મહામારી બનેલા કોરોના વાયરસનો અંત નજીક છે....

  • March 25, 2020 01:14 PM 6849 views

 

રાસાયણિક પ્રણાલીઓના જટિલ મોડેલો વિકસાવવા માટે રસાયણ શાસ્ત્રમાં 2013નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર એક અમેરિકન-બ્રિટીશ બાયોફિઝિસિસ્ટ મીશેલ લેવિટએ કોરોનાવાયરસ મહામારીના અંત અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે. જે દરેક દેશ માટે રાહત સમાન બની શકે છે. 

 

તેમના જણાવ્યાનુસાર વિશ્વભરમાં ખુબજ ઝડપથી ફેલાઈ રહેલો આ રોગનો અંત પણ આવી જશે. પરંતુ ધીરે ધીરે આ રોગ અટકશે. તેમની આ ધારણાનું ઉદાહરણ ચીન છે જ્યાં મોતનો આંકડો ભયંકર રીતે વધ્યો હતો પરંતુ હવે ત્યાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટી રહી છે.

 

તેમણે આ ધારણા પર કામ કરવાનું શરુ પણ કરી દીધું છે. કોરોના વાયરસના કેસ પર તેઓ રિસર્ચ કરી રહ્યા છે. આ આંકડા જાન્યુઆરીથી લેવામાં આવ્યા છે. તેમના મતાનુસાર વિશ્વભરના દેશોએ સૌથી પહેલા તો ઉહાપોહ ઓછો કરવાની જરૂર છે. ત્યારબાદ સૌથી વધુ જરૂરી છે સોશિયલ ડિસ્ટન્સ મેઈન્ટેન કરવો. સંપર્ક ટાળવાથી આ વાયરસને ફેલાતો રોકી શકાય છે.

 

ફેબ્રુઆરીમાં મીશેલ લેવિટએ રજૂ કરેલી ધારણમાં અંદાજ હતો કે ચીનમાં 80,000 કેસ પોઝિટિવ થઈ શકે છે તેમાંથી મોતનો આંકડો 3000થી વધુ હશે. આવા  જ આંકડા ચીનમાં જોવા મળ્યા હતા. આ આંકડા બાદ ચીનમાં 16 માર્ચ સુધીમાં કેસમાં ઘટાડો થયો હતો. તેમના સ્ટડી અનુસાર આ સ્થિતિમાં આગામી દિવસોમાં સુધારો થશે. આ આંકડા પરથી એમ પણ જાણવા મળે છે કે કોરોનાના કારણે મહિનાઓ કે વર્ષો સુધી લોકડાઉનમાં નહીં રહેવું પડે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે લાખો મોત આ મહામારીના કારણે થાય તેવું પણ થશે નહીં. 

 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ મહામારી પર ઓવરરિએકશન કરવાથી બેકારી, નિરાશા જેવી સમસ્યા વધી શકે છે. જેના કારણે લોકોમાં આત્મહત્યા કે આર્થિક સ્થિતિ ખરાબ થવા જેવી ઘટના સમાજમાં બની શકે છે. આ વાયરસ ગંભીર છે પરંતુ સ્થિતિ એટલી ભયંકર નથી જેટલી તેને બનાવી દેવામાં આવી છે. કોરોના વાયરસના આંકડા પર કરેલા સ્ટડીના આધારે તેમણે જણાવ્યું છે કે આ વાયરસનો અંત હવે નજીક જ છે.