ગુજરાતમાં ફૂટબોલ: બદલાતું પરિદ્રશ્ય-પરિમલ નથવાણી

  • January 02, 2025 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ફૂટબોલ: બદલાતું પરિદ્રશ્ય-પરિમલ નથવાણી
 
ફૂટબોલ, કે જેને ‘સુંદર રમત’ તરીકે ઓળખવામાં આવે છે તેણે ભારતમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, ગુજરાતમાં પણ ફૂટબોલ ક્ષેત્રે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહુ સારું કામ થઈ રહ્યું છે. ગુજરાતમાં ફૂટબોલના વિકાસમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA), સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG), ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF), ખાનગી ક્લબો, જિલ્લા ફૂટબોલ એસોસિએશનો અને કોર્પોરેટ કંપનીઓ તથા ખાનગી ઉદ્યમીઓનું બહુ મોટું પ્રદાન છે.

ગુજરાતમાં ફૂટબોલની વૃદ્ધિ માટે મુખ્ય કારણો પૈકી એક એ છે કે રાજ્યમાં ગ્રાસરૂટ પર ભાર મુકવામાં આવ્યો છે. GSFA એ યુવા સ્તરે ફૂટબોલ પ્રમોટ કરવાની મહત્વની ભૂમિકા અદા કરી છે, ખાસ કરીને બ્લૂ કબ્સ પ્રોગ્રામ મારફતે. હાલમાં પૂર્ણ થયેલી બ્લૂ કબ્સ ક્લબ ચેમ્પિયનશિપ અમદાવાદના સેન્ટ લોયાલા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ, જેમાં 23 ટીમોએ ભાગ લીધો, જેમાં રાજ્યના વિવિધ જિલ્લા ફૂટબોલ એસોસિએશનોમાંથી 7 ટીમો હતી. વર્ષ 2023-24માં GSFA દ્વારા યોજાયેલી રાજ્ય બ્લૂ કબ્સ લીગ માં 23 જિલ્લા એસોસિએશનોમાંથી 388 ટીમો પ્રતિસ્પર્ધી હતી, આ લીગ આઠ વર્ષ, દસ વર્ષ અને બાર વર્ષથી નીચેનાં વય જૂથો માટે હતી. 33 જુદાં જુદાં સ્થળોએ તેની મેચો રમાઈ અને 4,200 થી વધુ બાળ ખેલાડીઓએ તેમાં ભાગ લીધો. 313 કોચ અને 178 સંચાલક પ્રતિનિધિઓનું માર્ગદર્શનમાં આ લીગ રમાઈ. GSFA આ રીતે નવા ખેલાડીઓ ઊભા કરવા પણ મંચ પ્રદાન કરે છે.

ગુજરાતમાં ફૂટબોલના વ્યાવસાયિકરણ માટે GSFA એ ગુજરાત સુપર લીગ (GSL)નો પ્રારંભ કર્યો, જે 2024ના મેમાં શરૂ થઈ હતી. આ લીગમાં ગુજરાતના યુવા ઉદ્યોગપતિઓની માલિકીની છ ટીમો હતી, અને દરેક ટીમ પાંચ મેચો સિંગલ-લેગ ફોર્મેટમાં રમી. આ વ્યાવસાયિક ફૂટબોલ લીગની સ્થાપના ગુજરાતમાં વ્યાવસાયિક ફૂટબોલને વેગ આપવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. GSFA આ લીગને આગામી વર્ષોમાં વધુ વિસ્તૃત, વ્યાપક અને મજબૂત કરવાની યોજના ધરાવે છે. GSFA પુરુષો અને મહિલાઓ માટે વિવિધ ઉંમર શ્રેણીમાં ક્લબ ચેમ્પિયનશિપનું આયોજન કરે છે, આવા કાર્યક્રમો દ્વારા પણ ક્લબ ફૂટબોલ કલ્ચરના વિકાસનો ઉદ્દેશ્ય છે. રાજ્યની ફૂટબોલ ક્લબો અને અકાદમીઓ તરફથી બહુ સારો પ્રતિસાદ મળતો રહે છે.

ગુજરાતમાં ફૂટબોલની વૃદ્ધિ એ સૌની દરકારનો વિષય જરુર છે, પરંતુ તેણે હજી પણ ક્રિકેટના સામનો કરવાનો છે કે જે ભારતની મુખ્ય રમત તરીકે પ્રભુત્વ ધરાવે છે. સમયાંતરે, ગુજરાતમાં વધુ મજબૂત ફૂટબોલ ઇકોસિસ્ટમ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. આ માટે રાજ્યમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરની લીગોમાંનું આયોજન, કોચીંગની ગુણવત્તામાં સુધારો, બંધારણોનું અને ખેલાડીઓ, એસોસિએશનો, ક્લબો , વગેરેને આર્થિક પ્રોત્સાહન તથા અન્ય પ્રોત્સાહનોની જરૂર છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થાઓ સાથે ભાગીદારી મજબૂત કરીને વૈશ્વિક નિષ્ણાતોને ગુજરાતમાં બોલાવીને પણ રાજ્યના ફૂટબોલને નવી ઊંચાઇઓ પર લઈ જઈ શકાય છે.

અનેક પડકારો હોવા છતાં, ગુજરાતમાં ફૂટબોલનનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે. ગ્રાસરૂટ અંગેની પ્રાથમિકતાઓ અને પહેલો, વ્યાવસાયિક લીગો અને ખેલાડીઓના વિકાસ પ્રોગ્રામો થકી રાજ્યમાં ફૂટબોલના ભવિષ્ય માટે મજબૂત પાયો નંખાઈ ગયો છે. હાલમાં, AIFFની કેન્દ્રિય નોંધણી પ્રણાલી (CRS) હેઠળ GSFA 10,000 થી વધુ નોંધણી કરેલા ખેલાડીઓ ધરાવે છે, જેમાંથી 5,195 ખેલાડીઓ વધુ સક્રિય છે. 2023-24ની સીઝનમાં 4,290 થી વધુ ખેલાડીઓ 553 થી વધુ મેચો રમ્યા અને 3,255 થી વધુ ગોલ કર્યા. આ આંકડાઓ ગુજરાતમાં ફૂટબોલમાં વધતી રુચિ અને આકર્ષણ દર્શાવે છે.

અન્ય ક્ષેત્રોમાં જેમ ગુજરાત અગ્રેસર છે તેમ તેની પાસે ભારતમાં ફૂટબોલ હબ બનવાની સંભાવના પણ છે, રાજ્ય જેમ જેમ આ રમતનો વિકાસ થતો જશે તેમ તેમ તે નવી પેઢીના ખેલાડીઓ, ચાહકો અને સમર્થકો માટે એક તેજસ્વી ભવિષ્ય
નિર્માણ કરશે.

(રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણી, આરઆઇએલમાં કોર્પોરેટ મામલાતનાં નિર્દેશક ઉપરાંત, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ છે)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application