2028ની ઓલિમ્પિકમાં રમાય શકે છે ક્રિકેટ, ICCએ કરી તૈયારીઓ શરૂ  

  • August 10, 2021 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ રમતના 'મહાકુંભ'માં પ્રવેશવાના તેના ઇરાદાની પુષ્ટિ કરી છે. આઈસીસીએ ક્રિકેટ વતી ઓલિમ્પિક માટે બોલી લગાવવા માટે એક ટીમ બનાવી છે. આ ટીમ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક, 2032 બ્રિસ્બેન અને તેનાથી આગળની ઓલિમ્પિકમાં ક્રિકેટ રમત રમાડવા માટેનું કાર્ય કરશે. એપ્રિલમાં આઈસીસીની ઓલિમ્પિક યોજનાને ટેકો આપનાર ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

 

ભારતીય બોર્ડ વિવિધ કારણોસર અન્ય રમતોમાં ક્રિકેટની રમતનો સમાવેશ કરવા માટે વિરોધ કરવા માટે જાણીતું હતું. જોકે, જય શાહે બોર્ડ સંભાળ્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેણે તાજેતરમાં આ બાબતે ICC ને ટેકો આપ્યો હતો. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના પ્રમુખ ઇયાન વોટમોર આઇસીસી ઓલિમ્પિક વર્કિંગ ગ્રુપની અધ્યક્ષતા કરશે અને તેમની સાથે આઇસીસીના સ્વતંત્ર નિર્દેશક ઇન્દ્ર નૂયી, ઝિમ્બાબ્વે ક્રિકેટ ચીફ તવેંગવા મુકુહલાની, આઇસીસી એસોસિએટ મેમ્બર ડિરેક્ટર અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ મહિન્દા વલ્લીપુરમ અને યુએસએ ક્રિકેટ પ્રમુખ પરાગ મરાઠે હાજરી આપશે. સમિતિમાં મરાઠેનો સમાવેશ કરવાનું મુખ્ય કારણ એ છે કે, લોસ એન્જલસ 2028 માં રમતોનું આયોજન તેના દ્વારા કરવામાં આવશે. આવી સ્થિતિમાં ક્રિકેટ શક્ય તેટલી વહેલી તકે ઓલિમ્પિકનો ભાગ બનવાની અપેક્ષા રાખી શકાય.

 

આઈસીસીના પ્રમુખ ગ્રેગ બાર્કલેએ કહ્યું કે, 'સૌથી પહેલા આઈસીસી તરફથી  હું આઈઓસી, ટોક્યો 2020 અને જાપાનના લોકોને આવા મુશ્કેલ સંજોગોમાં અદભુત રમતોનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવું છું. અમે ક્રિકેટને ભવિષ્યમાં ઓલિમ્પિકનો એક ભાગ બનાવવાનું પસંદ કરીશું.'

 

તેમણે આગળ વાત કરતા કહ્યું કે, 'અમે ઓલિમ્પિક્સમાં ક્રિકેટના લાંબા ગાળાના ભવિષ્યના ભાગ રૂપે જોઈએ છીએ. વૈશ્વિક સ્તરે અમારી પાસે એક અબજ ચાહકો છે અને તેમાંથી લગભગ 90 ટકા લોકો ઓલિમ્પિકમાં ક્રિકેટ જોવા માંગે છે. ખાસ કરીને દક્ષિણ એશિયામાં 92% ચાહકો ક્રિકેટના છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ 30 મિલિયન ક્રિકેટ ચાહકો છે. તે ચાહકો માટે તેમના ખેલાડીઓને ઓલિમ્પિકમાં મેડલ માટે સ્પર્ધા કરતા જોવાની તક રસપ્રદ રહેશે.'

 

તેમણે વધુમાં જણાવ્યું કે, 'અમે માનીએ છીએ કે ક્રિકેટ ઓલિમ્પિક રમતોમાં સામેલ થાય તો આ એક મહત્વપૂર્ણ ઉમેરો હશે. પરંતુ અમે જાણીએ છીએ કે ક્રિકેટને એન્ટ્રી આપવી એટલી સરળ બાબત નથી. કારણ કે અન્ય ઘણી રમતોને ઓલિમ્પિકમાં સામીલ કરવાના પ્રસ્તાવ પણ કરવામાં આવ્યા છે. પરંતુ અમને લાગે છે કે સમય આવી ગયો છે કે આપણે પોતાનો શ્રેષ્ઠ કદમ આગળ વધારીએ અને બતાવી દઈએ કે ક્રિકેટ અને ઓલિમ્પિક્સમાં એક મોટી ભાગીદારી થઈ શકે છે.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS