રાજકોટમાં હવે કોરોના ડાઉન, વેકિસનેશન અપ

  • May 24, 2021 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ હવે દિવસેને દિવસે ડાઉન થઈ રહ્યું છે અને તેની સામે વેકિસનેશન અપ થઈ રહ્યું છે. મહાપાલિકા દ્રારા આજથી દરરોજ ૧૮થી ૪૪ વર્ષની વય સુધીના ૨૦ હજાર નાગરિકોને વેકિસનેટ કરવાના લયાંક સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે. ૧૦૦ સેશન સાઈટ કાર્યરત કરવામાં આવી છે અને દરેક સાઈટ પર ૨૦૦ લોકોને વેકિસન આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અગાઉની સરખામણીએ વેકિસન લેવા માટેની કતારો પણ ઘટવા લાગી છે.

 


વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, વેકિસનેશન દરમિયાન શહેરના ૪૫ વર્ષથી મોટી ઉંમરના નાગરિકો માટે ૨૫ સેશન સાઈટ રાખવામાં આવી છે જેમાં મહાનગરપાલિકાના ૨૧ આરોગ્ય કેન્દ્રો ઉપરાંત પીડીયુ સિવિલ હોસ્પિટલ, પધ્મકુંવરબા હોસ્પિટલ, શિવશકિત સ્કૂલ–યુનિ. રોડ અને ચાણકય સ્કૂલ–એરપોર્ટ રોડની સેશન સાઈટનો સમાવેશ થાય છે. દરેક સાઈટ પર ૧૩૦ નાગરિકોને વેકિસનેટ કરાશે જેમાં ૧૦૦ લોકોને પહેલો ડોઝ અને ૩૦ લોકોને બીજો ડોઝ આપવામાં આવશે. કોવિશિલ્ડ વેકિસનનો બીજો ડોઝ પહેલો ડોઝ લીધાના ૮૪ દિવસ બાદ આપવામાં આવશે. કોરોના પોઝિટિવ દર્દી રિકવર થયાના ત્રણ મહિના બાદ વેકિસન લઈ શકશે.

 


સૂત્રોએ ઉમેર્યું હતું કે, ૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકો માટે શહેરમાં ૧૦૦ સેશન સાઈટ ખાતે વેકિસનેશનની કામગીરી આજથી શરૂ કરી દેવાઈ છે યાં આગળ દરેક સાઈટ પર ૨૦૦ લોકોને રસીનો ડોઝ આપવામા આવશે. સેશન સાઈટ દરરોજ સાંજે ૫ વાગ્યે જનરેટ થશે અને તેના પરથી વેકિસનેશન સ્લોટ બૂક કરવાનો રહેશે.

 


સ્લોટ બૂક થયા બાદ આવેલા મેસેજ અનુસારના તારીખ, સ્થળ અને સમય અનુસાર જ વેકિસન લેવા જવાનું રહેશે. વેકિસનેશનનો સમય સવારે ૯થી બપોરના ૧ અને બપોરે ૩થી ૬ વાગ્યા સુધીનો રહેશે. આ તકે તંત્રવાહકો દ્રારા અપીલ કરાઈ છે કે, વેકિસન લેવા માટે જનાર નાગરિકોએ તેમને ફાળવવામાં આવેલા સમયે જ વેકિસન લેવા જવું તે સમયની પહેલાં પણ ન જવું અને સમય પછી પણ ન જવું. નિર્ધારિત સમયે જવાથી લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં.

 

શહેરમાં ૧૨૮ દિવસમાં ૩૬૬૨૧૮ નાગરિકો વેકિસનેટ


રાજકોટ સહિત દેશભરમાં તા.૧૬ જાન્યુઆરીથી રસીકરણ મહાઅભિયાનનો પ્રારભં થયો હતો જેમાં પ્રથમ તબકકામાં મેડિકલ અને પેરા મેડિકલ ફિલ્ડના હેલ્થ વર્કર્સને વેકિસનેટ કરવામાં આવ્યા હતાં ત્યારબાદ મહાપાલિકા તંત્ર, જિલ્લા કલેકટર તત્રં અને પોલીસ તત્રં સહિતના સરકારી વિભાગોના ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સને વેકિસન આપવામાં આવી હતી અને ત્યારબાદ ૬૦ વર્ષ કે તેથી વધુ વયના સિનિયર સિટીઝન્સને રસીકરણ કરાયું હતું. આ તબકકાઓ પૂર્ણ થયા બાદ ૪૫થી ૫૯ વર્ષની વય સુધીના નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું હતું. જયારે તા.૧લી મેથી ૧૮થી ૪૪ સુધીની વય સુધીના યુવાનોને વેકિસન આપવાનું શરૂ કરાયું છે. તા.૧૬ જાન્યુઆરીથી આજે ૨૪ મે સુધીના ૧૨૮ દિવસમાં શહેરમાં કુલ ૩,૬૬,૨૧૮ નાગરિકો વેકિસનેટ થયા છે. આ મુજબની ગણતરીએ દરરોજ સરેરાશ ૨૮૬૧ નાગરિકો વેકિસનેટ થયા ગણાય! જયારે હવે દરરોજ ૨૦ હજાર નાગરિકોને વેકિસનેટ કરવાનો લયાંક છે ત્યારે ઝડપ વધારવી જરૂરી છે.

 


મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજથી ૧૮થી ૪૪ વર્ષની વયના યુવાનોને ૫૦ કેન્દ્રો પર રસીકરણ માટે ૪૦૦ સ્લોટ ફાળવવામાં આવ્યા છે. સેન્ટરના સ્થળ ૫૦ જ રાખવામાં આવ્યા છે પણ ત્યાં આગળ બબ્બે બુથ ઉભા કરી રસીકરણ કેન્દ્રની સંખ્યા ૧૦૦ કરી નાખવામાં આવી છે. આ ૧૦૦ કેન્દ્રો પર દરરોજ ૨૦૦ યુવાનો વેકિસનેટ થાય તે મુજબ કુલ ૨૦ હજાર યુવાનો વેકિસનેટ થાય તેવો અંદાજ છે. બીજી બાજુ ૪૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો માટે પ્રતિ સેન્ટર દીઠ ૧૩૦ નાગરિકોને રસીકરણ કરવાનું આયોજન છે.

 


સૂત્રોએ ઉમેયુ હતું કે, આજ સુધીમાં ૪૫ કે તેથી વધુ વયના ૨,૭૧,૫૦૫ નાગરિકો અને ૧૮થી ૪૪ વર્ષની વય સુધીના ૯૪,૭૧૩ નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જે મુજબ હાલ સુધીમાં ૩,૬૬,૨૧૮ નાગરિકો વેકિસનેટ થયા છે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે જો ૮ દિવસ સુધી લગાતાર ૨૦ હજાર યુવાનોને વેકિસનેટ કરાય તો વધુ ૧.૬૦ લાખ નાગરિકો વેકિસનેટ થઇ જશે. કોરોનાની ત્રીજી લહેર ઓકટોબરમાં આવવાની આગાહી છે તે પૂર્વે મહત્તમ રસીકરણ થઇ જાય તે જરૂરી છે.

 


મહત્વપૂર્ણ છે કે કોરોનાના કેસ ઘટવા લાગતા હવે વેકિસનેશન કેમ્પ માટેની અરજીઓ ફરી આવવા લાગી છે. અનેક સંસ્થાઓ વેકિસન કેમ્પ યોજવા આગળ આવી રહી છે. જોકે, હજુ સુધી કોઇને મંજૂરી આપવામાં આવી નથી. મહત્તમ નાગરિકોને ઝડપથી રસીકરણ કરવા માટે કેન્દ્રોની સંખ્યા વધારવી ખાસ જરૂરી છે તેમજ સ્ટાફ વધારવો પણ જરૂરી છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં સર્વિસ ચાર્જ લઇને રસીકરણ કરવામાં આવતું હતું તે પણ જો ફરી શરૂ કરાય તો સરકારી કેન્દ્રો પરનું ભારણ ઘટશે. શહેરમાં અનેક નાગરિકો એવા છે કે જેમને પૈસા ચૂકવીને ખાનગી હોસ્પિટલામાં વેકિસન લેવા જવામાં કોઇ વાંધો નથી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)