કોરોના પોઝિટિવ દર્દીનો પ્રથમ ઇન્ટરવ્યુ : સિવિલ હોસ્પિટલે ગયા પણ ધ્યાન ન આપ્યું, વોકહાર્ડ હોસ્પિટલે હાથ ઉંચા કરી દીધા

  • March 24, 2020 09:54 PM 10341 views

રાજકોટના કાલાવડ રોડ પર ન્યુ કોલેજ વાડીમાં રહેતા દુબઈથી આવેલા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર મયુરસિંહ ઝાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે તેમણે આજકાલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે 13 માર્ચના રોજ તેઓ દુબઇ ગયા હતા અને 17 માર્ચના રોજ જ્યારે તે દુબઈથી પાછા આવ્યા એક દિવસ મુંબઈ રોકાયા બાદ તે રાજકોટ આવ્યા અને રાજકોટ આવ્યા બાદ તેમની તબિયત બગડી હતી  શરુઆતમાં તેમને શરદી તેમજ ગળામાં દુખાવો થયો હતો. આથી તેઓ પ્રાથમિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ગયા હતા. સિવિલમાં ફરજ પરના તબીબને મયુરસિંહ પોતે વિદેશથી આવ્યા હોવાનું જણાવ્યું હતું અને તેમને કોરોનાનો રિપોર્ટ કરાવવા બાબતે સિવિલ હોસ્પિટલના તબીબ સાથે વાતચીત પણ કરી હતી. પરંતુ સિવિલના તબીબોએ માત્ર સી બી સીનો રિપોર્ટ કરી શરદી અને ઉધરસની દવા આપીને તેમને ઘરે આરામ કરવાનું જણાવ્યું હતું.

 

જો કે ત્યારબાદ પણ મયુર સિંહની તબિયતમાં કોઈ સુધારો ન આવતા તે કાલાવડ રોડ પર આવેલી રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ગયા. અહીં પણ મયુરસિંહે વોકાર્ડ હોસ્પિટલના તબીબને પોતે વિદેશથી આવ્યા હોય જેથી કોરોનાનો રિપોર્ટ કરાવવા બાબતેની વાત કરી હતી. પરંતુ હોસ્પિટલના તબીબોએ પોતાની પાસે કોરોનાના રિપોર્ટ અંગેની કીટ નહી હોવાનું જણાવીને તેમને ત્યાંથી રવાના કરી દીધા હતા. સિવિલ હોસ્પિટલ અને વોકાર્ડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોનાનો રિપોર્ટ કરાવામાં ન આવ્યો અને અંતે તે સિનર્જી હોસ્પિટલમાં દાખલ થયા. અહીં તેમના રીપોર્ટ કરાવાયા અને તપાસમાં તે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.  મયુર સિંહ સાથે 13 માર્ચે દુબઈ તેમના મિત્ર  પણ સાથે ગયા હતા. હાલ તેમની સાથે સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો અને તેમના મિત્રોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

 

મયુરસિંહ જ્યારે દુબઈથી આવ્યા ત્યારે તેમના પત્ની અમદાવાદ હતા જ્યારે માતા ધાંગધ્રા હતા અને પિતા જામનગર હતા. પુત્રની તબિયત બરોબર ન હોવાની જાણ થતાં તેમના માતા ધાંગધ્રાથી રાજકોટ આવી ગયા હતા અને પત્ની પણ અમદાવાદથી તાત્કાલિક સેલ્ફ ડ્રાઇવ કરીને રાજકોટ પહોંચ્યા હતા અને પિતા પણ જામનગરથી રાજકોટ પહોંચ્યા હતા. હાલ મયુરસિંહના પરિવારજનો તેમજ તેમના રસોઈયા ડ્રાઇવર અને તેમના મિત્રોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. હવે તેમના રિપોર્ટ કરવામાં આવ્યા છે અને તેની રાહ જોવાઈ રહી છે. 

 

મયુરસિંહે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ તેમની તબિયત સુધારા ઉપર છે તેમને કોઈ તકલીફ નથી સિનર્જી હોસ્પિટલમાં તેમને ખાસ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેમને સવારે નાસ્તો બપોરે ભોજન અને રાત્રે પણ જમવાનું આપવામાં આવે છે.