જામનગરમાં હોટલ સંચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયા

  • January 10, 2023 12:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં પણ વ્યાજખોરીનો મામલો સામે આવ્યો છે, અને એક હોટલના સંચાલક લોકડાઉન દરમિયાન ધંધો પડી ભાંગતાં વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયા છે. જેને નવલાખ રૂપિયાનું પાંચ ટકા રાક્ષસી વ્યાજ ભર્યું હોવા છતાં વ્યાજખોરે ત્રણ કોરા ચેક લખાવી લીધા હતા, જયારે તેના એક મિત્રનું મકાન પણ પોતાના નામે કરાવી લઈ વધુ ૧૮ લાખ રૂપિયા ની માંગણી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, અને પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે.





જામનગરમાં પંચવટી ગૌશાળા પાસે રહેતા અને પંચવટી વિસ્તારમાં  જલારામ રેસ્ટોરન્ટના નામથી ખાણી પીણીની લોજ ચલાવતા જતીનભાઈ મનસુખભાઈ વિઠલાણી કે જેઓએ પોતાની લોજમાં ૨૨ જેટલા કર્મચારીઓને કામે રાખ્યા હતા, અને લોજ ચલાવતા હતા.
પરંતુ લોકડાઉન દરમિયાન લોજને બંધ રાખવાનો વારો આવ્યો હોવાથી તેનું માસિક જગ્યા નું ભાડું ૪૦ હજાર રૂપિયા ઉપરાંત ૬૦,૦૦૦ જેટલું લાઈટ બિલ અને માણસોના પગાર સહિતનું દેણું વધી જતાં તેણે જામનગરના હરેન્દ્રસિંહ જાડેજા નામના વ્યાજખોર પાસેથી ૯ લાખ રૂપિયા માસિક પાંચ ટકા ના વ્યાજે લીધા હતા. જે રકમના બદલામાં હરેન્દ્રસિંહ જાડેજાએ રૂપિયા ત્રણ ત્રણ લાખના ત્રણ ચેક સહી કરાવીને મેળવી લીધા હતા.



ઉપરાંત અન્ય ગેરંટી આપવી પડશે તેમ કહી એક મકાનના દસ્તાવેજ પોતાના નામે કરાવી લેવાનું કહ્યું હતું જેથી હોટલ સંચાલક જતીનભાઇએ પોતાના જ મિત્ર  જેણે નવું મકાન ખરીદવું હોવાથી તેના સીધા દસ્તાવેજ વ્યાજખોર હરેન્દ્રસિંહ જાડેજાના નામે કરાવી આપ્યા હતા.



હોટલ સંચાલક દ્વારા કટકે કટકે માસિક ૪૫,૦૦૦ના હપ્તા પેટે ત્રણ લાખ ૬૦ હજારની રકમ વ્યાજના સ્વરૂપમાં ચૂકવી દીધી હતી, પરંતુ આર્થિક તંગી આવી જતાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજ દેવાનું બંધ કર્યું હતું. 


દરમિયાન હરેન્દ્ર સિંહ જાડેજાએ તેને કોરા ચેક પરત કર્યા ન હતા, જ્યારે મકાન પોતાના નામે કરાવી લીધા ઉપરાંત ૧૮ લાખ રૂપિયા ચૂકવવા પડશે તેવી માંગણી કરીને ધાક ધમકી અપાતાં આખરે જતીનભાઈ વિઠલાણીએ જામનગરના જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને સીટી બી. ડિવિઝન પોલીસની ટીમ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને જતીન વિઠલાણીની ફરિયાદના આધારે હરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા રહે. પંચવટી સોસાયટી, ઓસ્મો એપાર્ટમેન્ટ-૧ની સામે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬-૨, તથા ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ ૨૦૧૧ની કલમ ૫, ૩૯, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે. આ ફરિયાદના બનાવને લઈને શહેરમાં ભારે ચકચાર જાગી છે, અને અન્ય વ્યાજખોરોમાં પણ દોડધામ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application