કોરોના હશે તો ખબર પણ નહીં પડે.... વાંચી લો રાજકોટના 40 વર્ષીય યુવાનની કોરોના પોઝિટિવ થવાની ઘટના

  • March 25, 2020 07:34 PM 1428 views

 

રાજકોટમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આજે 40 વર્ષીય યુવાન પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ રાજકોટમાં કોરોના પોઝિટિવ હોય તેવા દર્દીની સંખ્યા 4 થઈ છે. 

 

ગઈકાલે જે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેમના દીકરાનો પણ આજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈ કાલે વિમળાબેન કાનાબારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરીવારના સભ્યોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. વિમળાબેનને દીકરાને પણ થોડા દિવસથી ઉધરસ આવતી હોવાથી તેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું છે. 

 

કોરોના પોઝિટિવ દર્દી એવા કૌશલભાઈ કાનાબારને દુલ્હન સાડી નામની દુકાન છે અને તેમની બહેન ધોળકીયા સ્કુલમાં જોબ કરે છે. હાલ આ પરીવારના સભ્યો કોરોન્ટાઈનમાં છે. કોરોના વાયરસ અંગે વિમળાબેનએ આજકાલ સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ બીમારીના લક્ષણો શું હતા. વિમળાબેનના જણાવ્યાનુસાર તેમને થોડા દિવસથી સુસ્તી જણાતી હતી અને મોં કળવું થઈ જતા કંઈજ ખાવાની ઈચ્છા થતી ન હતી. ત્યારબાદ તેમણે ફેમેલી ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું તો એક્સ રેમાં જણાયું કે તેમના ફેફસામાં પરપોટા જેવો કફ જામી ગયો છે. ત્યારબાદ ડોક્ટરને નિમોનીયાની શંકા હતી પરંતુ તેમના કોરોનાના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા. જે પોઝિટિવ આવ્યા છે. તેમના દીકરામાં જોવા મળેલા લક્ષણની વાત કરીએ તો કૌશલભાઈની તબિયત વધારે ખરાબ ન હતી. તેમને 3, 4 દિવસ ઉધરસ આવી હતી. જો કે કૌશલભાઈના પિતાને મેડિકલ સ્ટોર હોવાથી તેમણે ઉધરસની દવા લઈ લીધી હતી. ત્યારબાદ કોરોનાનો ટેસ્ટ ત્યારે કરવામાં આવ્યો જ્યારે તેમની માતાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. 

 

આ કારણથી જ જરૂરી છે કે લોકો જાગૃત થાય અને હાલના સમયમાં 21 દિવસ સુધી ઘરની બહાર નીકળવાનું ટાળે. કારણ કે કોરોના વાયરસ લાગુ થાય ત્યારથી તેનો રિપોર્ટ કરાવો ત્યાં સુધીમાં કોઈને ખબર પણ પડતી નથી એવા લક્ષણો શરીરમાં જણાય છે. લોકો જેને સામાન્ય ઉધરસ ગણતા હોય છે તે કોરોના પણ હોય શકે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું જ ટાળો. ક્યાંક એવું ન બને કે બહાર કોઈ વસ્તુ લેવા નીકળો અને ઘરે કોરોના લઈને આવો....