BREAKING NEWS

જામનગર સહિત ગુજરાતના હોદ્દેદારો નક્કી કરવા ભાજપની કાલથી સેન્સ શરૂ

  • April 30, 2026 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સહિત ગુજરાતના હોદ્દેદારો નક્કી કરવા ભાજપની કાલથી સેન્સ શરૂ


મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકા તાલુકા પંચાયતો માટે અલગ અલગ સેન્સ લેવાશે: તા. ૧ થી ૩ સુધી રાજયભરમાં ચાલશે પ્રક્રિયા: આ ત્રણમાંથી એક દિવસ જામનગર માટે નક્કી થશે.


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ભાજપને બમ્પર જીત મળી છે અને હવે નવા ચુંટાયેલા ચહેરાઓને હોદેદાર બનાવવા માટેની પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે, આવતીકાલ તા.૧ થી ૩ સુધી ત્રણ દિવસ જામનગર સહિત ગુજરાત ભરમાં ભાજપના નિરીક્ષકો આવશે અને ચુંટાયેલા સભ્યોની સેન્સ મેળવશે, અત્રે નોંધનીય છે કે જામનગરમાં આ વખતે મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક આ પાંચ પદ માટે કોની પસંદગી કરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.


ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ હવે સત્તાના સૂત્રો સોંપવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના પદો માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા આગામી ૧, ૨ અને ૩ મે દરમિયાન નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હા ધરવામાં આવશે.પક્ષના આદેશ મુજબ, નિયુક્ત કરાયેલા નિરીક્ષકો વિવિધ જિલ્લા અને મહાનગરોની મુલાકાત લેશે. આ પ્રક્રિયા દરમિયાન સનિક સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા કાઉન્સિલરોનો અભિપ્રાય મેળવવામાં આવશે.


જામનગરને લાગે વળગે છે ત્યાં સુધી અહિં નિરીક્ષકો કયારે આવે છે એ તારીખ આજ બપોરના ૧ વાગ્યા સુધી જાણી શકાઇ નથી પરંતુ ૧ થી ૩ દરમ્યાન કોઇપણ એક દિવસ મહાનગરપાલિકા માટે સેન્સ લેવામાં આવશે, તો આજ રીતે જામનગર જિલ્લા પંચાયત માટે, નગરપાલિકાઓ માટે અને તાલુકા પંચાયતો માટે અલગથી સેન્સ મેળવવામાં આવશે.


કયાં કયાં નિરીક્ષકો આવવાના છે એ સંબંધે પણ હજી વિગતો બહાર આવી નથી, પ્રાથમિક અહેવાલોમાં એટલું જ જાણવા મળ્યું છે કે સેન્સ માટે નિરીક્ષકો સાથે જામનગરના સુત્રો દ્વારા તારીખ નક્કી કરવા આજ બપોરે વાટાઘાટો ચલાવવામાં આવી છે અને આ પછી મહાનગરપાલિકા તથા જિલ્લા માટેની સેન્સની તારીખો બની શકે આજ સાંજ સુધી પણ નક્કી થઇ શકે છે.


જામનગરમાં ભાજપે નવો પ્રયોગ કર્યો છે, આ વખતે ૫૦ નવા ચહેરાને તક આપી છે અને પક્ષની આ રણનીતી ૧૦૦ ટકા સફળ રહી છે કારણ કે ઐતિહાસીક પરિણામ આવ્યા છે અને કુલ ૬૪ બેઠકમાંથી ૬૦ બેઠક પર કબ્જો કરવામાં ભાજપ સફળ થયું છે. આ બમ્પર પરિણામથી સ્વાભાવિક રીતે પક્ષના આત્મવિશ્ર્વાસમાં પણ જબરો વધારો થયો છે એટલે હવે હોદેદારોની વરણીમાં પણ ભારતીય જનતા પાર્ટી કોઇ દબાણમાં વશ થશે નહિં એવું લાગે છે.


આમ તો ભાજપને કોઇ દબાવી શકે એમ નથી કારણ કે આ પાર્ટીની પોલીસી થી સૌ વાકેફ છે, ઘણી વખત ન બનતા નિર્ણયો પણ સ્વીકારી લેવાની ફરજ પડે છે, જેનો દાખલો તાજેતરમાં જ જોવા મળ્યો, કે જયારે મહાનગરપાલિકાની ચુંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત થઇ હતી, ઘણા મોટા માથા કપાઇ ગયા હતાં પરંતુ કોઇ ચું કે ચાં કરી શક્યું ન હતું, ભાજપની આ ધાક જાણીતી છે.


હવેે મહાનગરપાલિકાના મેયર તથા સ્ટે.કમીટીના ચેરમેન પદ સહિતના પાંચ હોદ્દા માટે સ્વાભાવિક રીતે ચુંટાયેલા ૬૦ માંથી મોટાભાગના ચહેરાઓને પેટમાં ગલગલીયા થતાં હશે, જેમાં જેટલી તાકાત હશે તે અજમાવી લેવામાં આવશે અને હોદ્દા મેળવવા માટે ખુલ્લેઆમ નહિં પરંતુ અંદરખાને હોડ લાગી શકે છે.


ઘણીબધી વાતો આવી રહી છે કે ભાજપ આ વખતે નવા ચહેરાઓ સાથે આવ્યું હોવાથી બની શકે કે મહાનગરપાલિકા જેવા મોટા શાસનના કારણે જે અનુભવીઓ છે એમની સાથે નવા ચહેરાઓનું મિશ્રણ કરીને હોદ્દા આપી શકે છે, એવું પણ બની શકે કે ભાજપ વધુ એક પ્રયોગ કરીને બધા નવા ચહેરાને પણ તક આપી શકે છે. આ પક્ષ શું કરે તેની કોઇ આગાહી કોઇ કરી શકે તેમ નથી, એટલે કોણ આગળ, કોણ પાછળ એ વાત કરવી સાવ નિરર્થક ગણાશે, આતો ત્યારે જ સ્પષ્ટ થશે કે જયારે બંધ કવરમાંથી આવેલા નામ શહેર ભાજપ કાર્યાલય ખાતે ખુલશે.


જોકે અમારા વર્તુળો તરફથી મળતી માહિતી મુજબ ચુંટાયેલા તમામ ચહેરામાંથી મોટાભાગના હોદેદારો બનવાના સપના રાખીને બેઠા છે, ઘણાબધાએ નામ પણ વહેતા કરાવવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે, જોવાનું એ છે કે ભારતીય જનતા પાર્ટી હોદેદારોની નિતી કયા આધારે નક્કી કરે છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application