જામનગર : લોનની રકમ ન ભરી છેતરપીંડી કરનાર દંપતિને કોર્ટમાં હાજર થવાનો હુકમ
ફરીયાદી કેશુભાઈ જુઠાભાઈ નકુમ અગાઉ મોરબી રહેતા હતા અને કામ ધંધાર્થે જામનગર આવેલ અને રીલાયન્સમાં પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે અને ફરીયાદી જામનગર કાયમી સ્થાયી થવુ હોય મકાન ખરીદવાનું નકકી કરેલ. આરોપીઓ કુંવરબેન હેમતભાઈ આહીર તથા હેમતભાઈ પાલાભાઈ આહીર એ જણાવેલ કે મારે મકાન વેચવુ છે મારુ મકાન ટાઈટલ કલીયર છે સદર હું મકાન ધ્વારકેશ સોસાયટી- ૫ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ અને ફરીયાદી સાથે આરોપીઓએ કુલ કિંમત રૂ. ૧૫,૬૦,૦૦૦/- પુરામાં વેચાણનો સોદો કરેલ અને રૂ.૭,૦૦,૦૦૦ ચુકવી આપી વેચાણ કરાર કરેલ. આરોપીઓએ આજ વિસ્તારમાં નવું મકાન ખરીદતા તેઓ તેમાં રહેવા જતા ફરીયાદી ને મકાનનો કબ્જો સોંપી આપેલ અને ફરીયાદીએ સદરહું મકાનમાં રીનોવેશનમાં કલરકામ, ફર્નીચરકામ, વિગેરે કામ કરી કુલ રકમ રૂ.૪,૦૦,૦૦૦ પુરાનો ખર્ચે કરેલ. ત્યારબાદ ફરીયાદી ઉપરોકત મકાનમાં રહેતા હતા, તે દરમ્યાન હિન્દુજા હાઉસીંગ ફાયનાન્સ કંપની દ્વારા સદરહું મકાન ઉપર લોન હોય કબ્જો મેળવવા અંગેની નોટીસ મકાન ઉપર ચોટાડી ગયેલ.
જેથી ફરીયાદીને જાણ થયેલ કે, આ મકાન ઉપર હિન્દુજા હાઉસીંગ ફાયનાન્સની લોન ચાલે છે અને હિન્દુજા હાઉસીંગ ફાયનાન્સમાં રૂ.૧૭,૧૦,૦૦૦/-પુરા ચુકવવાના છે.આથી ફરીયાદીએ આરોપીઓને જણાવતા પ્રથમ તો લોન સબંધે ગલ્લા તલ્લા કરેલ, જેથી ફરીયાદીએ નોટીસ દેખાડતા તેમણે કહેલ કે, હું ફાયનાન્સ કંપનીમાં લોન ભરપાઈ કરી આપીશ અને ટાઈટલ કલીયર કરી તમોને જપ્તી પહેલા મકાનનો દસ્તાવેજ કરી આપીશ, પરંતું ફાઈનાન્સ કંપની દ્વારા સરફેસીનો હુકમ કરાવી કોર્ટ દ્વારા નિમાયેલ કોર્ટ કમીશ્નર દ્વારા ફરીયાદી પાસે થી મકાનનો કબ્જો મેળવી લીધેલ. આથી આરોપીઓએ પોતાનું મકાન ટાઈટલ કલીયર છે, અને મકાન ઉપર લોન ચાલે છે તેવું છુપાવી ફરીયાદી સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરવાના ઈરાદે લોન વાળુ મકાન વેચાણ આપેલ અને ફરીયાદી પાસેથી રૂ.૮,૧૫,૦૦૦/- પુરા જેવી મોટી રકમ વેચાણ તરીકે પડાવી તથા ખર્ચ કરેલ ફરીયાદીએ મકાન ઉપર રૂ.૪,૦૦,૦૦૦/- પુરાનો ખર્ચે કરેલ, આમ કુલ રકમ રૂ.૧૨,૧૫,૦૦૦/- પુરા પરત ચુકવવાનો કરાર પણ કરી આપેલ.
આમ છતાં પૈસા પરત ન આપતા ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ આથી સૌ પ્રથમ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક તથા પોલીસ સ્ટેશન ઓફીસર સીટી સી પોલીસ સ્ટેશનમાં લેખીતમાં એફ.આઈ.આર. દાખલ કરવા ફરીયાદ આપેલ છતાં પોલીસ દ્વારા આ કામમાં ગુન્હો નોંધેલ ન હોય જેથી ફરીયાદીએ કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા જામનગરના એડી.ચીફ જયુડી.જજ યુ.એસ.આહીરની કોર્ટમાં ઈન્કવાયરી ચાલી જતા આરોપીઓ કુંવરબેન તથા હેમતભાઈ આહીર વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડી અંગે કેસ ચલાવવા તથા આરોપીઓને કોર્ટમાં હાજર થવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વિધ્વાન ધારાશાત્રીઓ ક્રિપાલસિંહ આર જાડેજા તથા કુલદીપસિંહ પી. ચૌહાણ રોકાયેલ છે.