રાજકોટમાં કોરોનાના કેસ ઘટયા, ટેસ્ટ પણ ઘટયા

  • May 04, 2021 01:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મિનિ લોકડાઉન અને રાત્રી કરફયુ વચ્ચે હવે મે મહિનાના પ્રારંભથી શહેરમાં ઝડપભેર કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. આજે તો બપોર સુધીમાં ફકત ૧૨૧ કેસ મળ્યા હતા. ગઈકાલે રવિવારે ૪૦૧ કેસ મળ્યા હતા. મહત્તમ ટેસ્ટિંગ થતા છુપા દર્દીઓ તેમજ લક્ષણો ન હોય તેવા દર્દીઓ પણ હવે બહાર આવી ગયા છે. જો કે, કેસ ઘટી રહ્યા છે તેવું જાહેર કરાઈ રહ્યું છે પરંતુ હજુ પણ હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ થતા નથી તે વાસ્તવિકતા છે.

 


વિશેષમાં આજે બપોરે ૧૨ કલાકે મહાપાલિકાએ જાહેર કરેલા કોવિડ બુલેટિન અનુસાર આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોરોનાના ફકત ૧૨૧ પોઝિટિવ કેસ મળ્યા છે અને આ સાથે હાલ સુધીના કુલ પોઝિટિવ કેસ ૩૪૬૫૨ થયા છે. પોઝિટિવિટી રેઈટ ૩.૪૨ ટકા રહ્યો છે. જયારે હાલ સુધીમાં ૩૦.૪૬૬ દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઈ છે અને રિકવરી રેઈટ ૮૮.૧૭ ટકા રહ્યો છે. જયારે ગઈકાલે રવિવારે ૬૬૦૧ ટેસ્ટ કરાયા હતા જેમાં ૪૦૧ પોઝિટિવ આવ્યા હતા.

 


વિશેષમાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલ સુધીમાં મહત્તમ ટેસ્ટ કરાયા હોય આજની સ્થિતિએ કુલ ટેસ્ટ ૧૦,૧૦,૯૦૮ થયા છે. મહત્તમ ટેસ્ટિંગ થઈ જતા હવે ટેસ્ટનું પ્રમાણ ઘટયુ છે કારણ કે, સામેથી ટેસ્ટ કરાવવા આવતા નાગરિકોની સંખ્યા ઘટી ગઈ છે. મહાનગરપાલિકાના તમામ ૨૧ આરોગ્ય કેન્દ્રો અને ૧૦ જાહેર ટેસ્ટ બુથ ઉપર ટેસ્ટિંગ ચાલુ જ છે જેથી ટેસ્ટમાં મહાપાલિકા તંત્રએ કોઈ ઘટાડો કર્યેા નથી પરંતુ ટેસ્ટ માટે આવતા નાગરિકોની સંખ્યા ઘટતા ટેસ્ટ ઘટી ગયા છે. હાલમાં ટેસ્ટ કિટની પણ પુરતી ઉપલબ્ધિ હોય એન્ટિજન ટેસ્ટ માટે આવતા નાગરિકોનો ટેસ્ટ વિના વિલંબે થઈ રહ્યા છે. મહાપાલિકા દ્રારા જયાં પણ પોઝિટિવ કેસ મળે તે પરિવારના તમામ સભ્યો તેમજ તેના અન્ય કોન્ટેકટસનું ટ્રેસિંગ કરી તેના ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત જે નાગરિકો સામેથી ટેસ્ટ માટે આવે તેમના ટેસ્ટ કરાય છે. એકંદરે આગામી દિવસોમાં કેસ સતત ઘટતા રહેશે તેવો પરોક્ષ નિર્દેશ તેમણે વ્યકત કર્યેા હતો.

 


રાજકોટમાં કોરોનાના કેસ ઘટવા છતાં સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી થતા નથી અને ઉલ્ટુ નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી રહી છે તે અંગેના સવાલના પ્રત્યુત્તરમાં આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, હોમ આઈસોલેશન હેઠળના દર્દીઓ વધુ માત્રામાં સાજા થઈ રહ્યા છે. તબિયત વધુ ખરાબ હોય તેવા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરાતા હોય તેમને સ્વસ્થ થવામાં વાર લાગે છે જેથી બેડ ખાલી થવામાં વિલબં થઈ રહ્યો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS