જામનગર: મધુરમ રેસીડેન્સીમાં પાડોશીઓ વચ્ચે બબાલ : સામ સામી ફરીયાદ
શેરીમાં છોકરાઓને ક્રિકેટ રમવાની બાબતે કહેવા જતા મામલો બિચકયો
જામનગરના મધુરમ રેસીડેન્સી વિસ્તારમાં શેરીમાં છોકરાઓના ક્રિકેટ રમવા બાબતે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં લાકડી વડે માર માર્યાની સામ સામી ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તાર, મધુરમ રેસીડેન્સી ખાતે રહેતા અરૂણાબા પ્રદ્યુમનસિંહ જેઠવા (ઉ.વ.૪૨) નામની મહિલા તા. ૧૧ના સાંજના તેમના ઘરે હાજર હતા ત્યારે આરોપીઓનો દિકરો શેરીમાં ક્રિકેટ રમતા હોય જેથી ફરીયાદીએ હર્ષાબાને કહેલ કે તમારા છોકરાને સમજાવો અહીં ક્રિકેટ રમે નહીં દડો અમારા ઘરમાં આવે છે તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલવા લાગ્યા હતા.
દરમ્યાન લાકડી વડે ફરીયાદી પર હુમલો કરી અને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી આ અંગે અરૂણાબા દ્વારા સીટી-બી ડીવીઝનમાં મધુરમ રેસીડેન્સી ખાતે રહેતા હર્ષાબા નરેન્દ્રસિંહ ગોહિલ તથા નરેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
સામા પક્ષે મધુરમ રેસીડેન્સી ખાતે રહેતા નરેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ (ઉ.વ.૪૭)એ વળતી ફરીયાદ અહી રહેતા અરૂણાબા ઉર્ફે સંગીતાબા પ્રદ્યુમનસિંહ જેઠવા તથા પ્રદ્યુમનસિંહ જેઠવા આ બંનેની વિરુઘ્ધ નોંધાવી હતી.
જે વિગત મુજબ ફરીયાદી ઘરે હતા ત્યારે તેમનો પુત્ર શેરીમાં ક્રિકેટ રમતો હોય જેથી આરોપી મહિલાએ હર્ષાબાને કહેલ કે તમારા છોકરાને સમજાવો અહી ક્રિકેટ રમે નહી જે બાબતે આરોપીઓ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી લાકડી લઇ મારવા જતા ફરીયાદીને માથાના ભાગે મુંઢ ઇજા પહોચી હતી બંને પક્ષની ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.