દ્વારકાધીશ જગતમંદિરે નૃસિંહ જયંતિની ભવ્ય ઉજવણી
ભગવાનને નૃસિંહ અવતારનો વિશેષ શૃંગાર ધરાવાયો: લોકો બન્યા ભાવવિભોર: જય દ્વારકાધીશનો નાદ ગૂંજી ઉઠ્યો
દેવભૂમિ દ્વારકાના વિશ્વપ્રસિદ્ધ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં નૃસિંહ જયંતિના પવિત્ર પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વૈશાખ સુદ ચતુર્દશીના પાવન અવસરે મંદિરમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને સમગ્ર પરિસર ’જય દ્વારકાધીશ’ ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.
ગુરુવારના રોજ નૃસિંહ જયંતિ નિમિત્તે ભગવાન દ્વારકાધીશને નૃસિંહ અવતારનો વિશેષ અને આકર્ષક શૃંગાર ધારણ કરાવવામાં આવ્યો હતો. આ દિવ્ય શૃંગારના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન નિયમિત દર્શનની વ્યવસ્થા બાદ, સાંજે ૫:૦૦ કલાકે ભગવાનના ઉત્થાપન દર્શન યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી શ્રીજીના દર્શનનો લાભ લીધો હતો.
ત્યારબાદ સાંજે ૬ થી ૭:૩૦ વાગ્યા સુધીના સમયગાળામાં મંદિરના દ્વાર બંધ રાખીને પરિસરમાં વિધિવત રીતે અભિષેક પૂજા સંપન્ન કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની વિશેષ આરાધના કરવામાં આવી હતી. આ ધાર્મિક વિધિ બાદ સાંજે ૭:૩૦ કલાકે નૃસિંહ જયંતિ ઉત્સવની મુખ્ય ઉજવણી સાથે સંધ્યા આરતી કરવામાં આવી હતી.
આ સમયે સ્થાનિક ભક્તો તેમજ બહારગામથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
સમગ્ર ઉત્સવ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને જયઘોષથી વાતાવરણ જીવંત બની ગયું હતું.