જ્યાં ઈસુનો જન્મ થયો ત્યાં જ ન ઉજવાયો ક્રિસમસનો તહેવાર !

  • December 26, 2023 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ કાંઠાના શહેરની શેરીઓ જ્યાં ઈસુનો જન્મ થયો હતો તે હાલમાં નિર્જન છે. જીસસના શહેર બેથલહેમમાં આ વર્ષે નાતાલના અવસર પર કોઈ ઉજવણી કરવામાં આવી નથી. બેથલહેમ એ શહેર હતું જ્યાં દર વર્ષે ક્રિસમસ પર ઉત્સાહ જોવા મળતો હતો. નાતાલની સજાવટ અને ઉજવણીઓ જોવા માટે ઘણા દેશોના પ્રવાસીઓ આ રમણીય અને વ્યસ્ત શહેરમાં આવતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ જુદી છે.


ચર્ચ ઓફ ધ નેટિવિટી દાયકાઓથી બેથલહેમ શહેરમાં મુખ્ય આકર્ષણ રહ્યું છે. ખ્રિસ્તીઓ માને છે કે આ તે સ્થાન છે જ્યાં ભગવાન ઇસુનો જન્મ થયો હતો. આ વર્ષે અહીં પ્રવાસીઓના અભાવે દુકાનો અને રેસ્ટોરન્ટ ઉજ્જડ પડી છે. 



આ વર્ષે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે પરિસ્થિતિ બદલી નાખી છે. હમાસના હુમલાના જવાબમાં ઈઝરાયેલની સેના ગાઝા અને પેલેસ્ટાઈનના શહેરો પર હુમલો કરી રહી છે. ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. હજુ પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. હુમલાઓ સમયાંતરે થઈ રહ્યા છે.


ભગવાન ઇસુનું જન્મસ્થળ બેથલહેમ પણ આ હુમલાઓમાં બાકાત નથી રહ્યું. બેથલહેમમાં એલેક્ઝાન્ડર હોટલના માલિક જોય કહે છે કે આ શહેરની વસ્તી પ્રવાસીઓ પર નિર્ભર છે, પરંતુ આ વર્ષે કોઈ અહીં આવી રહ્યું નથી. શહેરમાં ક્યાંય ક્રિસમસ ટ્રી નથી. લોકોમાં તેની ઉજવણી કરવાનો ઉત્સાહ નથી.


દક્ષિણ જેરુસલેમના આ શહેરની સ્થિતિ થોડા દિવસોમાં બદલાઈ ગઈ. જોય કનાવટી કહે છે કે ૭ ઓક્ટોબર પહેલા તેની હોટેલ ક્રિસમસ માટે સંપૂર્ણ બુક થઈ ગઈ હતી. યુદ્ધ શરૂ થયું ત્યારથી બધાએ બુકિંગ કેન્સલ કરી દીધું. અમને ઈમેલ પર એક પછી એક બુકિંગ કેન્સલ થયું. દરરોજ રાત્રે ઓછામાં ઓછા ૧૨૦ લોકો અહીં જમતા હતા અને તે હંમેશા ભરેલું રહેતું હતું. સર્વત્ર ઘોંઘાટ અને ભીડ હતી. હવે બધું ખાલી છે. ક્રિસમસ ફૂડ નહીં, ક્રિસમસ ડિનર નહીં, ક્રિસમસ બફેટ નહીં.


જેરુસલેમના જુદા જુદા ભાગોમાં માર્ચ કાઢવામાં આવી રહી છે. આ માર્ચમાં, સ્થાનિક પેલેસ્ટિનિયન ખ્રિસ્તીઓ ગાઝાને સમર્થન આપતા અને યુદ્ધવિરામની હાકલ કરતા બેનરો લઈને જોવા મળે છે. તેઓ કહે છે કે યુદ્ધ બંધ કરો. આ માર્ચમાં સૌથી વધુ સંખ્યામાં બાળકો હતા, જેમના બેનર પર લખેલું હતું કે અમને મૃત્યુ નહીં, જીવન જોઈએ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application