આઠ માલધારી બહેનોનો બ્રિટિશ ભાઈ: એક અદ્ભૂત સંબંધ

  • February 14, 2020 02:13 PM 1324 views

રાજકોટની ભાગોળે રહેતા યાયાવર ચારણ પરિવારની ૮ બહેનોનો ભાઈ અંગ્રેજ છે ! એ ગુજરાતી બોલે છે પશુપાલક ચારણ જાતિ ની બોલી પણ બોલે છે પોતાની ૮ મહિનો ના મામેરા પણ કરે છે તેમની પાસે રાખડી પણ બંધાવે છે, તેને તહેવારોએ કપડાં આપે છે, વહેવાર કરે છે, લગ્ન વગેરે પ્રસંગે હાજરી આપે છે અને વર્ષે એકાદ વખત આવીને તેમની સાથે રહે પણ છે. રોઝન નામના બ્રિટિશ નાગરિક ને અહીંના ચારણ પરિવાર સાથે એવો નાતો જોડાઈ ગયો છે કે સગા ભાઈથી વિશેષ સંબંધ નિભાવે છે એટલું જ નહીં પોતાની પુત્રીનું નામ ચારણ બહેનો ના નામ પર રાજી પાડ્યું છે તો બીજી પુત્રી નું નામકરણ તેમની બહેન લક્ષ્મીબેન પાસે કરાવ્યું હતું. જેનું નામ આ બહેનોએ હેમી રાખ્યું છે.


બે દશકાથી આ અદભુત સંબંધ બંધાયો છે.રોઝન નામનો બ્રિટિશ યુવાન ભારત ને જાણવા માટે રાજકોટ આવ્યો. તેને દૂધ આપવા આવનાર ધનાભાઈ માલાણીના પરિવાર સાથે તેનો પરિચય થયો. ધનાભાઈ માલધારી હતા અને કાચા ઝૂંપડામાં, શહેરની ભાગોળે રહેતા, તેમનો પરિવાર ઘાસચારાની જરૂરિયાત મુજબ એક સ્થળેથી બીજા સ્થળે ફરતો રહે છે. રોઝનનો એક નાતો ધનાભાઈના પરિવાર સાથે જોડાઈ ગયો, ધનાભાઈની પુત્રીઓને તેણે પોતાની બહેનો માની, પશ્ચિમી સંસ્કૃતિમાં ભાઈ-બહેનનો સંબંધ એટલો ગાઢ હોતો નથી પણ રોઝન ભારતીય રંગમાં એટલો રંગાઈ ગયો કે ધનાભાઈની પુત્રીઓનો સવાયો ભાઈ બની ગયો. ધનાભાઈને પુત્ર નથી, તેની ખોટ રોઝને ક્યારેય સાલવા દીધી નથી. બે દાયકાથી તે ભાઈ તરીકેની તમામ જવાબદારી નિભાવે છે.


આ સંબંધોની લેણદેણ વિશે જાણવા માટે જ્યારે આજકાલ આ ચારણ પરિવારની મોટી પુત્રી અને રોઝને જેને બહેન બનાવી છે તેવી લક્ષ્મીબેન ના પરિવારને રૂબરૂ મળ્યુ હતું. જ્યારે તેમના લાડકા ભાઈ વિશે વાત કરવામાં આવી ત્યારે જ આ પરિવારના ચહેરા પર એક અલગ જ ખુશી અને લાગણી જોવા મળી હતી. લક્ષ્મીબેન અને તેમના પતિએ ભાવુક થઈને કહ્યુકે, મારો સગો ભાઈ પણ આટલું કર્તવ્ય ન નિભાવત. લોહીનો જણ્યો ભાઈ પણ અમારી આટલી ચિંતા ન કરત. આજે વિદેશમાં રહીને પણ અમારો ભાઇ રક્ષાબંધનનું પર્વ પર ક્યારે રાખડી બંધાવવાનું ચૂકતો નથી.


લક્ષ્મીબેન, નાથીબેન, ધાકીબેન, દેવીબેન, પાલિબેન, રાજીબેન, આલિબેન, બુધીબેન આ આઠ બહેનોના લગ્ન થયા ત્યારે તેમનો આ બ્રિટિશ ભાઈ અને ભાભી એ સાથે રહીને આના માટેના વસ્ત્રોથી લઈ વાસણો અને સોના-ચાંદીના દાગીના સહિતના તમામ વ્યવહારો નિભાવ્યા એટલું જ નહીં આ ચારણ પરિવારમાં લગ્ન પ્રસંગમાં દીકરીને પિત્તળની હેલી અને તેમના પરંપરાગત પહેરવેશ આપવાના હોય છે તે આ બંને ભાઈ ભાભી જ ખરીદી લાવ્યા એ પણ જામનગર અને ભાણવડ થી, ભાઈની સાથે ભાભી પણ એટલા હોશીલા તેવું જણાવતાં લક્ષ્મીબેનના ચહેરા પર એક અનોખી લાગણી જોવા મળે છે એક પ્રસંગને યાદ કરતાં કહે છે કે, મારે ૧૫ વર્ષ સુધી સંતાનસુખ ન હતું ૧૫ વર્ષ પછી જ્યારે મારે ત્યાં પુત્રનો જન્મ થયો પરંતુ અધૂરા મહિને ડીલેવરી થયું હોવાથી મારા બાળકને સાચવવું અને તેની કાળજી લેવાનું તબીબોએ જણાવ્યું હતું આવા સમયે આ બંને ભાઈ ભાભી ઇંગ્લેન્ડ થી રાજકોટ આવ્યા અને અમારા કુબામા રહેવાના બદલે રાજકોટમાં એક મોટો ફ્લેટ ભાડે રાખ્યો અને છ મહિના સુધી આ જ મારા ઇંગલિશ ભાભી એ મારી અને મારા દીકરાની ખૂબ જ સેવા-ચાકરી કરી જે સગી માતા કે સગી ભાભી પણ ના કરે. જ્યારે મારો પુત્ર બિલકુલ સારો સાજો થઈ ગયો ત્યાર બાદ જ ત્યાંથી મને નીકળવા દિધી, આવી જ રીતે મારી દેરાણીને પણ અધૂરા માસે બાળક આવ્યું ત્યારે પણ ભાભીએ જ કાળજી લીધી હતી. રોઝન ભાઈ મને કહે છે કે, તારા દીકરાને મારે અભ્યાસ માટે ઇંગ્લેન્ડ લઈ જવો છે.


માત્ર સંબંધો જ નહીં પણ આ ચારણ પરિવારની પરંપરા પણ આ બ્રિટિશ યુવક અને તેના પત્ની સુંદર રીતે નિભાવે છે, જ્યારે તેઓ આ ચારણ પરિવારમાં આવે ત્યારે આ યુગલ તેમના પરંપરાગત પહેરવેશ સાથે રહે છે અને તેમની ભાષા પણ બોલે છે અને તેમનો ખોરાક પણ હોંશે હોંશે ખાય છે. જ્યારે આ બ્રિટિશ પરિવાર અહીં હોય ત્યારે શનિ-રવિ અલગ અલગ ગામમાં રહેતી બહેનોને અચૂક મળવા જાય તેમની સાથે રહે એટલું જ નહીં રોજન ચૂલામાં રોટલા અને શાક બનાવતા પણ શીખ્યા છે.વેલેન્ટાઈન ડે એટલે લાગણી અભિવ્યક્ત કરવાનો અવસર. આ લાગણી ની વિશાલ વ્યાખ્યા છે. માત્ર પ્રેમી યુગલ પૂરતો જ આ દિવસ નથી .આ દિવસ માતા પિતા, ભાઈ, બહેન, મિત્ર કે આત્મીય સ્વજન સમક્ષ પણ લાગણી વહાવી શકો છો. ક્યારેક રોઝન અને આ ચારણ પરિવારના આ સંબંધો પણ સ્વાર્થની આ દુનિયામાં એની અનોખી મિશાલ પૂરી પાડે છે.

મામેરા ભરવાનું વિદેશી દંપતી ચૂકતું નથી
ચારણ પરિવાર સાથે આ વિદેશી પરિવાર જ્યારથી લાગણીના તાંતણે બંધાયો છે ત્યાંથી તેના તરફથી તમામ વ્યવહારો પણ આઠ બહેનોના સાસરિયામાં કરે છે. રોજન અને તેના પત્ની ખુદ દરેક પ્રસંગમાં હાજરી આપે છે લક્ષ્મીબેન ના લગ્ન થી લઈ તેની ૮ બહેનોના લગ્ન પ્રસંગમાં આ દંપતી હાજર રહ્યું હતું તેમજ કરિયાવર ની તમામ ખરીદી આ વિદેશી દંપતિ એ જ કરી હતી. જવતલ હોમવાથી થી માંડીને મામેરા ભરવા સુધી ના તમામ રિવાજો ખુશી ખુશી નિભાવ્યા છે.

બહેનના નામ પરથી પુત્રીનું નામ કરણ
આ બ્રિટિશ યુગલ ને બે પુત્રીઓ છે . જેમાં એક દીકરીનું નામ રાજી બેન ના નામ પર થી રાજી રાખ્યું છે. જ્યારે તેમની બીજી પુત્રી નું નામ કરણ ની વાત આવી ત્યારે આ યુગલે તેમની પસંદગી મુજબ નહીં પણ આ બહેનોની પસંદગી પરથી રાખ્યું, આ ફઈ ઓ દ્વારા બીજી દીકરી નું નામ હેમી રાખવામાં આવ્યું છે લક્ષ્મીબેન અને તેમની બહેનો ના પુત્ર આ બંને પુત્રીઓ ને રાખડી બાંધે છે. રોશનની બંને પુત્રીઓ એટલું ગુજરાતી સમજતી નથી તેમ છતાં ફુઈ કહી બોલાવે છે.

ગુજરાતી સાથે રોઝન ચારણ ભાષા પણ કડકડાટ બોલે છે
ચારણ પરિવાર સાથે સરળતાથી વાત કરી શકે તે માટે આ બ્રિટિશ નાગરિક ગુજરાતી તો બોલતા શીખ્યો તેની સાથે સાથે ચારણ ભાષા પણ શીખ્યો... આ વિશે આ પરિવારના સભ્યો જણાવે છે કે, શરૂઆતના સમયમાં જ્યારે રોઝન ભાઈ અમારા ઘરે આવતા ત્યારે અમને લોકોને વાત કરતા એકી ટશે સાંભળતા રહેતાં ત્યારે તેમને એવું અનુભવ્યું કે તેમને પોતાને પણ આ પરિવાર સાથે કંઈક વાતો કરવી છે શરૂઆતમાં તેઓ ગુજરાતી બોલતા શીખ્યા અને પછી અમે જે અમારી ભાતીગળ ચારણ ભાષામાં વાત કરીએ છીએ તે પણ બોલતાં શીખી ગયા.

સુવાવડ વખતે માવતર બની મહિનાઓ સુધી સારસંભાળ કરી
દૂધ જેવી શુદ્ધતા અને સાત્વિકતા ધરાવતા આ સંબંધ વિશે લક્ષ્મીબેન કહે છે કે, અમારે ભાઈ નથી તેની ખોટ ક્યારેય રોઝન ભાઈ એ સાલવા દીધી નથી, તો ભાભી પણ એટલાજ ડાયા અને સમજુ છે. વર્ષો પછી મારે જ્યારે સારા દિવસો રહ્યા હતા ક્યારે તેઓએ ખુશી મનાવી હતી અને મારી સુવાવડ અધૂરા મહિને થઇ હોવાથી મારા નવજાત શિશુ નું ખૂબ જ કાળજીપૂર્વક જતન કરવાનું હતું ત્યારે આ ભાભી ખાસ ઇંગ્લેન્ડથી અહીં આવ્યા અને છ મહિના સુધી માવતર બનીને મને સાચવી અને મારા બાળકને પણ નવજીવન આપ્યું જેના માટે હું તેમની આજીવન ઋણી રહીશ.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application