જામનગરના મેયર, સાંસદ, ધારાસભ્યને માફી પત્ર લખવા સી.આર.પાટીનો આદેશ

  • August 24, 2023 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના મેયર, સાંસદ અને ધારાસભ્યનો માફી પત્ર લખીને મોકલવાનો આદેશ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આપવામાં આવ્યો  છે અને આ અહેવાલો જામનગર ખાતે પહોંચ્યા બાદ ફરી એક વખત જામનગરની ત્રણ મહીલા નેતાઓ વચ્ચે થયેલું શાબ્દીક યુઘ્ધ તાજુ થયું છે, આ પત્ર પ્રદેશને કયારે મોકલવામાં આવશે અથવા મોકલાઇ ગયા છે કે કેમ ? તે અંગેની વિગતો મેળવાઇ રહી છે. 


જામનગરના લાખોટા તળાવ ખાતે શહીદ સ્મારક પર તા.૧૭-૮ના રોજ એક કાર્યક્રમ દરમ્યાન મેયર બિનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા વચ્ચે ખુલ્લેઆમ ગરમાગરમ ચર્ચા થઇ હતી અને ઉપસ્થિત મીડીયાએ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી, આ પછી શું થયું તે આખુ જામનગર તો જાણે જ છે પરંતુ હવે તો આખા ગુજરાતમાં પણ આ પ્રકરણ પહોંચી ગયું છે. 
ત્રણ મહીલા નેતા વચ્ચેનો વિવાદ માત્ર લાખોટા તળાવના કાર્યક્રમ સુધી જ સિમીત રહ્યો ન હતો, આ પછી ધારાસભ્ય રિવાબા જાડેજાએ તાકીદે મીડીયાને બોલાવીને ગરમાગરમ આક્ષેપ કર્યા હતાં, બીજી તરફ સાંસદ દ્વારા સાંજે મીડીયાને બોલાવીને પોતાની ચોખવટ અપાઇ હતી. ત્રણ ટોંચની મહીલાઓ વચ્ચે ગજગ્રાહના કારણે ભાજપના સ્થાનિક આગેવાનો એક પ્રકારે મુંજવણ પણ અનુભવતા હતાં અને વિમાસણભરી સ્થિતિમાં મુકાઇ ગયા હતાં. 

દરમ્યાનમાં ગત સોમવારે મેયર બિનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજાને તાકીદનું તેડુ મોકલીને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતાં, જયાં સુત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશના મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં બંધ બારણે બેઠક યોજાઇ હતી અને તેમાં જામનગરમાં ઘટેલી ઘટના તથા તેનાથી ભાજપ જેવા શિસ્તબઘ્ધ પક્ષની આબરૂની થયેલા ધજાગરા અંગે મોવડીઓ દ્વારા કહેવાય છે કે ભારે નારાજગી વ્યકત કરવામાં આવી હતી. 
આ બેઠકમાં મોવડીઓ તરફથી એવી પણ સુચના અપાઇ હતી કે, હવે જાહેરમાં કે ઇન્સાઇડની બેઠકોમાં કોઇપણ આ મુદે એક શબ્દ પણ ઉચ્ચારશે નહીં અને પોતાના મોઢા સીવી રાખશે, તે સમયે એવું સામે આવ્યું હતું કે, પ્રદેશ ભાજપે જામનગરની ત્રણેય મહીલાઓને એક સાથે ‘બેસાડી’ દીધી હતી અને વાત પુરી થઇ ગઇ હતી. 


પરંતુ આ વાત અહીં સમાપ્ત થઇ ન હોવાનું જાણવા મળ્યું છે અને પ્રદેશ ભાજપના નજીકના વર્તુળો તરફથી એવા સ્ફોટક અહેવાલો સામે આવ્યા છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જામનગરના મેયર બિનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય રિવાબા જાડેજાને જે ઘટના બની છે તેના પર માફી પત્ર લખીને મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. 
એવું પણ જાણવા મળ્યું છે કે, પત્રમાં ત્રણેય મહીલા નેતાઓ તરફથી એવી ચોખવટ કરવાની રહેશે કે ભવિષ્યમાં પણ આવી કોઇ ઘટના બનશે નહીં, શિસ્તમાં રહેવાની ખાતરી આપવાની રહેશે. 


આમ પ્રદેશ ભાજપ પ્રમુખના આદેશ અંગેની વિગતો બહાર આવ્યા પછી જામનગર સહિતના ગુજરાતભરમાં રાજકીય આલમમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં ભારે ચર્ચા જાગી છે અને આખરે ભારતીય જનતા પાર્ટીએ શિસ્તની તલવાર વિંઝી હોવાનું બધા માની રહ્યા છે. 


ત્રણેય મહીલા નેતાઓ તરફથી સંભવત જામનરગની સંગઠન પાંખના શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા મારફત પત્ર મોકલવાની તજવીજ હાથ ધરાશે અથવા મોકલાઇ ગયા હશે, આ સંબંધે સ્વભાવિક રીતે એમના તરફથી કોઇ પ્રતિક્રિયા મીડીયાને આપવામાં આવશે નહીં કારણ કે પ્રદેશ ભાજપે પોતાના મોઢા બંધ રાખવાનો કડક આદેશ આપ્યો છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application