રાજકોટમાં કોરોનાના કેસ વધવા લાગ્યા લક્ષણો જણાય તો તુરંત ટેસ્ટ કરાવવા અપીલ

  • February 26, 2021 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેસ્ટની સંખ્યા ફરી વધી ગઈ: ગઈકાલે 1279 ટેસ્ટ કરતા 54 પોઝિટિવ: આજે બપોર સુધીમાં 18 કેસ: કુલ કેસ 16053


રાજકોટમાં મહાપાલિકાની ચૂંટણી બાદ કોરોનાના કેસ ફરી ઝડપભેર વધવા લાગ્યા છે ત્યારે કોઈપણ નાગરિકને લક્ષણો જણાતા હોય તો તુરંત ટેસ્ટ કરાવી લેવા આરોગ્ય શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે. લગભગ એકાદ મહિનાના લાંબા સમયગાળા બાદ ગઈકાલે શહેરમાં કોરોનાના 54 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે બપોર સુધીમાં વધુ 18 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં હાલ સુધીમાં કુલ 16053 કેસ નોંધાયા છે. ચૂંટણી બાદ કોરોનાના કેસ વધવા લાગતા ફરી ટેસ્ટની સંખ્યા પણ વધારી દેવાઈ છે. ગઈકાલે 1279 ટેસ્ટ કરવામાં આવતાં 54 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

 


વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાએ આજે બપોરે જાહેર કરેલા સત્તાવાર કોવિડ બૂલેટિન અનુસાર આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 18 પોઝિટિવ કેસ મળ્યા છે. જ્યારે કુલ કેસ 16053 થયા છે તે પૈકી 15721 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઈ છે. હાલ સુધીમાં કુલ 592826 નાગરિકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે જેમાં પોઝિટિવિટી રેઈટ 2.70 ટકા રહ્યો છે જેની સામે રિકવરી રેઈટ 98.04 ટકા રહ્યો છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલમાં કોરોના સામેની રસીનો બીજો તબકકો ચાલી રહ્યો છે જેમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 532 કોરોના વોરિયર્સને રસીકરણ કરવામાં આવ્યું હતું.

 


આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં કોઈપણ નાગરિકને તાવ, શરદી, ઉધરસ, ગળુ પકડાવું, શ્ર્વાસ રુંધાવો, થાક કે નબળાઈ લાગવી તેમજ સ્વાદ કે સુગંધનો અનુભવ ન થવો જેવા કોરોનાના લક્ષણો પૈકી એક પણ લક્ષણ જણાતું હોય તો તુરંત જ પોતાનો તેમજ પોતાના પરિવારજનોનો કોરોના ટેસ્ટ વહેલીતકે કરાવી લે તે હિતાવહ છે. મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામૂલ્યે કોરોના ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે.

 


નાગરિકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ સાબુ અને સેનેટાઈઝરથી હાથ ધોતા રહેવા તંત્રએ અનુરોધ કર્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS