મહાપાલિકામાં કોરોના વિસ્ફોટ, ચાર ઓફિસર સંક્રમિત: ૨૮૬ કેસ

  • April 24, 2021 03:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું છે. દરમિયાન આજ સુધી કોરોના વોરિયર તરીકે કામગીરી કરી રહેલા રાજકોટ મહાપાલિકાના અનેક અધિકારીઓ, ઈજનેરો અને કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો પણ સંક્રમિત થવા લાગ્યા છે. દરમિયાન તાજેતરમાં આરોગ્ય શાખાના ફડ સેફટી ઓફિસર અમિત પંચાલ, મહાપાલિકાની ચૂંટણી શાખાના અધિકારી અને લાયબ્રેરિયન આરદેશણા, આવાસ યોજના શાખાના મેનેજર ઉનાવા તેમજ સેક્રેટરી શાખાના ડેપ્યુટી સેક્રેટરી લખતરિયા સહિતના ચાર અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે અને હાલ હોમ આઈસોલેશન હેઠળ સારવારમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન આજે બપોર સુધીમાં શહેરમાં કોરોનાના ૨૮૬ કેસ મળ્યા છે અને આ સાથે હાલ સુધીના કુલ કેસ ૨૯,૫૨૬ થયા છે.

 

 

વિશેષમાં મહાપાલિકાના કોવિડ બૂલેટિન અનુસાર આજે બપોરે ૧૨ સુધીમાં ૨૮૬ કેસ મળતા કુલ કેસ ૨૯,૫૩૬ થયા છે જેમાંથી આજ સુધીમાં ૨૪,૦૨૮ ડિસ્ચાર્જ થયા છે. હાલ સુધીમાં કુલ ૯,૧૪,૬૮૫ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પોઝિટિવિટીરેઈટ ૩.૨૦ ટકા રહ્યો છે. યારે ગઈકાલે ૧૩,૯૦૧ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૬૯૭ પોઝિટિવ મળી આવ્યા હતા. સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોરોનાના કુલ કેસ રાજકોટ શહેરમાં આજે સાંજ સુધીમાં ૩૦,૦૦૦ સુધી પહોંચી જવાની ધારણા છે.

 

 

સંજીવની રથની સંખ્યા વધારીને ૯૬ કરાઈ
શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા હોય, સંજીવની રથની સંખ્યા વધારવામાં આવી છે. આજની તારીખે ૯૬ સંજીવની રથ દોડાવવાનું શરૂ કરાયું છે. આ સાથે સાથે કોવિડ ટેસ્ટિંગ વ્હિકલ્સ અને ધનવંતરી રથ પણ દોડાવી રહ્યા છે. તમામ આરોગ્ય કેન્દ્રો પર આરોગ્ય શાખાના અધિકારીઓ તેમજ જે તે વોર્ડના કોવિડ પ્રભારીઓ પણ ધ્યાન આપી રહ્યા છે.

 


શહેરમાં પાંચ દિવસમાં ૨૦૦ દુકાનો સીલ
રાજકોટમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ચાની હોટેલો અને પાનની દુકાનો પર મુખ્ય ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરની જે દુકાનો બહાર ગ્રાહકોના ટોળાં એકત્રીત થતા હોય તેવી દુકાનો સીલ કરવામાં આવી રહી છે. સોમ, મંગળ, બુધ, ગુ અને આજે શુક્રવાર સુધીના છેલ્લા પાંચ દિવસમાં શહેરમાં કુલ ૨૦૦થી વધુ દુકાનો સીલ કરવામાં આવી છે અને આ ઝુંબેશ લગાતાર ચાલુ રહેશે. હવે ૨૪ કે ૪૮ કલાક સુધી નહીં પરંતુ પુરા સાત દિવસ સુધી દુકાન સીલ કરવામા આવે છે.

 


રાજકોટમાં ૬,૦૦૦ વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ
રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક હદે પ્રસરી જતાં આરોગ્ય શાખાએ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કયુંર્ છે. જે એપાર્ટમેન્ટ, સોસાયટી, કોમ્પ્લેકસ કે શેરીમાં કોરોનાના વધુ કેસ મળે તેને માઈક્રો ઝોન જાહેર કરાય છે. હાલ સુધીમાં શહેરમાં આવા ૬,૦૦૦ માઈક્રો ઝોન જાહેર કરાયા છે.

 

 


જરૂર પડયે મનપા સ્વખર્ચે ફેબિફલુ ખરીદશે
કોરોનાના પોઝિટિવ દર્દીઓને સારવાર દરમિયાન અપાતી ફેબિફલુ ટેબ્લેટનો જથ્થો વચ્ચે ખૂટી પડયો હતો પરંતુ હાલમાં જરૂરિયાત પુરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ સરકારમાંથી વધુ ફેબિફલુ આપવા માટે માગણી કરવામાં આવી છે. જો કે, સરકારમાં જથ્થો આવે ત્યાં સુધી રાહ જોવી ન પડે અને જોઈએ તેટલી માત્રામાં જથ્થો ઉપલબ્ધ રહે તે માટે જરૂર પડયે મનપા સ્વખર્ચે ફેબિફલુ ટેબ્લેટ ખરીદશે અને તે માટેનું આયોજન આજથી હાથ ધરવામાં આવ્યું છે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS