જામ્યુકોની ચૂંટણી : શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા જાહેર કરાયેલા ચૂંટણી ઢંઢેરામાં દરેક વોર્ડમાં કરવામાં આવેલી ઝુંબેશના અંતે લોકો અને શહેરની સમસ્યાનો ઉકેલનો સમાવેશ
શહેરીજનોને ચોખ્ખું પાણી, ક્રિકેટનું મેદાન, દરેક વોર્ડમાં ગાર્ડનનો કોંગ્રેસનો સંકલ્પ
આવતીકાલે કોંગ્રેસ શહેરના વધુ ૩૦ ઉમેદવારોના નામની વિધિવત યાદી જાહેર કરશે: મહાનગરપાલીકામાં સતામાં આવતા જ તમામ વાયદા પૂર્ણ કરવા કટીબઘ્ધતા દર્શાવી
પૂર્વ વિપક્ષી નેતાને ટીકીટ અંગે પક્ષ નિર્ણય કરશે, મારો પુત્ર એક પણ વોર્ડમાંથી ચૂંટણી લડશે નહીં: વિક્રમ માડમ
જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા મનપાની ચૂંટણીને અનુલક્ષીને સોમવારે સંકલ્પ પત્ર જાહેર કરાયું છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં મનપાના પૂર્વ વિપક્ષી નેતા અને કોંગી આગેવાન અલ્તાફ ખફી પર ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે તેને પુન: મનપાની ટીકીટ મળશે કે કેમ તે સવાલનો જવાબ આપતા કોંગીના પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમે જણાવ્યું હતું કે આ નિર્ણય કોંગેસ પાર્ટી અને સમિતિ કરશે. તદઉપરાંત તેના પુત્ર મનપાની ચૂંટણી લડશે તેના જવાબમાં વિક્રમભાઇએ કહ્યું હતું કે તેનો પુત્ર કરણ મનપાના કોઇ પણ વોર્ડમાંથી ચૂંટણી લડશે નહીં. આથી કોંગીના પૂર્વ સાંસદનો પુત્ર મનપાની ચૂંટણી લડશે તે વાત અફવા સાબીત થઇ હતી.
જામગનર મહાનગરપાલીકાની ચૂંટણીને અનુલક્ષીને શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા સોમવારે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનોને ચોખ્ખું પાણી, ક્રીકેટનું મેદાન, દરેક વોર્ડમાં ગાર્ડન સહીતના વાયદા કરવામાં આવ્યા છે. ચૂંટણી ઢંઢેરામાં દરેક વોર્ડમાં ચલાવામાં આવેલી ઝુંબેશના અંતે બહાર આવેલી લોકો અને શહેરની સમસ્યાનો ઉકેલ આપવામાં આવ્યો હોવાનું કોંગી આગેવાનોએ જણાવ્યું હતું. આટલું જ નહીં મહાનગરપાલીકામાં સતામાં આવતા જ તમામ વાયદા પૂર્ણ કરવા કટીબઘ્ધતા દર્શાવી છે. આવતીકાલે કોંગ્રેસ શહેરના વધુ ૩૦ ઉમેદવારોના નામની વિધિવત જાહેર કરવામાં આવશે તેમ પણ આગેવાનોએ જણાવ્યું હતું.
જામનગર મહાનગરપાલીકાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો દ્રારા ઉમેદવારોના નામની જાહેરાતો શ થઇ છે. ત્યારે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા સોમવારે મનપાની ચૂંટણીને અનુલક્ષીને સંકલ્પ પત્ર(ચૂંટણી ઢંઢેરો) જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગીના પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમે જણાવ્યું હતું કે, સંકલ્પ પત્રએ ફકત કોઇ વચનપત્ર નથી. પરંતુ શહેરીજનો સાથેનું કમીટમેન્ટ છે. કોંગ્રેસ મનપામાં સતામાં આવશે તો આ સંકલ્પ ચોકકસ પૂર્ણ કરવામાં આવશે. શહેરીજનોને કોંગ્રેસ દ્રારા જે કમીટમેન્ટ આપવામાં આવ્યું છે તેમાં શહેરીજનોને દરરોજ દીવસમાં બે વખત ચોખ્ખા પાણીનું વિતરણ, પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળતું હોય તે ભળે નહીં તે માટે પીવાના અને ગટરની પાઇપલાઇન અલગ કરશું, દીવસમાં બે વખત ડોર ટુ ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા, શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રીકેટ સ્ટેડીયમનું નિર્માણ, પહેલાં વૈકલ્પીક રહેવાની વ્યવસ્થા બાદ જ ડીમોલીશનનો વાયદો કરવામાં આવ્યો છે.
તદઉપરાંત શહેરમાં વોર્ડદીઠ કસરતના સાધનો અને જોગીંગ ટ્રેક સાથે ગાર્ડન, નાના બાળકો માટે ટોડલર ઝોન, પાર્કીંગની સમસ્યા નિવારવા ખાસ એકશન પ્લાન, વાહન ટો કરવાની પ્રથા પર પ્રતિબંધ, નાના ધંધાર્થીઓ, લારી-ગલ્લા અને પાથરણાવાળાઓને કાયદેસરનું લાયસન્સ, જેએમસી ઓનલાઇન હેઠળ જન્મ-મરણના દાખલા, તમામ વેરા, મનપાને સંબધિત ફરિયાદો અને તેનું નિરાકરણ બધું ઓનલાઇન કરી ઝડપી અને પારદર્શિતાથી કામ, મનપાની તમામ શાળાઓનું તાત્કાલીક ધોરણે આધુનિકીકરણ, શહેરમાં વરસાદી પાણી ભરવાની સમસ્યાનો કાયમી ઉકેલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સીસ્ટમ બનાવશું, મનપામાં ખાલી પડેલી જગ્યા પર તાકીદે કાયમી ભરતી કરી કોન્ટ્રકટ પ્રથા સંપૂર્ણપણે નાબૂદ કરીશું, ૪૦ મીટર સુધીના બાંધકામવાળા મકાનો માટે પ્રોપર્ટી ટેકસમાં ૪૦ ટકાની રાહત, વોર્ડ દીઠ નવા હેલ્થ સેન્ટરનું નિર્માણ અને ૨૪ કલાક કાર્યરત, સીટી બસમાં મહીલા, સીનીયર સીટીઝન અને વિધાર્થીઓને મુસાફરી સંપૂર્ણ ફ્રી રાખવાના વાયદાનો સમાવેશ થાય છે. પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજાએ કોંગ્રેસ દ્રાર દરેક વોર્ડમાં ચલાવામાં આવેલી હર ઘર કોંગ્રેસ ઝુંબેશ અંતર્ગત શહેર અને લોકોની બહાર આવેલી સમસ્યા અને પ્રશ્ર્નોનો ઉકેલ આ સંકલ્પ પત્રમાં હોવાનું જણાવ્યું હતું. આ તકે મનપાના વિરોધપક્ષના પૂર્વ નેતા ધવલ નંદા અને કોંગેસના આગેવાનો, જાહેર કરાયેલા ઉમેદવારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.