ધમણ-૧ના નામે કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે: કોઈ કૌભાંડ થયું નથી

  • May 21, 2020 04:40 PM 274 views

કોંગ્રેસના વિપક્ષના નેતા દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસથી ધમણ-૧ વેન્ટિલેટર્સ અંગે આક્ષેપો કરીને સરકારને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે નિંદનીય છે. કોરોનાની મહામારી સામે સમગ્ર ગુજરાત આજે એક થઈને લડી રહ્યું છે ત્યારે, કોંગ્રેસ મદદ કરવાને બદલે રાજનીતિ કરી રહી છે એને ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે જાણે છે તેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલે જણાવ્યું છે.


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટની કંપની પાસેથી મિત્રતા નિભાવવા માટે ધમણ-૧ વેન્ટિલેટર્સ ખરીદ્યા છે એ વાત તદ્દન પાયાવિહોણી છે. આ કંપનીએ પ્રથમ દિવસે જ કહ્યું છે કે અમે ૧૦૦૦ વેન્ટિલેટર્સ ગુજરાત સરકારને વિનામૂલ્યે ભેટ આપવાના છીએ. કોઈપણ વ્યક્તિ ભેટ આપે એમાં કૌભાંડ ક્યાંથી થાય એ કોંગ્રેસ મને સમજાવે.કોંગ્રેસની પોન્ડેચેરી સરકારે પણ ધમણ-૧ ખરીદવા ઓર્ડર આપ્યા : મહારાષ્ટ્ર સરકારે પણ દાતા દ્વારા ૩૦૦ વેંન્ટિલેટર ખરીદવાનો ઓર્ડર કર્યો છે નીતિનભાઇ પટેલે ઉમેર્યું હતું કે રાજ્યમાં હજારો કંપનીઓ વસ્તુ ઉત્પાદિત કરે છે અને સમાજસેવા માટે કોઈ ભેટ આપે તો તેને કોઈ નેતા સાથે ગોઠવીને તેને બદનામ કરવાનો પ્રયાસ કોંગ્રેસે કર્યો છે તે દુ:ખદ છે. રાજકોટની આ કંપનીએ માનવ સેવાનું આ ઉમદા કામ કરીને વિનામૂલ્યે ભેટ આપી છે. રાજ્ય સરકારે એક પણ વેન્ટિલેટર ખરીદ્યું નથી એટલે આવા બેબૂનિયાદ આક્ષેપોને રાજ્ય સરકાર ચલાવી લેશે નહીં. કોંગ્રેસના નેતા દ્વારા પણ ધમણ-૧ અંગેના ટેકનિકલ આક્ષેપોને ફગાવતા કહ્યું કે સમગ્ર દેશ અને દુનિયામાં વેન્ટિલેટર્સની મોટાપાયે જરૂર હતી ત્યારે, ગુજરાતના નાગરિક તરીકે કંપનીએ સેવા કરી છે અને તમામ ટેકનિકલ બાબતો તથા ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કર્યા બાદ જ ઉપયોગમાં લેવાયા છે.  રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર્સ ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલો પાસે પણ સરકારે રિઝર્વ રખાવ્યા છે. વેન્ટિલેટર્સના લીધે મૃત્યુ થયા છે એવા આક્ષેપનું ખંડન કર્યું હતું.


અમદાવાદની ૧૨૦૦ બે ની કોવિડ હોસ્પિટલમાં ૪૯ દર્દીઓ જ વેન્ટીલેટર પર છે. ૫૩૩૦ દર્દીઓ સ્ટેબલ છે. ૫૦૪૩ દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ કરી દેવાયા છે અને ડિસ્ચાર્જ થતા દર્દીઓને આરોગ્ય કર્મીઓ દ્વારા ઉત્સાહભેર ઘરે મોકલવામાં આવે છે એ વાત કોંગ્રેસને આંખમાં ખૂંચે છે એટલે હવે રાજનીતિ કરી રહ્યા છે.  સમગ્ર દેશમાં ગુજરાત માત્ર એક રાજ્ય છે જેણે સંપૂર્ણ પારદર્શિતાથી તમામ માહિતી મીડિયાના માધ્યમ દ્વારા રાજ્યની સાડા છ કરોડ જનતાને રોજ-બરોજ પૂરી પાડી છે. દિવસમાં ત્રણ વાર મીડિયા બ્રિફિંગ કરવામાં આવે છે જેમાં  રાજ્ય સરકારે લીધેલા મહત્વના નિર્ણયો લોકડાઉન અંતર્ગત કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તથા કોરોનાના દર્દીઓની વિગતો દરરોજ મીડિયાને પૂરી પાડવામાં આવી રહી છે. એટલે માહિતી છૂપાવવાનો કે, બેદરકારી દાખવવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી.


અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સ્થિતિ ગંભીર છે એવા આક્ષેપને વખોડતાં નાયબ મુખ્ય મંત્રીીએ ઉમેર્યું કે દેશ-દુનિયામાં કોરોનાની પરિસ્થિતિ આપણી સામે છે ત્યારે કોંગ્રેસ  સલાહ આપવાનું કે વાંધા-વચકા કાઢવાનું બંધ કરે. પરિસ્થિતિના મૂળમાં કારણો જોઈએ તો તબલીઘી જમાતના લોકો જ્યારે અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં આવ્યા ત્યારે તેઓએ અહીં આવીને આરોગ્યની ચકાસણી કરાવી હોત તો સંક્રમણ આટલું બધું ફેલાયું ના હોત. તે વેળાએ કોંગ્રેસના આગેવાનો દ્વારા તેમને સમજાવીને સહયોગ આપવાનો પ્રયાસ સુધ્ધા ન કરાયો અને સંક્રમણ વધ્યુ.અન્ય રાજ્યોની સરખામણીએ જોઈએ તો મુંબઇ અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની ભાગીદારી વાળી સરકાર છે. જ્યાં અનેક ઘણી ખરાબ પરિસ્થિતિ છે. રાજ્ય સરકારે તો ૫.૫૦ લાખથી વધુ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલ્યા છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારની પારદર્શિતા અને હકારાત્મક અભિગમના લીધે ગુજરાતમાં અમદાવાદ શહેર સિવાયના વિસ્તારોમાં પરિસ્થિતિ નિયંત્રણમાં લાવી શક્યા છીએ. લોકડાઉન -૪ નો પણ સરળતાથી અમલ કરીને પ્રજા પર વિશ્વાસ મૂકીને વેપાર, ઊદ્યોગ શરૂ થાય અને જનજીવન પૂર્વવત બને એ માટે છૂટછાટો આપી છે. પ્રજા શિસ્ત પૂર્વક સામાજિક અંતર, માસ્ક, સેનિટાઇઝર નો ઉપયોગ અને નિયમોનું પાલન કરશે તો ચોક્કસ કોરોનાની મહામારી સામે આપણે જીતી શકીશું એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. કોરોનાની મહામારી સામે જનતાની સેવામાં કોંગ્રેસ જોડાવાના બદલે જુઠાણાં ફેલાવવાનો પ્રયાસ કરે છે. ગુજરાતની પ્રજાએ કોંગ્રેસના  અત્યાર સુધીના તમામ જુઠ્ઠાણાઓને નકારી કાઢ્યા છે. એમ ધમણ - ૧  અંગેના જુઠ્ઠાણાને પણ પ્રજા ફગાવી દેશે એવો અમને  વિશ્વાસ છે તેમ તેમણે ઉમેર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application