પેલીકનના માલિકનો મૃતદેહ ૨૪ કલાક બાદ કારમાંથી મળ્યો

  • September 14, 2021 06:35 PM 

રાજકોટથી છાપરા ફેકટરીએ જવા કારમાં બે કર્મચારી સાથે નીકળ્યા, કાર છાપરા પાસે જ તણાઈ હતી
ફાયરબ્રિગેડ, કલેકટર તંત્ર, પોલીસ દ્રારા ગતરાત સુધી શોધખોળ કરાઈ હતી, આજે સવારે કાર ગામથી દૂર કાપમાં ફસાયેલી મળી આવી: દોરડા, અન્ય સાધનોથી કાર બહાર કઢાઈ, પરિવારજનોમાં કાળો કલ્પાંત, ભારે અરેરાટી, હજી ચાલક લાપત્તા, છાપરાવાસીઓ પણ તંત્રની મદદે જોડાયેલા રહ્યા

 


કાલાવાડ રોડ પર છાપરા (આણંદપર) ગામ પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં ગઈકાલે કાર સમેત તણાયેલા પેલીકન ઈન્ડસ્ટ્રીઝના માલિક કિશનભાઈ (વિપુલભાઈ) જમનાદાસ શ્રીમાંકર શાહ ઉ.વ.૫૦ની આજે ૨૪ કલાક બાદ લાશ કારમાંથી ગામ નજીકથી મળી આવી હતી. બનાવના પગલે પરિવારજનો, સગા–સ્નેહીનોમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. કાર લાપત્તા થયા બાદ સૌ કોઈ ભારે ચિંતાતૂર હતા અને આજે અઘટિત સમાચાર મળતા જ પરિવારમાં કાળો કલ્પાંત થઈ પડયો હતો.
સમગ્ર ઘટનાની વિગતો મુજબ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર નીલસિટી બંગલોમાં રહેતા કિશનભાઈ ગઈકાલે રૈયારોડ પર રહેતા શ્યામ સાધુ  ઉ.વ.૨૫ અને યુનિવર્સિટી રોડ પર પારિજાત સોસાયટી પાસેની માટેલ સોસાયટીમાં રહેતા સંજય ડાયાભાઈ બોરિચા ઉ.વ.૨૧ નામના બન્ને કર્મચારી કારચાલક સાથે છાપરા ખાતે ફેકટરી પર જવા પોતાની આઈ–૨૦ કારમાં નીકળ્યા હતા.

 


કારચાલક શ્યામ ચલાવતો હતો કાર છાપરા ગામ પાસે પહોંચતા ભારે વરસાદને લઈને બેઠા પુલ પાસે ખૂબજ પાણી હતું ચેતવવા છતાં કાર પાણીમાં હિંમત કરીને નાખી એક તબક્કે ચાલક શ્યામે ના પાડી તો કિશનભાઈ પોતેએ ડ્રાઈવીંગ સંભાળ્યું હતું.

 


કાર આગળ વધતા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગી હતી પાછળની સીટ પર બેઠેલો સંજય કેમેય કરી દરવાજાને લાતો ફટકારી ખોલીને બહાર નીકળી જતાં બચાવ થઈ ગયો હતો. જયારે કારનો આગળના ભાગનો કાચ ફટી જતાં પાણી અંદર ઘૂસી ગયું હતું અને હાજર ગ્રામવાસીઓની નજર સામે જ કાર પાણીમાં તણાઈને પુલની બીજી સાઈડ નીકળી પાણીમાં ગરક થઈ ગઈ હતી. ગ્રામવાસીઓનો બચાવવામાં કે આવી કામગીરીમાં ગજ વાગ્યો ન હતો. જાણ થતાં જ તુરતં જ સંબંધિત વિભાગોને કલેકટર મહેશબાબુએ રાજકોટથી ફાયરબ્રિગેડ ટીમ, કલેકટર વિભાગની ટીમને દોડાવી હતી.

 


ગઈકાલે મોડી સાંજ સુધી ફાયરબ્રિગેડના જવાનો દ્રારા જરૂરી બચાવ સાધનો સાથે આશરે ત્રણક કિલોમીટર સુધીના એરિયામાં બન્ને વ્યકિત અને કારની શોધ કરી હતી. પાણીનો પ્રવાહ જ એટલો હતો કે કાર કે અંદર રહેલા કિશનભાઈ કે ચાલક કોઈનો પત્તો લાગ્યો ન હતો.

 


આજે પાણી ઓસરતા કાર ગામ નજીક કાદવમાં ખૂંપી ગયેલી હાલતમાં દેખાઈ હતી. કારની તલાસી લેતાં કિશનભાઈનો મૃતદેહ અંદર જ હતો. ફાયર બ્રિગેડના સ્ટાફે કાર દોરડા તેમજ અન્ય સાધનોથી બાંધીને ખેંચી હતી બનાવની જાણ થતા ગઈકાલથી ચિંતાતુર વદને રહેલા પરિવારજનો, સ્નેહીઓમાં શોક છવાઈ ગયો હતો.

 


કારને જેસીબીની મદદથી ઉંચકીને કાદવમાંથી બહાર કઢાઈ હતી. પેલીકન ઈન્ડસ્ટ્રીઝના માલિક કિશનભાઈનો મૃતદેહ મળ્યો પરંતુ હજી ચાલક શ્યામ સાધુ લાપત્તા હોવાથી તેની શોધખોળ જારી રખાઈ છે. ગામના આગેવાનો હરદેવસિંહ જાડેજા સહિતના તંત્રને સતત મદદરૂપ બન્યા હતા.  

 

 

મોત બોલાવતું હોય તેમ કાર ચલાવી, ત્રણ રસ્તામાં ઉતરતા બચ્યા
કોઈ અનહોની, અઘટિત થવાનું હોય કે મોત બોલાવતુ હોય એ રીતે છાપરા પાસે ગ્રામવાસીઓ ત્યાં હાજર લોકોએ કાર પાણીમાં નાખવા ના પાડી હતી. આમ છતાં કિશનભાઈએ હિંમત કરીને કાર પાણીમાં નાખી હતી. જયારે કારમાં રાજકોટથી તેમના સાળા જીતુભાઈ પણ કારમાં બેઠા હતા. રસ્તામાં મેટોડા જીઆઈડીસી પાસે મહિલા કર્મચારી જયાબેન વાહનની રાહમાં હતા તેમને પણ કિશનભાઈએ વરસાદમાં કયાં હેરાન થશે માની કારમાં બેસાડયા હતા. કાર પાણીના પુલ પર ચલાવતા પૂર્વે સાળા જીતુભાઈ તથા મહિલા કર્મચારી જયાબેન ઉતરી ગયા જયારે સંજય મહામુસીબતે કારમાંથી ચાલુ પાણીના પ્રવાહે દરવાજો ખોલી ઉતરી જતાં જીવ બચી ગયા હતા.

 

 


ત્રણ ભાઈ, ત્રણ બહેનોમાં નાના સંતાનમાં એક પુત્ર, બે પુત્રી
પાણીના પ્રવાહમાં જીવ ગુમાવનાર કિશનભાઈ ત્રણ ભાઈ જાણ બહેનમાં નાના હતા. મોટા ભરતભાઈ, વિજયભાઈ પણ ફેકટરી ધરાવે છે. માતા નીરૂબેન કિશનપરા ચોક નજીક બેગ્સનો શો–રૂમ સંભાળે છે. સંતાનમાં એક પુત્ર, બે પુત્રી છે. એક પુત્રી મુંબઈમાં એમબીબીએસમાં અભ્યાસ કરે છે જયારે એક પુત્રી તાજેતરમાં જ લંડનમાં અભ્યાસ પૂર્ણ કરી પરત ફરી છે. કરૂણાંતિકાના પગલે પરિવારજનો અને સોસાયટીના રહેવાસીઓમાં પણ શોકની ગ્લાની છવાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application