મૂળ પોરબંદરના સંયુક્ત પરિવારના 28 સભ્યોને થયો કોરોના, ગરબાથી વાતાવરણ હળવું રાખે છે

  • May 06, 2021 09:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ કેરળમાં રહેતા મૂળ ગુજરાતી પરિવારનું કહેવું છે કે, ’અમે સાથે મળીને વાયરસને હરાવીશું’

 

મૂળ પોરબંદરના વતની અને હાલમાં કેરળના કોલ્લમમાં રહેતા ગુજરાતી પરિવારના ત્રણ બાળકો સિવાય પરિવારના 28 સભ્યોને કોરોનાનો નો ચેપ લાગ્યો છે.મુશ્કેલીના આ સમયમાં આ પરિવાર કોલ્લમમાં ઘર બહાર વરંડામાં બેસીને ગુજરાતી લોકગાયક અરવિંદ વેગડાએ ગાયેલું પોપ્યુલર ગીત ’ભાઈ ભાઈ’ ગાઈ છે, આમ કરીને તેઓ તે સમયે મૂડ હળવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

 


છ ભાઈઓના આ સંયુક્ત પરિવારમાં 31 સભ્યો છે, જે તમામ પત્ની અને બાળકો સાથે એક છત નીચે રહે છે. પરિવાર વીડિયો બનાવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર સંબંધીઓ તેમજ મિત્રોને મોકલી રહ્યો છે, આ સાથે તેઓ મેસેજ પણ આપી રહ્યા છે કે, જીવનને મન ભરીને માણો અને માનસિક રીતે પરેશાન થશો નહીં.

 


પરિવાર મૂળ મહાત્મા ગાંધીના જન્મસ્થાન પોરબંદરનો છે અને આ સમયમાં મજબૂત રહેવા માટે ગુજરાતી ગરબા અને ગુજરાતી ગીતો ગાવા તે જ તેમનો મંત્ર છે.
પરિવાર માટે, 30મી એપ્રિલે તેમના ઘરમાં વાયરસ પ્રવેશ્યો હતો, જ્યારે 6 ભાઈઓમાંથી એકમાં લક્ષણો દેખાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

 


’બીજા દિવસે, પરિવારના અન્ય 16 સભ્યો સંક્રમિત થયા હતા. બુધવારે આ સંખ્યા વધીને 28 થઈ. ત્રણ બાળકો સિવાય દરેકને કોવિડ-19નો ચેપ લાગ્યો છે’, તેમ 66 વર્ષના રજનીકાંત રૈયારેલાએ જણાવ્યું હતું.

 


રજનીકાંત રૈયારેલા પરિવારમાં સૌથી મોટા છે અને 31 વર્ષના અનુભવ બાદ નિવૃત થયેલા બેંક કર્મચારી છે. ભાઈઓ કાજુના વેપારમાં છે. પરિવારે ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવાનું શરુ કરી દીધું છે અને તેઓ નિયમિત તેમનું ઓક્સિજન તેમજ શરીરનું તાપમાન ચેક કરે છે.

 


આ વિસ્તારમાં પરિવાર પોપ્યુલર છે અને કોવિડ-19 પહેલા તેઓ નિયમિત ગરબાનું આયોજન પણ કરતા હતા. ’અમે આટલા વર્ષોથી એક છત નીચે રહીએ છીએ અને અમારું રસોડું પણ એક છે. અમે કોવિડ-19 સામે સાથે મળીને લડી રહ્યા છીએ અને એક પરિવાર તરીકે તેમાંથી બહાર આવીશું તેવી ખાતરી છે. આ કપરા સમયમાં અમને પરિવારનું મહત્વ સમજાયું છે. અમે તે સંદેશો આપવા માગીએ છીએ કે, કોઈએ પણ આશા ગુમાવવી ન જોઈએ અને જીવનનો આનંદ લેવો જોઈએ’, તેમ રૈયારેલાએ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS