ધોરાજી, જસદણ, ગોંડલમાં બંધ પડેલી સરકારી હોસ્પિટલ શરૂ કરાશે

  • March 23, 2021 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગ લાગતાની સાથે જ કૂવા ખોદવા નીકળેલું સરકારી તંત્ર

 


ધોરાજીમાં કાલથી કોરોના દર્દીઓ માટેની સરકારી વ્યવસ્થા નવેસરથી ચાલુ કરાશે: ગોંડલમાં પણ એકાદ-બે દિવસમાં બંધ પડેલી હોસ્પિટલ શરૂ કરવા નિર્ણય: જસદણનો છેલ્લે વારો

 


કોરોના કેસની સંખ્યામાં દિનપ્રતિદિન ચિંતાજનક હદે થઇ રહેલા વધારા બાદ રાજકોટ શહેરમાં અને જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં અગાઉ જે વ્યવસ્થા હતી તે ફરી શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે અને તેના અનુસંધાને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓએ ધોરાજીના સરકારી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી અને બંધ પડેલા સેન્ટરમાં સાફ સફાઇ સહિતની કામગીરી શરૂ કરાવી છે.

 


સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ધોરાજીની હોસ્પિટલમાં 35 બેડની વ્યવસ્થા છે વેન્ટિલેટર ની કોઈ વ્યવસ્થા નથી પરંતુ ઓક્સિજન ની પાઈપ લાઈન યથાવત રાખવામાં આવી છે અને તેના કારણે ગંભીર સિવાયના કિસ્સામાં દર્દીઓને ધોરાજીમાં સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

 


ધોરાજીની સાથોસાથ ગોંડલની સરકારી હોસ્પિટલમાં પણ અગાઉ કોરોના દર્દીઓ માટે વ્યવસ્થા હતી તે એકાદ-બે દિવસમાં શરૂ કરવામાં આવશે ગોંડલની સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 54 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે ધોરાજી ની માફક અહીં પણ વેન્ટિલેટરની વ્યવસ્થા નથી પરંતુ ઓક્સિજનની પાઇપલાઇન છે.
ારોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જસદણ વિસ્તારમાં કોરોનાના કેસ ઓછા પ્રમાણમાં મળી રહ્યા છે તેથી જૂની વ્યવસ્થા શરૂ કરવાની પ્રાયોરિટીમાં ધોરાજી અને ગોંડલને આગળ રાખવામાં આવ્યા છે આ બંને હોસ્પિટલો શરૂ થયા બાદ જસદણમાં પણ 24 બેડ સાથેની બંધ પડેલી હોસ્પિટલ નવેસરથી શરૂ કરવામાં આવશે.

 


રાજકોટ શહેરમાં યુનિવર્સિટી કેમ્પસ પર આવેલ સમરસ હોસ્ટેલ માં એક વીગ આવતીકાલથી શરૂ કરવામાં આવશે આ ઉપરાંત કેન્સર હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓ ને દાખલ કરવામાં આવશે આ બંને વ્યવસ્થા શરૂ થવાના કારણે રાજકોટમાં બેડની સંખ્યામાં 200નો વધારો થઈ જશે.

 


રાજકોટમાં કોરોના દર્દીઓ માટે 29 ખાનગી હોસ્પિટલોની વ્યવસ્થા હતી તેમાંથી હાલ માત્ર 14 હોસ્પિટલમાં સારવાર મળી રહી છે આગામી દિવસોમાં કેસ વધે એવી ભીતિ હોવાના કારણે તમામ ખાનગી હોસ્પિટલો નવેસરથી શરૂ કરવા માટે ગઈ કાલે કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સુચના આપવામાં આવી હતી પરંતુ ભૂતકાળના બદનામીના અનુભવોને ધ્યાનમાં રાખી મોટા ભાગની ખાનગી હોસ્પિટલના સંચાલકોએ અમારી પાસે ફાયર એન.ઓ.સી નથી અને હોસ્પિટલમાં આવવા જવા માટેના અલગ પ્રવેશદ્વાર તથા સીડી જેવી વ્યવસ્થા નથી તેથી અમે હોસ્પિટલ શરૂ કરવા માંગતા નથી એવો જવાબ આપ્યો હતો પરંતુ હાલ સરકારી તંત્રને જરુર હોવાને કારણે નિયમનમાં બાંધછોડની સંભાવના નકારી શકાતી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS