વડોદરામાં સભા દરમિયાન બીપી લો થતા ઢળી પડ્યા મુખ્યમંત્રી, વડાપ્રધાન મોદીએ ફોન કરી પુછ્યા ખબરઅંતર
વડોદરામાં સભા દરમિયાન બીપી લો થતા ઢળી પડ્યા મુખ્યમંત્રી, વડાપ્રધાન મોદીએ ફોન કરી પુછ્યા ખબરઅંતર
February 15, 2021 08:56 AM 2738 views
આજે વડોદરા ખાતે સભા સંબોધતી વખતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અચાનક બેભાન થઈ ગયા હતા. આ ઘટનાથી રાજ્યભરમાં ચકચાર મચી ગઈ હતી. સભાને સંબોધન કરતી વખતે મુખ્યમંત્રી વિજયભાઈનું બીપી લો થઈ જતાં તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જો કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓ સ્વસ્થ થઈ ગયા હતા. ચુંટણી પ્રચારના વ્યસ્ત કાર્યક્રમના કારણે તેમનું બીપી લો થઈ ગયું હતું.
મુખ્યમંત્રી ચાલુ સભામાં બેભાન થઈ જતા કાર્યકરો પણ ચિંતામાં મુકાયા હતા. આજે મુખ્યમંત્રીના ખબરઅંતર વડાપ્રધાન મોદીએ પણ પુછ્યા હતા. તેમની તબિયતના સમાચાર પુછી તેમને આરામ કરવા અને સંપૂર્ણ સ્વાસ્થ્ય ચકાસણી કરવાની સલાહ પણ વડાપ્રધાને આપી હતી.
આજે વડોદરા ખાતેની સભાથી તેમણે એક મહત્વપૂર્ણ ઘોષણા પણ કરી હતી કે આગામી વિધાનસભામાં સરકાર લવ જેહાદનો કાયદો પણ રજૂ કરશે. આ ઘોષણા બાદ તેઓ પોતાનું સંબોધન આગળ વધારી રહ્યા હતા ત્યારે જ તેમનું બીપી લો થઈ ગયું હતું. જો કે સ્ટેજ પર ઉપસ્થિતોએ તેમને સંભાળી લીધા અને તેમને તુરંત સારવાર આપવામાં આવી હતી.