ઉપલાકાંઠે કોરોનાનું આક્રમણ ભાજપના બે પૂર્વ ડે. મેયર ઝપટે

  • April 08, 2021 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દૂધાત્રાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં ખસેડાયા: પૂર્વ ડેપ્યુટી મેયર અશ્ર્વિન મોલિયાનો ટેસ્ટ પણ પોઝિટિવ આવતાં હોમ આઈસોલેશન હેઠળ સારવારમાં

 


રાજકોટ મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોન હેઠળના ઉપલાકાંઠા વિસ્તારમાં હવે કોરોનાએ સંક્રમણ નહીં પરંતુ આક્રમણ કર્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સૌપ્રથમ દક્ષિણ રાજકોટમાં સંક્રમણ પ્રસર્યુ હતું ત્યારબાદ પશ્ર્ચિમ રાજકોટમાં કોરોનાએ તરખાટ મચાવ્યો હતો અને છેલ્લે સેન્ટ્રલ રાજકોટમાં સંખ્યાબંધ કેસ આવ્યા બાદ હવે સૌથી છેલ્લે ઉપલોકાંઠો ઝપટે ચડયો છે. કોરોનાની પ્રથમ લહેરમાં પણ ઉપલાકાંઠેથી કેસ મળ્યા હતા પરંતુ હાલમાં જેટલી માત્રામાં કેસ મળી રહ્યા છે તેટલા ન હતા. કોરોનાની બીજી લહેરમાં ઉપલાકાંઠે રહેતા ભાજપ્ના પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દૂધાત્રા અને પૂર્વ ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલિયા પણ કોરોના સંક્રમિત થઈ ગયા હોવાનું જાણવા મળે છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભાજપ્ના સિનિયર નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દૂધાત્રાને કોરોનાના લક્ષણો જણાતા તેમણે તાત્કાલીક અસરથી ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતાં હાલમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ઉપલાકાંઠે રહેતા ભાજપ્ના પૂર્વ ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલિયાને પણ ગઈકાલે લક્ષણો જણાતા તેમણે તાત્કાલીક ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હાલ હોમ આઈસોલેશન હેઠળ સારવારમાં હોવાનું જાણવા મળે છે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભાજપ્ના ત્રણ નેતાઓના પરિવારજનો કોરોના સંક્રમિત બન્યા હતા જેમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના પત્ની, પુત્ર અને ભત્રીજી સંક્રમિત થયા હતા. આ ઉપરાંત મહાપાલિકાના શાસકપક્ષના પૂર્વ નેતા રાજુભાઈ બોરીચાના પત્ની, ભાભી અને પુત્ર સંક્રમિત થયા હતા. આ ઉપરાંત પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બિપીનભાઈ અઢિયાના વડિલબંધુ પણ કોરોના સંક્રમિત થયા હતા. રાજકોટ શહેરમાં ભયજનક હદે કોરોનાનું સંક્રમણ પ્રસરી ગયું હોય, હવે પૂર્વ-પશ્ર્ચિમ, ઉત્તર કે દક્ષિણ કોઈ દિશા કે કોઈ વિસ્તાર બાકી રહ્યો નથી કે જ્યાં કોરોનાનું સંક્રમણ પ્રસર્યું ન હોય, નાગરિકો જાગૃત બને અને તકેદારી રાખે તો જ કોરોનાથી બચી શકાય તેવી સ્થિતિ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS