દેવભૂમિ દ્વારકા: પુરૂષોત્તમ માસમાં વધતા શ્રદ્ધાળુ પ્રવાહને પગલે દ્વારકાધીશ મંદિરના દર્શનક્રમમાં ફેરફાર
પવિત્ર પુરૂષોત્તમ માસના ઉત્તરાર્ધમાં શ્રદ્ધાળુઓની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગત મંદિર ખાતે દર્શન વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. ગોમતીઘાટ પર સ્નાન તેમજ દ્વારકાધીશના દર્શન માટે દરરોજ હજારો ભાવિકો વહેલી સવારથી જ ઉમટી પડતા હોવાથી મંદિર પ્રશાસન દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે.
મંદિર વ્યવસ્થાપન સમિતિની જાહેરાત અનુસાર આજથી પુરૂષોત્તમ માસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મંગળા આરતી સવારે ૫.૩૦ કલાકે યોજાશે. ભક્તોને વધુ સમય સુધી અને સરળતાથી દર્શનનો લાભ મળી રહે તે માટે મંગળા આરતી બાદ સવારે ૮.૦૦ કલાક સુધી મંગળા દર્શન ખુલ્લાં રાખવામાં આવશે.
તાજેતરના દિવસોમાં વહેલી સવારે દર્શનાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાતા દર્શન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંદિર તંત્રએ જણાવ્યું છે. મંગળા દર્શન પૂર્ણ થયા બાદ મંદિરનો નિયમિત દર્શનક્રમ અને દૈનિક ધાર્મિક કાર્યક્રમો પૂર્વવત્ ચાલુ રહેશે.
મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે પુરૂષોત્તમ માસ દરમિયાન ભક્તોની સુવિધા અને દર્શન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે આ ખાસ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. તેમણે ભાવિકોને સમયસર ઉપસ્થિત રહી મંદિર તંત્રને સહકાર આપવા પણ અનુરોધ કર્યો છે.
પુષોત્તમ માસના પાવન અવસરે દ્વારકામાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો છે અને આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આગમનની શક્યતા વચ્ચે મંદિર તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.