જામનગર શહેરમાં સરકારી શાળાના વિધાર્થીઓના શિષ્યવૃતિના પોર્ટલમાં ફેરફારથી શિક્ષકો ધંધે લાગ્યા !
બદલવામાં આવેલા નવા પોર્ટલની જાણ કરવાની પણ સંબધિત કચેરી દ્વારા તસ્દી લેવામાં ન આવ્યાની ફરિયાદો
જામનગરમાં સરકારી શાળાના વિધાર્થીઓની શિષ્યવૃતિના પોર્ટલમાં ફેરફારથી શિક્ષકો ધંધે લાગતા દેકારો બોલી ગયો છે. આટલું જ નહીં બદલવામાં આવેલા નવા પોર્ટલની જાણ કરવાની તસ્દી પણ સંબધિત કચેરી દ્રારા લેવામાં ન આવ્યાની ફરિયાદો શિક્ષકોમાં ઉઠી છે. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં કેટમાં ઉર્તીણ છાત્રોની વિગતો અપલોડ ન કરનાર આચાર્ય, સીઆરસી-બીઆરસી કો-ઓર્ડીનેટરોને નોટીસ ફટકારી ખુલાસો પૂછવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જોડીયા સિવાય અન્ય તાલુકાના સંબધિત સરકારી શાળાના આચાર્ય, સીઆરસી અને બીઆરસી કો-ઓર્ડીનેટરોને તા.૪ એપ્રિલના કારણદર્શક નોટીસ ફટકારી છે. જેમાં જણાવ્યાનુસાર કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(કેટ) અંતર્ગત ઉર્તીણ થયેલા અને મેરીટમાં આવેલા ધો.૭,૮ અને ૯ માં અભ્યાસ કરતા બાળકોની શાળા પ્રવેશ પત્ર, આધાર કાર્ડ અને બેંક પાસબુક અપલોડ કરવાની થાય છે. પરંતુ લગત પ્રાથમિક શાળાઓના બાળકોની વિગત હજુ પણ ઓનલાઇન ભરવાની બાકી હોય જે શાળાઓમાં કવેરી આવી હોય તે કવેરી પણ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવેલ ન હોય તથા રજીસ્ટ્રેશનની કામગીરી ખૂબજ નબળી રહી છે. આ બાબતે વારંવાર સૂચના આપવા છતાં આ કામગીરી પૂર્ણ થઇ નથી. આથી પાત્રતા ધરાવતા સરકારી શાળાના ૧૨૫ થી વધુ વિધાર્થીઓ શિષ્યવૃતિ યોજનાથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઇ છે.
પરંતુ બીજી બાજુ સરકારી શાળાના શિક્ષકોમાં શિષ્યવૃતિની કેટની પરીક્ષામાં ઉર્તીણ અને મેરીટમાં આવેલા પાત્રતા ધરાવતા છાત્રોની જે પોર્ટલમાં એન્ટ્રી કરવામાં આવે છે તે પોર્ટલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ કેટ પરીક્ષામાં ઉર્તીણ છાત્રોની cet.portel.gujaratvsk.org,gssyguj.in પોર્ટલ પર એન્ટ્રી થતી હતી. પરંતુ તેમાં ફેરફાર કરવામાં આવતા હવે gyansetu.namoyojana.org પર એન્ટ્રી કરવાની છે. પરંતુ પોર્ટલમાં વડી કચેરી દ્રારા કરવામાં આવેલા ફેરફારની જાણ સ્થાનિક કક્ષાએ સંબધિત કચેરી દ્રારા લગત શાળા અને શિક્ષકોને કરવામાં ન આવી હોવાની ફરિયાદો ઉઠી છે.જેના કારણે શિક્ષકો ધંધે લાગ્યા છે. આટલું જ નહીં પોર્ટલમાં ફેરફારની જાણ ન કરાતા સમયસર એન્ટ્રી ન થયાની ફરિયાદો પણ ઉઠી છે.