સંસદ કર્મચારીઓના નવા ડ્રેસ પર ‘કમળ’ જોઈ ભડક્યા કોંગ્રેસીઓ

  • September 13, 2023 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

“કમળ જ કેમ ?, રાષ્ટ્રીય પ્રાણી વાઘ કે રાષ્ટ્રીય પક્ષી મોરનું ચિત્ર કેમ નહી ?”


સંસદના કર્મચારીઓ માટે નવા ફ્લોરલ-પેટર્નવાળા ડ્રેસ કોડને લઈને હવે રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે અને કોંગ્રેસે તેને શાસક પક્ષના પોતાના સીમ્બોલને ચૂંટણી માટે વાપરતા હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ભાજપ પર સંસદને એકતરફી પક્ષપાતી વસ્તુમાં ફેરવવાનો આરોપ મૂક્યો છે.


લોકસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ માર્શલ, સુરક્ષા કર્મચારીઓ અને અધિકારીઓ, ચેમ્બર એટેન્ડન્ટ્સ અને ડ્રાઈવરોને નવા યુનિફોર્મ જારી કરવામાં આવ્યા છે, જે તેમણે નવા સંસદ ભવનનું કામકાજ શરૂ થયા બાદ પહેરવાના રહેશે. બંધગાળાવાળા સૂટને કિરમજી અને ઘેરા ગુલાબી નેહરુ જેકેટ્સથી બદલવામાં આવશે. તેમના માટેના શર્ટમાં પણ ફ્લોરલ ડિઝાઇન હશે અને હવે કર્મચારીઓ ખાખી રંગનું પેન્ટ પહેરશે. ફ્લોરલ ડિઝાઇનમાં કમળનો ઉપયોગ થતા વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે.


સંસદના બંને ગૃહોમાં માર્શલના નવા યુનિફોર્મમાં મણિપુરી પાઘડીનો પણ સમાવેશ કરાયો છે. સંસદના સુરક્ષા કર્મચારીઓ વાદળી સફારી સૂટને બદલે આર્મી પેટર્નનો યુનિફોર્મ પહેરેલા જોવા મળશે. મહિલા અધિકારીઓને શિયાળા દરમિયાન પહેરવા માટે જેકેટ સાથે બ્રાઈટ સાડી આપવામાં આવી છે.


પરંતુ આ બદલાવને લઈને રાજકીય હોબાળો પણ શરૂ થઈ ગયો છે. સ્ટાફના શર્ટ પર કમળની પ્રિન્ટને લઈને રાજકીય ગરમાવો ફાટી નીકળ્યો છે. કારણ કે કમળ ભાજપનું ચૂંટણી ચિન્હ પણ છે. આથી કોંગ્રેસે આના પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસનો સવાલ છે કે સંસદના કર્મચારીઓના શર્ટ પર કમળનું ફૂલ કેમ છે. રાષ્ટ્રીય પ્રાણી વાઘ કે રાષ્ટ્રીય પક્ષી મોરનું ચિત્ર કેમ નથી? તેના જવાબમાં ભાજપનું કહેવું છે કે સંસદ ભવન સ્ટાફનો ડ્રેસ કોડ ગૃહના અધ્યક્ષનો વિશેષાધિકાર છે.


આ પહેલા પણ રાજ્યસભામાં માર્શલના ડ્રેસમાં ફેરફાર થયો હતો, જેના પર વિવાદ થયો હતો. વર્ષ 2019માં ઘણા સૈન્ય અધિકારીઓ અને નેતાઓએ રાજ્યસભાના માર્શલોને આપવામાં આવેલા ડ્રેસ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ ડ્રેસ સેનાના બ્રિગેડિયર રેન્ક અને તેનાથી ઉપરના યુનિફોર્મ જેવો છે. ઘેરા વાદળી ડ્રેસમાં સજ્જ, રાજ્યસભા માર્શલને પણ વાદળી રંગની કેપ આપવામાં આવી હતી. જ્યારે જૂના ડ્રેસનો રંગ ક્રીમ હતો અને માર્શલ પરંપરાગત પાઘડી પહેરતા હતા, પરંતુ જ્યારે માર્શલના આ ડ્રેસને લઈને વિવાદ શરૂ થયો હતો. જ્યારે લોકોએ વિરોધ કર્યો ત્યારે તેના પર પુનર્વિચાર કરવાનું કહેવામાં આવ્યું અને બાદમાં તેને બદલવામાં આવ્યો હતો. સંસદનું સત્ર ૧૮ સપ્ટેમ્બરથી જૂની બિલ્ડિંગમાં શરૂ થવા જઈ રહ્યું છે. ગણેશ ચતુર્થીના દિવસે ૧૯ સપ્ટેમ્બરે સંસદની કાર્યવાહીને નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવે તેવી અપેક્ષા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application