન્દ્ર આવાસ ખાતે પહોંચ્યા હતા, જ્યાંથી શ્ર્વાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ હતું.

ફરિયાદના આધારે પોલીસે કુકડા કેન્દ્ર આવાસના બ્લોક-ઈમાં રહેતા પપ્પુ તરીકે ઓળખાતા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા વીડિયો, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

દરમ્યાનમાં એવી પણ વિગત જાણવા મળી છે કે શ્ર્વાનને ફેકનારને આ મામલાની ખબર પડી જતા સૌ પ્રથમ શ્ર્વાનને કયાંક ફેંકી દેવા માટેનો પણ પ્રયાસ કર્યો હતો. એક ગલુડીયાને પગમાં બેટ ફટકાર્યાનું પણ જાણવા મળ્યુ છે જો કે આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application