ભાવનગરના સાસરીયાના ત્રાસથી મહિલા કોન્સ્ટેબલે કંટ્રોલ રૂમમાં આપઘાત કરવાનો ફેક્સ કર્યો અને.....

  • July 28, 2021 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસે દોડી જઈને કાઉન્સેલિંગ કર્યું : સાસરિયા અને એન્જિનિયર પતિ સામે ફરિયાદ નોઁધાવી

 

અમદાવાદમાં રહેતી અને ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ભાવનગરના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલા કોન્સ્ટેબલને મનમાં લાગી આવતા તેણે આપઘાત કરવા જવાનો પોલીસ કંટ્રોલ રૂમને ફેક્સ મેસેજ કર્યો હતો. પોલીસે આ મહિલાને લઈ આવી તેનું કાઉન્સેલિગ કરવામાં આવ્યું હતું.

ઘટનાની વિગતો અનુસાર, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતી શહેર ટ્રાફિક વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને તેનો પતિ એન્જિનિયર તરીકે એક કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2018માં આ મહિલા કોન્સ્ટેબલે કોર્ટ મેરેજ કર્યા હતાં. બાદમાં સાસરિયાઓ મંજૂર થતાં રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણેક માસ બાદ પતિ નોકરી બાબતે ઝઘડા કરી અવારનવાર આ મહિલા કોન્સ્ટેબલને ભાવનગર સાસરે લઈ જતો હતો.

ભાવનગર ખાતે મહિલા કોન્સ્ટેબલના સાસુ-સસરા, જેઠ-જેઠાણી ત્રાસ આપવા લાગ્યા હતા અને કહેતા કે તને માત્ર નોકરી કરવા નથી લાવ્યા. ઘરના કામ પણ કરવા પડશે. પરંતુ સંસાર બચાવવા માટે મહિલા કોન્સ્ટેબલ કંઈ બોલતી નહીં અને માતા-પિતાને જણાવ્યા વગર આ ત્રાસ સહન કરી ક્યારેક ભાવનગર તો ક્યારેક અમદાવાદ રહેતી હતી. પતિ પણ તેને મારઝૂડ કરતો હતો અને પિયરમાં આ મહિલાને જવા દેતો નહીં.

 

લગ્નના ત્રણ માસ બાદ મહિલા કોન્સ્ટેબલને ગર્ભ રહ્યો હતો પણ પતિને બાળક જોઈતું ન હોવાથી કોન્સ્ટેબલે સંમતિથી બાળક રાખ્યું ન હતું. બાદમાં તેના સાસુ-સસરા ચઢામણી કરી બાળક રાખવા દેતા નહોતા. છેલ્લા દસેક દિવસથી આ મહિલા કોન્સ્ટેબલનો પતિ તેને મૂકીને જતો રહ્યો હતો. મહિલાના પિયરવાળા અને સાસરિયાઓ સમાધાન માટે ભેગા થયા ત્યારે માહોલ બગડતા મહિલા કોન્સ્ટેબલ બેભાન થઈ જતા તેને સારવાર માટે લઈ જવાઇ હતી. તાજેતરમાં મહિલા કોન્સ્ટેબલ ના બહેન-બનેવી સાથે પતિ એક વકીલની ઓફિસે લઈ ગયો હતો. જ્યાં આપણું સમાધાન થઈ ગયું છે તેમ કહી એક કાગળ પર સહી કરાવી લીધી હતી. બાદમાં ત્રણેક દિવસ મહિલા કોન્સ્ટેબલ રોકાઈ અને પછી અમદાવાદ એકલી પરત આવી હતી. હમણાં તેની તબિયત સારી ન હોવાથી તેણે પતિને હોસ્પિટલમાં લઈ જવા ફોન કરતા પતિએ ખુલાસો કર્યો કે જે કાગળ પર સહી કરાવી તે છૂટાછેડાના કાગળ હતા. જેથી કાયદેસર છૂટાછેડા થઈ ગયા છે.

 

મહિલા કોન્સ્ટેબલને મનમાં લાગી આવતા તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં આપઘાત કરવા જઉં છું તેવો ફેકસ મેસેજ કર્યો હતો. બાદમાં તે નોકરીએ જવા નીકળી હતી. પણ પોલીસને આ મેસેજ પાસ કરાતા પોલીસ આ મહિલા કોન્સ્ટેબલને કાઉન્સેલિંગ માટે લઈ આવી અને બાદમાં મહિલા કોન્સ્ટેબલના પતિ સહિત સાસરિયા પક્ષના પાંચ લોકો વિરુદ્ધ વિશ્વાસઘાત, મારામારી, ત્રાસ આપવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS