ગુજરાતભરમાં વસ્તી ગણતરીનો પ્રારંભ
જનગણનાથી જન કલ્યાણના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે વસ્તી ગણતરી
ગુજરાતભરમાં વસ્તી ગણતરી જનગણના- ૨૦૨૭નો તા. ૦૧ જૂન ૨૦૨૬થી શુભારંભ થયો, આ શ્રેણીની ૧૬મી અને આઝાદી પછીની ૮મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ ૨૦૧૧માં જનગણના કરવામાં આવી હતી.આ વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રાએ અનુરોધ કર્યો છે.
વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આવતીકાલે તા.૧ જૂન, ૨૦૨૬ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ઘર-યાદી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે.
જ્યારે બીજા તબક્કામાં તા. ૯ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ દરમિયાન વસ્તીની ગણતરી અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન જ દેશભરમાં વસ્તી ગણતરીની સાથે-સાથે જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.
દેશભરમાં ચાલી રહેલી વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ગુજરાતમાં તા.૧૭ મે-૨૦૨૬થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી મંડળના સભ્યશ્રીઓ, મુખ્ય સચિવશ્રી સહિત વરિષ્ઠ સચિવશ્રીઓ, જિલ્લા કલેક્ટરઓ, મહાનગરપાલિકા કમિશનરશ્રીઓ, સહિત જાગૃત નાગરિકો સ્વ-ગણતરી અંતર્ગત ફોર્મ ભરીને વસ્તી ગણતરી અભિયાનમાં સહભાગી બન્યા છે. આમ, વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ગુજરાતમાં તા. ૩૦ મે ૨૦૨૬ની સ્થિતિએ કુલ ૩.૭૪ લાખથી વધુ નાગરિકોએ સ્વ-ગણતરી માટે ફોર્મ ભર્યું છે.જેમાંથી ૩.૩૦ લાખની કામગીરી પૂર્ણ થ્ઈ છે, જ્યારે બાકીના ૪૪ હજારના સ્વ-ગણતરી ફોર્મ પ્રક્રિયામાં છે.
રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં ૧,૧૦,૫૯૮ હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ (ઇંકઇત), ૧,૦૯,૦૩૮ ગણતરીદારો તેમજ ૧૮,૨૫૪ સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ પણ આપવામાં આવી છે.
નોંધનીય છે કે, આ વખતની જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એન્ડ્રોઇડ અને શઘજ એપ પર ગુજરાતી સહિત કુલ ૧૬ ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નાગરિકો પોતે જ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકે તે માટે ’સ્વ-ગણતરી’ નો વિશેષ વિકલ્પ આપવામાં આવ્યો હતો, જેમાં ઉત્તરદાતાઓએ તા. ૧૭ થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન અધિકૃત પોર્ટલ પર પોતાની વિગતો જાતે નોંધાવી છે.
વધુમાં, જનગણના અધિનિયમ, ૧૯૪૮ અને જનગણના નિયમો, ૧૯૯૦ની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ વિગતોનો ઉપયોગ કાનૂની કે કરવેરાના હેતુઓ માટે થઈ શકશે નહીં. કાયદા અનુસાર દેશના દરેક નાગરિકે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી અનિવાર્ય છે. માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ કાયદામાં દંડની જોગવાઈ પણ છે.
જનગણના અંગે કોઈ પણ પૂછપરછ કરવી હોય મૂંઝવણ હોય તો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૫૫નો સંપર્ક કરવા જનગણના કાર્ય નિર્દેશાલય, ગુજરાત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.