ચલાલા પાલિકાના સફાઇ કામદારોની હડતાલનો સુખદ અંત: કામે લાગ્યા

  • May 18, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચલાલામાં સફાઇ કામદારો નગરપાલિકા તંત્ર સામે પોતાના પ્રશ્ર્નને લઇને છેલ્લા ૨૪ દિવસથી હડતાલ પર ઉતરી ગયા હતાં. સફાઇ કામદારોની હડતાલથી શહેરમાં ચારેકોર ગંદકીના ગંજ લાગી ગયા હતાં. બીમારીના ખાટલા લાગી ગયા હતાં. અનેક રજૂઆતો જિલ્લા તંત્રથી લઇ રાજકીય આગેવાનો અને ગાંધીનગર સુધી કરવામાં આવી હતી. કોઇ પરિણામ આવ્યું નહીં. શહેરીજનો ત્રસ્ત હતાં ત્યારે સફાઇ કામદારના અશોકભાઇ વાઘેલાએ જણાવ્યા મુજબ ગઇકાલે રાત્રીના ધારાસભ્યના કાર્યાલયે અમોને બોલાવેલ હતાં ત્યાં ધારાસભ્ય જે.વી.કાકડિયાએ અમોને જણાવેલ કે પવિત્ર દાન મહારાજની ભૂમીમાં નિષ્ઠા અને ગરિમાપૂર્વક બધાએ કામ કરવું જોઇએ. આવી સુંદર વાત સમજાવીને ગામહિત સર્વોપરી સમજીને પોત પોતાના કામો નિષ્ઠાપૂર્વક કરવા જોઇએ. આ વાતમાં અમો બધાએ સહમતી દાખવી અમો બધા અમારી હડતાલને પૂર્ણ કરી બધા સવારથી સફાઇના કામે લાગી ગયા છીએ. વધુમાં તેઓએ જણાવેલ છે કે અમારી જે માગણી હતી તેમાં જુદા જુદા વિભાગના ૧૪ કર્મચારીઓને ચીફ ઓફિસરે કોઇ વાંક ગુના વગર ફરજ મુકત કરવામાં આવેલ છે. તેને પરત લેવાના પ્રશ્ર્નને બાદ કરી બાકીના બધા જ પ્રશ્ર્નોનું નિરાકરણ થઇ જશે તેવી ધારાસભ્યએ મૌખીક ખાતરી આપેલ છે.
​​​​​​​
ચલાલામાં હજુ ન.પા.ના જુદા જુદા વિભાગના ૧૪ રોજમદાર કર્મચારીને ફરજ મુકત કરાયા છે. તેના સમર્થનમાં પાણી પુરવઠા વિભાગના ૮ અને અન્ય ત્રણ કર્મચારી હડતાલ પર હોય જેથી હજુ ૨૫ રોજમદાર કર્મચારીઓનો પ્રશ્ર્ન અધ્ધરતાલ હોય ગ્રામજનોની માગણી છે વહેલી તકે તેઓના પ્રશ્ર્નનો નિવાડો આવે અને શહેરની તમામ પ્રાથમિક સુવિધા મળતી થઇ જાય. ધારાસભ્ય જે.વી.કાકડિયાએ શહેરીજનોએ ૨૪ દિવસની યાતના ભોગવ્યા બાદ આખરે મધ્યસ્થી બની હડતાલને પૂર્ણ બનાવી સફાઇ કામગીરી ચાલુ કરાવી તે બદલ શહેરીજનોએ ખુશીની લાગણી વ્યકત કરી છે. ધારાસભ્યનો આભાર વ્યકત કર્યો હતો. નગરપાલિકા તંત્ર દ્વારા નિવિદા આપી સફાઇના કોન્ટ્રાકટ આપી દેવાનો હતો તે વાતનું સુરસુરીયું થયેલ છે અને ફરી સફાઇ કામદારોને જ પરત કામે લગાવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application