બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકસાનીના અંદાજ માટે કેન્દ્ર સરકારની ટીમ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

  • August 03, 2023 06:23 PM 

બિપરજોયમાં થયેલ નુકસાનની વિગતો મેળવવા કેન્દ્રીય IMCT ટીમ અને જિલ્લા કલેક્ટર અશોક શર્માની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગો સાથે સમીક્ષા બેઠક યોજાઈ

કેન્દ્રીય ટીમે જિલ્લાના વાવાઝોડાથી પ્રભાવિત થયેલ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ થયેલ નુકસાનીનો અંદાજ મેળવ્યો


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાથી વિવિધ વિસ્તારોમાં થયેલ નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT) દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવી હતી. આ ચાર સભ્યોની ટીમે ‘બિપરજોય’ વાવાઝોડા દરમિયાન પ્રભાવિત થયેલ જિલ્લાના વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત કરી અને જિલ્લા કલેકટર કચેરી ખાતે ગઇકાલે બેઠક પણ કરી હતી.

 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજોય વાવાઝોડામાં થયેલ નુકસાન અંગે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી-NDMAના સંયુક્ત સચિવ અને IMCTના ટીમ લીડર હર્ષ ગુપ્તા તેમજ જિલ્લા કલેક્ટર અશોક શર્મા ની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગો સાથે કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક પણ યોજી હતી.જેમાં કેન્દ્રીય ટીમને આવકારતાં કલેક્ટરએ બિપરજોય વાવાઝોડાની માહિતી આપતાં કહ્યું હતું કે, અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન અને વહીવટીતંત્રની સજાગતાના પરિણામે વાવાઝોડા દરમિયાન ઝીરો કેજયુલિટીના લક્ષયને હાંસલ કરી શક્યા છીએ.આ તકે કલેક્ટરએ બિપરજોય વાવાઝોડાથી બચવા સ્થાનિક વહીવટી તંત્રએ રાજય સરકારના સંકલનમાં રહીને કરેલી કામગીરીની રૂપરેખા આપી હતી.તેમજ વિવિધ વિભાગો દ્વારા વાવાઝોડામાં નુકસાન અંગે રજૂ કરાયેલ પ્રેઝન્ટેશન પરથી કેન્દ્રીય ટીમેને માહિતગાર કરી જરૂરી વિગતો આપી હતી.

 IMCTના ટીમ લીડર હર્ષ ગુપ્તા સહિત ટીમના તમામ સભ્યોએ સમીક્ષા બેઠક બાદ આજે જિલ્લાના દ્વારકા શહેર, ભદ્રકેશ્વર મંદરી વરવાળા, ઓખા જેટી અને હર્ષદ વગેરે સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ નુકસાની અંગેની જરૂરી સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત થયેલા જિલ્લાના વિવિધ સ્થળોની આકારણી કરી નુકસાનનો અંદાજ મેળવી કરેલી કામગીરીની માહિતી મેળવવામાં આવી છે. વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે ગુજરાતને જરૂરી સહાય કરવા ભારત સરકાર હકારાત્મક અભિગમ ધરાવે છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, અધિક નિવાસી કલેક્ટર ભૂપેશ જોડાણીયા, નાયબ.પોલીસ અધિક્ષક પ્રજાપતિ, વન વિભાગ, પી.જી.વી.સી.એલ., માર્ગ અને મકાન વિભાગ, પશુપાલન, ખેતીવાડી, સિંચાઈ, આરોગ્ય સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application