પૂ.મોરારિબાપુની હાજરીમાં રવિવારે સદભાવના વૃધ્ધાશ્રમનું ભૂમિપૂજન

  • May 26, 2023 04:03 PM 


દોઢ વર્ષ પછી વડિલોને પ્રવેશ આપવાની કામગીરી પણ શરૂ થશે: જૈનો માટે પણ બનશે વૃધ્ધાશ્રમ: ૩૦ એકરમાં રૂા.૨૦૦ કરોડના ખર્ચે બનશે પરિસર




વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરિયાત તો છે જે. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તૂટતા જતા ઘણા વ્યકિતઓ નિરાધાર બનતા જાય છે. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત–જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરિયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.





ગુજરાતના સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ ૫૦૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઇ રહ્યા છે. તેમાંથી ૧૮૦ વડીલો પથારીવશ (ડાઇપરવાળા) છે. સાવ પથારીવશ વ્યકિતઓ (કોઇપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળુ પણ કોઇ ન હોય, એકલવાયી–નિરાધાર હાલતમાં પોતાનું જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઇને દરરોજ મૃત્યુ વહેલું આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યકિતઓ (કોઇપણ ઉંમરના) માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. પથારીવશ વ્યકિતઓ (કોઇપણ ઉંમરના)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજના ભાગરૂપે નિ:શુલ્ક આશ્રય અપાઇ રહ્યો છે. યથાશકિત સેવા કરાઇ રહી છે. પોતાની આસપાસમાં કોઇ નિરાધાર કે નિ:સહાય, પથારીવશ વ્યકિતઓ (કોઇપણ જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ ઉપરના) સુધી પહોંચાડવા જાહેર અપીલ કરાઇ છે.





એકસાથે ૨૧૦૦ પથારીવશ બીમાર વૃધ્ધોને આશરો આપી તેની સાર–સંભાળ લઇ સારવાર કરશે. દેશના કોઇપણ ખૂણે નિરાધાર વૃધ્ધ લાચાર, પથારીવશ વૃધ્ધોને હવે આગામી સમયમાં રાજકોટ ખાતે આશરો મળવાની સાથે યોગ્ય સારવાર પણ મળી રહેશે. રાજકોટમાં સદભાવના વૃધ્ધાશ્રમ દેશનો સૌથી મોટો વૃધ્ધાશ્રમ બનશે. જેમાં ૭૦૦ રૂમ બનાવવામાં આવશે. આવા વડીલોને આશરો મળવાની સાથે સાથે તેની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે. એકસાથે ૨૧૦૦ વડીલોને આશરો આપવામાં આવશે. સદભાવના વૃધ્ધાશ્રમના સંચાલકો જણાવે છે કે આખો પ્રોજેકટ કુલ રૂા.૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. કુલ ૭ ટાવર હશે. અત્યારે પણ હાલ જે આશ્રમ છે તેમાં ૫૦૦ વડીલોને આશરો આપવામાં આવી રહ્યો છે. આ આશ્રમમાં એવા જ વડીલોને આશરો અપાશે કે જે નિરાધાર છે જેનો કોઇ સંતાન નથી તેમજ તેઓ લાચાર છે.





રવિવારે આ વૃધ્ધાશ્રમનું ભૂમિપૂજન છે. જેમાં મોરારિબાપુ સહિતના સંતો–મહંતો હાજર રહેશે. સદભાવના વૃધ્ધાશ્રમનું નાનકડું સેવા વિચારબીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. સંવેદનાના સિંચનથી હવે એ વટવૃક્ષમાંથી ભયુભાદયુ વૃંદાવન બનાવવાનું આ અભિયાન છે. સેવા યજ્ઞની વિશાળ વેદીને આકાર આપતી ઘટનાની ઘડી એટલે સદભાવના વૃધ્ધાશ્રમના નવનિર્માણની ભૂમિનું પવિત્રીકરણ કરવાનો મંગળ અવસર તા.૨૮–૫ અને રવિવારના દિવસે, સવારે ૮–૩૦ વાગ્યાના શુભ સમયે સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ જામનગર હાઇ–વે, રામપર, રાજકોટ)ના અલોકિક સંકૂલનું ભૂમિપૂજન નિર્ધારવામાં આવ્યું છે. સાથમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. ભૂમિપૂજન અવસર પછી ઉપસ્થિત રહેનાર સૌ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરાઇ છે. રાજકોટ જામનગર હાઇ–વે, રામપર, રાજકોટ ખાતે આ સમારોહ યોજાશે. સદભાવના વૃધ્ધાશ્રમમાં અત્યારે ૫૦૦ વડીલો છે. તેમજ દર મહિને ૧૦૦ જેટલા વડીલો પ્રવેશ માટે આવી રહ્યા છે. જે રીતે પ્રવેશ મેળવનારની સંખ્યા વધારે છે. તેને ધ્યાનમાં રાખીને આ વૃધ્ધાશ્રમ તૈયાર કરવાનો વિચાર આવ્યો છે અને તેની અમલવારી કરી છે. વડીલોને તમામ સુવિધાઓ વૃધ્ધાશ્રમમાં મળી રહેશે.





સદભાવના વૃધ્ધાશ્રમનું ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધીમાં ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં ૨૦ લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થઇ રહ્યો છે. આગામી વર્ષમાં સમગ્ર ગુજરાતમાં ૨૦ કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેડમાંથી કોઇ વિદેશમાંથી પણ જુએ તો તેને ગુજરાત લીલુછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃધ્ધાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે. તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે. સદભાવના વૃધ્ધાશ્રમનું ધ ગ્રીન મેન તરીકે જાણીતા વિજયભાઇ ડોબરીયા સફળ રીતે સુકાન સભાંળી રહ્યા છે.





આ અભિયાનના સુત્રધાર વિજયભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં અમે ૭૧ હજાર પરિવારોના ઘર આંગણે વૃક્ષો ઉછેર્યા છે. જેમાં ૨ લાખ જેટલા વૃક્ષો વવાઇ ચૂકયા છે અને તેનું જતન પણ થઇ ચુકયું છે.





જામનગર શહેરમાં પણ વૃક્ષારોપણનું કામ આગળ વધાયુ છે. સુરતમાં પણ ૬૦ હજાર વૃક્ષો વવાય ચુકયા છે અને તેનું જતન પણ કરવામાં આવી રહ્યું છે. લોખંડના પીંજરા સાથે વૃક્ષોનું સલામત રીતે આરોપણ કરવામાં આવ્યા બાદ આખુ વર્ષ ટેન્કર ભાડે રાખી તેને પાણી પીવડાવવામાં આવે છે.



 
જીવનમાં ઉતારવા લાયક સેવાતીર્થ બનશે સદભાવના ધામ
વષે લાખો લોકો, યાત્રાળુઓ દેશ વિદેશમાંથી મુલાકાત લેશે. ભજન, ભોજન, સેવાનો ત્રિવેણી સંગમ સર્જાશે. સ્વસ્થ, સુદ્રઢ, સેવામય સમાજનું નિર્માણ કરવામાં સહભાગી બનશે સદભાવના ધામ. સમગ્ર ભારતમાં બીમાર, વયોવૃધ્ધ, અશકત, લાચાર, પથારીવશ, અબોલ જીવો કે પછી દર્દીનારાયણ–દરિદ્રનારાયણને શાતા પહોંચાડવા સતત પરિણામલક્ષી કામગીરી કરશે સદભાવના ધામ.



વડિલો માટે આ સુવિધા હશે
જેમાં દરેક માળે અગાશી હશે જેમાં વડીલો વોકિંગ કરી શકશે. પથારીવશ માવતરોની કેર કરવા માટે કેર ટેકરની મોટી ટીમ ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ ફરજમાં રહેશે. નવ નિર્મિત ભવનમાં દરેક જગ્યાએ, દરેક માળે, વડીલો વ્હીલચેરમાં જઇ શકે તેવી સુવિધા હશે. કુલ ૭ ટાવર હશે, દરેક ટાવરમાં ૧૦૦ રૂમ છે. દરેક રૂમમાં હવા ઉજાશ, ગ્રીનરી જળવાઇ રહે તેનો પુરતો ખ્યાલ રાખવામાં આવે છે.



જૈન સમાજના વડિલો માટે આખો ટાવર જ અલગ, જયાં દેરાસર પણ બનશે
જૈન સમાજના વડીલોને જૈન ભોજન મળી રહે તેને કોઇ મુશ્કેલી ના પડે તે માટે કુલ ૭ ટાવરમાંથી એક ટાવર માત્ર જૈન સમાજ માટે જ રાખવામાં આવશે. જયાં જૈન સમાજના જ વડીલોને આશરો આપવામાં આવશે. આ ઉપરાંત તેમાં દેરાસર પણ બનાવવામાં આવશે. જેથી કરીને વડીલોની સુવિધામાં વધારો થાય. સંચાલકોના જણાવ્યાનુસાર સામાન્ય રીતે જૈન સમાજના વડીલોની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવાનો વિચાર આવ્યો છે. વ્યવસ્થા તમામ લોકો એક પરિવારની જેમ રહી શકશે તેમ સંચાલકે જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application