ધારાસભ્યને ફોન કરી યુવકે કહ્યું કે, હું મારી જમીન લખી આપું પણ મને વ્યવસ્થા કરી આપો

  • April 30, 2021 07:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુવકે કહ્યું હું 50,000નું ઓક્સિજન સિલિન્ડર લાવ્યો છું, મને રેગ્યુલેટર જોઇએ છે પરંતુ ધારાસભ્યએ કહ્યું બઘું કલેક્ટરના હાથમાં છે

 



કોરોના સંક્રમણમાં પિડાઇ રહેલા લોકોની લાચારી સામે આવી છે. એક વિડીયો એવો વાયરલ થયો છે કે જેમાં ધારાસભ્યએ પણ હાથ ઉંચા કરી દીધા છે. જર-જવેરાત વેચીને લોકો પોતાના સ્વજનની સારવાર કરાવવા માટે તૈયાર થાય છે છતાં હોસ્પિટલમાં બેડ કે ઓક્સિજન  ઉપલબ્ધ નથી.

 


બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનો એક કિસ્સો એવો છે કે જેમાં યુવકની લાચારી સામે ખુદ ધારાસભ્યએ હાથ ઉંચા કરી દીધા છે. સંવાદનો જે ઓડિયો વાયરલ થયો છે તેમાં યુવક તેના વિસ્તારના ધારાસભ્યને આજીજી કરી રહ્યો છે. તે ઓક્સિજનની બોટલના રેગ્યુલેટરની માગણી કરે છે પરંતુ તેને મળતું નથી. આ યુવક ખુદની જમીન આપી દેવા તૈયાર છે.

 


પાલનપુર તાલુકાના ગઢ જેવા ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓના સગાં હોસ્પિટલ મેળવવા માટે ભટકી રહ્યાં છે છતાં તેમને જગ્યા મળતી નથી. ગુજરાતના 182 ધારાસભ્યો પૈકી પ્રત્યેક 1000 બેડની હોસ્પિટલ શરૂ કરાવી શકે તેમ છે. જો તેમ થાય તો ગુજરાતને 182000 જેટલા બેડ ઉપલબ્ધ થઇ શકે છે પરંતુ રાજકીય નેતાઓને તેમના મતદારોની ક્યાં પડી છે. તેઓ ફોન ઉપાડતા નથી અને જો ઉપાડે છે તો સરખા જવાબ પણ આપી શકતા નથી.

 


પ્રકાશ ચૌધરી નામના એક યુવકે પાલનપુરના ધારાસભ્યને ફોન કરી સ્વજન માટે ઓક્સિજન અને રેગ્યુલેટરની માગણી કરી હતી અને જણાવ્યું હતું કે અમે 50,000 રૂપિયા ખર્ચીને ઓક્સિજન સિલિન્ડર લાવ્યા છીએ પરંતુ તેનું રેગ્યુલેટર મળતું નથી. તેણે ધારાસભ્યને કહ્યું કે મને રેગ્યુલેટર આપો, હું મારી જમીન તમારા નામે લખી આપીશ, પરંતુ મારે જીવ બચાવવાનો છે.

 


યુવકની આજીજી છતાં પ્રજાના પ્રતિનિધિ કહે છે કે મારા હાથમાં કંઇ નથી. સરકારે બઘું કલેક્ટર હસ્તક કરી દીધું છે. હું મદદ કરી શકું એમ નથી. પોતાના વિસ્તારના પ્રજાના પ્રતિનિધિનો આ જવાબ સાંભળી યુવકે તેનો ફોન કટ કરી દીધો હતો. આ ઓડિયો સંવાદ વાયરલ થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS