મહાશિવરાત્રી પૂર્વે રાજકોટ યાર્ડમાં આજથી સક્કરિયાની આવક શરૂ

  • February 13, 2023 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં મહા શિવરાત્રી પૂર્વે આજથી સક્કરિયાની આવક શરૂ થઇ ગઇ છે.


વિશેષમાં યાર્ડના શાકભાજી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સક્કરિયામાં સ્થાનિક આવક લગભગ નહિવત જેવી હોય છે કારણ કે સ્થાનિક ખેડૂતો જવલ્લે જ સક્કરિયાનું વાવેતર કરે છે. જ્યારે હાલમાં પ્રતિ વર્ષની જેમ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ સક્કરિયાની મુખ્ય આવક ઉત્તર ગુજરાતના ડીસા પંથક તેમજ કચ્છ જિલ્લામાંથી થઇ રહી છે. હજુ આવક શરૂ થઇ છે પરંતુ ચાલુ સપ્તાહમાં ઉત્તરોત્તર આવક વધશે અને આગામી તા.૧૮ મહાશિવરાત્રીના દિવસ સુધીમાં સર્વાધિક આવક થશે. શિવરાત્રીના દિવસે એકટાણા-ઉપવાસ-વ્રત કરતા ભાવિકો સક્કરિયાનો શિરો ફરાળમાં લેતા હોય તે દિવસે જેટલી આવક થાય તેટલું વેંચાણ થઇ જાય છે.અલબત્ત ચાલુ વર્ષે તો પહેલી વખત એવું બન્યું છે કે માર્કેટ યાર્ડમાં આવક શરૂ થાય તે પહેલા શહેરની રિટેલ શાક માર્કેટોમાં સક્કરિયાનું આગમન થઇ ગયું હતું.

ધૂમ લગ્નગાળાને કારણે આવકોમાં ઘટાડો
રાજકોટ માર્કેટ યાર્ડના બેડી સ્થિત નવા યાર્ડ સંકુલમાં આજે સવારે થયેલી હરરાજીમાં ૧૭૦૦૦ મણ કપાસ, ૮૦૦૦ ગુણી મગફળી અને ૬૧૦૦ ગુણી લસણની આવક થઇ હતી. એકંદરે લગભગ તમામ શિયાળુ જણસીઓની નવી આવકો તો શરૂ થઇ ગઇ છે પરંતુ આવક શરૂ થયા બાદ તેમાં જે દિન પ્રતિદિન વધારો થવો જોઇએ તે હજુ જોવા મળતો નથી. જો કે આ પાછળનું મુખ્ય કારણ ધૂમ લગ્નગાળો છે. લગ્ન ગાળો પૂર્ણ થયે આવકો ઝડપભેર વધશે.

યાર્ડમાં તા.૧૭ ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ
રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આગામી તા.૧૭ ફેબ્રુઆરીના રોજ બજેટ મંજુર કરવા બોર્ડ મિટિંગ યોજવા એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જણસીઓની આવકો તેમજ ભાવ વધતા એન્ટ્રી ફી, સેસ વિગેરેની આવક પણ વધી હોય ગત વર્ષ કરતા આવક વધી છે તેથી અંદાજપત્રનું કદ પણ વધશે તે નક્કી છે. અંદાજપત્રનું કદ વધવાની સાથે સાથે ખેડૂતો, વેપારીઓ તેમજ યાર્ડના સર્વાંગી હિતમાં હોય તેવા નવા વિકાસકામો પણ બજેટમાં સૂચવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application