જામનગર : અનુપમ સિનેમા સામે આવેલી ભાડુઆતી જગ્યા મકાન માલિકને સોંપવાનો કોર્ટનો હુકમ
જામનગરમાં અનુપમ ટોકીઝ સામે ઝાલાના ડેલામાં આવેલી ભાડુઆતી જગ્યાને લઈ ચાલતા વિવાદમાં ડીસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા મકાન માલિકના પક્ષમાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, મકાન માલિક નુરુદ્દીન સલુમાનજી ગાંધીએ ભાડુઆત ધીરજલાલ વિઠ્ઠલદાસ પાલા સામે ભાડે અપાયેલી જગ્યા ખાલી કરાવવા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. આ જગ્યા ભાડુઆતના ભાઈ દ્વારા વપરાશમાં લેવામાં આવતી હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક અદાલતે દાવો નામંજુર કર્યો હતો, જેને પગલે મકાન માલિક દ્વારા ડીસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. અપીલની સુનાવણી બાદ ડીસ્ટ્રિક્ટ જજ દ્વારા ભાડુઆતી જગ્યાનો તાત્કાલિક કબજો મકાન માલિકને સોંપવાનો હુકમ કર્યો છે. આ કેસમાં મકાન માલિક તરફથી વકીલ તરીકે પી.એ. વાડોદરીયા, જાગૃતિબેન જોગડિયા, ખુશાલીબા સોઢા તથા નિશા આંબલિયા દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી.