રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માનું નામ જાહેર

  • December 12, 2023 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છત્તીસગઢ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની નિમણુક બાદ આજે સૌ કોઈની નજર રાજસ્થાન પર છે, ત્યારે વસુંધરા રાજે અને અન્ય ચહેરાઓને પાછળ મૂકી ભાજપે નવું જ નામ જાહેર કર્યું છે. રાજસ્થાનનું રાજ ભજનલાલ શર્માને સોપાયું છે. રાજસ્થાનમાં ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવી છે. જયપુરમાં ભાજપ કાર્યાલયમાં તમામ નિરીક્ષકો હાજર છે.

​​​​​​​
રાજસ્થાનમાં ચૂંટણી પરિણામોના નવ દિવસ બાદ સીએમનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. ભજનલાલ શર્મા સાંગાનેરથી ધારાસભ્ય છે અને પહેલીવાર ધારાસભ્ય બન્યા બાદ હવે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી બનશે.


ભાજપ હાઈકમાન્ડે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને રાજસ્થાનના નિરીક્ષક બનાવ્યા હતા. આજે બપોરે ત્રણેય નેતાઓ જયપુર પહોંચ્યા અને ધારાસભ્યો સાથે બેઠક કરી. આજે બપોરે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે વસુંધરા રાજે સાથે વન ટુ વન બેઠક કરી હતી. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી હતી. રાજસ્થાનની લડાઈ જીત્યા બાદ ભાજપ સામે સૌથી મોટો પડકાર એ હતો કે સીએમ તરીકે કોને પસંદ કરવામાં આવે. પરંતુ સીએમ પદ માટેની આ દોડ હવે બંધ થઈ ગઈ છે.



આ રેસમાં ઘણા નામો ચાલી રહ્યા હતા. આ યાદીમાં પહેલું નામ વસુંધરા રાજેનું હતું. તે રાજસ્થાનની કમાન સંભાળી ચૂકી છે. આ સિવાય રાજસ્થાનમાં હિન્દુત્વના પોસ્ટર બોય બનેલા બાબા બાલકનાથનું નામ પણ ચર્ચામાં હતું. ગજેન્દ્ર શેખાવત, સીપી જોશી, દિયા કુમારી અને રાજવર્ધન રાઠોડ જેવા નામો પણ રેસમાં હતા. નોંધનીય છે કે જે રીતે ભાજપ હાઈકમાન્ડે એમપી અને છત્તીસગઢમાં નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા હતા તે જોઈને રાજસ્થાનમાં ભાજપના તમામ 115 ધારાસભ્યોની આશા જાગી હતી કે તેમના નામ પણ સીલબંધ પરબીડિયામાં સામેલ થઈ શકે છે. આવું જ કંઈક થયું.


છત્તીસગઢ અને એમપીની જેમ ભાજપે રાજસ્થાનમાં પણ સીએમ ચહેરા વગર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીઓમાં પીએમ મોદીના ચહેરા પર ભાજપની જીત થઈ હતી. રાજસ્થાનમાં 200માંથી 199 બેઠકો પર થયેલા મતદાનમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે. પાર્ટીએ 115 સીટો જીતી છે. તે જ સમયે, કોંગ્રેસને 69 બેઠકો મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application