સીસીટીવીએ ખોલી પોલ : સ્વિગી ડિલિવરી બોયનો ફ્લેટ બહારથી શૂઝ ચોરીનો વિડીયો થયો વાઇરલ

  • April 12, 2024 07:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેકેજ આપી ઘર બહારથી કરી નાઇકીના શૂઝની ઉઠાંતરી : સ્વીગીએ જવાબ આપતા જ વ્યક્તિએ માંગ્યા શૂઝના પૈસા 


ફૂડ ડિલિવરી એપ સ્વિગીના ડિલિવરી બોયનો ગુરુગ્રામમાં જૂતાની ચોરી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 9 એપ્રિલનો છે. ડિલિવરી બોય ગુરુગ્રામમાં એક ફ્લેટની બહાર રાખેલા શૂઝની ચોરી કરતો જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો રોહિત અરોરા નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે. 11મીએ શેર કરાયેલા આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ડિલિવરી બોય દ્વારા ચોરી કરાયેલા શૂઝ તેના મિત્રના છે. ખાસ વાત એ છે કે સ્વિગી કસ્ટમર સર્વિસ સેન્ટરે પણ રોહિતની ફરિયાદનો જવાબ આપ્યો છે.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળે છે કે આ ડિલિવરી બોય સીડી ઉપર આવે છે અને ડોરબેલ વગાડે છે. કેટલાક ચપ્પલ અને શૂઝ દરવાજા પાસે રાખેલા જોવા મળે છે. આ ડિલિવરી બોય થોડીવાર એ શૂઝને જુએ છે. થોડીવાર પછી, એક મહિલા દરવાજો ખોલે છે અને પાર્સલ લે છે. ડિલિવરી બોય થોડી સીડીઓ ઉતરે છે અને થોડીવાર ત્યાં ઉભો રહે છે. તે તેના માથા પર મૂકેલો રૂમાલ કાઢે છે અને તેનાથી પોતાનો ચહેરો લૂછી લે છે. આજુબાજુ જોયા પછી, તે ફરીથી ચુપચાપ સીડીઓ ચઢે છે અને પછી ફ્લેટની બહાર રાખેલા બૂટને તે જ રૂમાલમાં લપેટીને ત્યાંથી ભાગી જાય છે.

ડિલિવરી બોયની આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. ટૂંક સમયમાં સ્વિગીએ પણ આ પોસ્ટની નોંધ લીધી અને એપએ કહ્યું, 'હાય રોહિત, અમે અમારા ડિલિવરી પર્સન પાસેથી વધુ સારી અપેક્ષા રાખીએ છીએ. અમે ડાયરેક્ટ મેસેજ પર વાત કરીએ છીએ જેથી અમે તમને વધુ સારી મદદ કરી શકીએ. સ્વિગીના આ જવાબ પર રોહિતે ફૂડ ડિલિવરી એપને કહ્યું, 'એટલીસ્ટ એ શૂઝના પૈસા તો પરત કરો. તે નાઇકી કંપનીના છે, સસ્તા નથી અને તેમને આ રીતે ગુમાવવા યોગ્ય નથી. યુઝરે તેના કોમેન્ટ સેક્શનમાં એ પણ જણાવ્યું કે તેણે સ્વિગી ડિરેક્ટરને મેસેજ કર્યો હતો પરંતુ તેને કોઈ જવાબ મળ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application