BREAKING NEWS

જામનગરમાં ગુજસીટોકના આરોપી પૂર્વ વિપક્ષી નેતાના ફાર્મહાઉસ પર બુલડોઝર

  • April 23, 2026 12:10 PM 

જામનગરમાં ગુજસીટોકના આરોપી પૂર્વ વિપક્ષી નેતાના ફાર્મહાઉસ પર બુલડોઝર


ટીટોડી વાડી વિસ્તારમાં ૧૨ હજાર ચો.ફુટ ગેરકાયદે દબાણ દૂર કરાયું : ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કડક કાર્યવાહી : આશરે ૪ કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાવાઇ


જામનગર શહેરના ટીટોડી વાડી, બંગલાવાડી વિસ્તારમાં ગુજસીટોકના મુખ્ય આરોપી એન્ડ ટોળકી દ્વારા ૧૨ હજાર ફુટમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યુ હોવાની વિગતો પોલીસને જાણવા મળતા ગઇકાલે ચુસ્ત બંદોબસ્ત સાથે જેસીબીની મદદથી આ ગેરકાયદે દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ખુલ્લી કરાયેલી જમીનની અંદાજે કિમત ૪ કરોડ થાય છે.


જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત ગઇકાલ બપોર બાદ સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજસીટોકના આરોપીઓ દ્વારા કરવામાં આવેલા જમીન દબાણ સામે મહત્વપૂર્ણ એક્શન લેવામાં આવ્યું હતું.


માહિતી મુજબ, શહેરના ટિટોડીવાડી-બંગલાવાડી વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર અલતાફ ખફી અને તેમની ગેંગ દ્વારા આશરે ૧૨,૦૦૦ ચોરસ ફૂટ જેટલી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરી સંજરી ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું. આ બાબત પોલીસના ધ્યાનમાં આવતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


જામનગર શહેર વિભાગના ડિવાયએસપી જે.એન. ઝાલા અને સીટી-એ ડિવિઝનના પી.આઈ. વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં જેસીબી સહિતના મશીનોની મદદથી ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત બાદ એસપી ડો. રવિ મોહન સૈની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ગુનેગારો સામે કડક હાથે કામ લેવામાં આવ્યુ હતુ અને આરોપીઓ દ્વારા ગેરકાયદે દબાણોમાં ખડકાયેલા બાંધકામો દુર કરવાના નિર્દેશ આપ્યા હતા. દરમ્યાનમાં તાજેતરમાં બે જુદી જુદી ગુજસીટોક હેઠળ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં એક ગેંગને જેલ હવાલે કરાઇ છે અને બીજી ગેંગના આરોપીઓ રીમાન્ડ પર છે દરમ્યાનમાં ગુજસીટોકના આરોપીના સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામને ગઇકાલે ડીમોલીશન કાર્યવાહી કરીને કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી હતી આ ગેરકાયદે જમીન પર બે ખાનગી કંપનીના ટાવર પણ જોવા મળ્યા હતા જેનુ ભાડુ વસુલ કરવામાં આવતુ હતું આ ટાવર બાબતે પણ લગત વિભાગને જાણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે શહેરમાં ગુંડાગીરી, ગેરકાયદેસર દબાણ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવનારા સમયમાં પણ આ જ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application