રાજકોટને કોરોનાનો ભરડો: વધુ ૧૩ કેસ સાથે બેના મોત

  • July 10, 2020 07:22 PM 626 views

રાજકોટ શહેર અને ગ્રામ્ય જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે રાજકોટ શહેરમાં ૧૩ અને જિલ્લામાં નવા છ પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન ચોંકાવનારી હદે વધારો થઈ રહ્યો હોવા છતાં સરકાર અને આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય બનીને બેસી ગયું હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. લોકોને ઘરની બહાર નહીં નીકળવા માટે અપીલ કરીને પોતાનું કામ પૂરું થઈ ગયું હોવાનું તંત્ર માનતુ હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.


કોરોનાના કારણે મૃત્યુની ઘટના પણ સતત બની રહી છે. સિવિલ હોસ્પિટલના બિનસત્તાવાર છતા આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ૨૪ કલાકમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે.રાજકોટ જિલ્લામાં ગોંડલ, પડધરી અને રાજકોટ શહેરની બોર્ડર પર આવેલા નવાગામ તથા મોટામોવામાં એક- એક પોઝિટિવ કેસ મળી આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.કોરોનાને લગતી માહિતી આપવામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ એકબીજા પર ખો આપી રહ્યા છે અને માહિતી છુપાવી રહ્યા છે.


કોરોનાના દર્દીઓના નામ-સરનામા સહિતની વિગતો મહાનગરપાલિકા દ્વારા દરરોજ દિવસમાં બે વખત જાહેર કરવામાં આવતી હતી પરંતુ આ પધ્ધતિ હવે બંધ કરી દેવામાં આવી છે અને સાંજે સાત વાગ્ય માત્ર એક વખત સંકલિત યાદી જાહેર કરવામાં આવે છે. આવીજ રીતે મૃત્યુઆંક અને તેની વિગતો જાહેર કરવાની સત્તા એક માત્ર સિવિલ સર્જન મનિષ મહેતાને આપવામાં આવી છે. આજે ૨૪ કલાકમાં બે વ્યક્તિના મૃત્યુ કોરોનાના કારણે થયા છે પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે તેની કોઈ જાણ કરવામાં આવી નથી. માહિતી છૂપાવવાથી જાણે કોરોના કાબૂમાં આવી જવાનો હોય તેમ તંત્રવાહકો મોઢા આડે ડૂચો મારીને બેસી ગયા છે.

સમરસ હોસ્ટેલમાં ૯૦૦ બેડ માટે વ્યવસ્થા કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલ સમરસ હોસ્ટેલમાં ૯૦૦ બેડની વ્યવસ્થા કરવાનું વિચારાઈ રહ્યું છે. ગઈકાલે આ સંદર્ભે કલેકટર કચેરીના અધિકારીઓએ આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક સુવિધાને લગતી માહિતીઓ મેળવી હતી.
રેન બસેરા અને ગેરૈયા કોલેજમાંં ૧૦૦-૧૦૦ બેડનો વધારો
કોર્ટ બિલ્ડીંગની પાછળના ભાગે આવેલા બેડી પરા વિસ્તારમાં મહાનગરપાલિકાના રેન બસેરામા ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ તમામ બેડ ફુલ થઇ જતા વધારાના ૧૦૦ બેડની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રંબા નજીક આવેલી ગેરૈયા કોલેજમાં અત્યાર સુધી ૭૦ બેડની વ્યવસ્થા હતી તેમાં ૧૦૦ બેડનો ઉમેરો કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application