જામનગર: પ્રેમ લગ્નનો ખાર રાખીને કરાયેલ હત્યા પ્રયાસના કેસમાં સ્ત્રી આરોપીના આગોતરા જામીન નામંજુર
ફરિયાદીના વકીલ દિનેશ વિરાણી તથા સરકારી વકીલ જે.કે. ભંડેરીની દલીલોને ગ્રાહ્ય રાખતી કોર્ટ : આરોપીને પકડવા પોલીસનો માર્ગ ખુલ્લો
જામનગરમાં પ્રેમલગ્ન બાબતનો ખાર રાખીને કરાયેલા હત્યા પ્રયાસના ચકચારી કેસમાં સ્ત્રી આરોપીના આગોતરા જામીન સેશન્સ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવ્યા છે આથી આરોપીને પકડવા પોલીસનો માર્ગ ખુલ્લો થયો છે, ફરીયાદીના વકીલ અને સરકારી વકીલની દલીલોને અહીંની કોર્ટે ગ્રાહય રાખી હતી.
સમગ્ર મુસ્લીમ સમાજમાં ચર્ચાસ્પદ બનેલ આ પ્રેમલગ્ન બાબતે નોંધાયેલ હત્યાના પ્રયાસના કેસની વિગત એવી છે કે મોરકંડા રોડ ઉપર આવેલ અનમોલ પાર્કમાં રહેતા અવેશ દાઉદભાઈ નોતિયારે મુલ્લામેડી રોડ, જાંબુડી મસ્જીદ પાસે રહેતી મુસ્કાન યુસુફભાઈ માંડકીયા સાથે તા.૦૧/૦૪/૨૦૨૬ ના રોજ પ્રેમલગ્ન કરેલ હતા અને આ પ્રેમલગ્નથી યુવતીના પરીવારજનો નારાજ હોવાથી ફરીયાદી અવેશ નોતિયારને અવાર-નવાર ધાક-ધમકીઓ આપી હુમલો કરી મારી નાખવા માટેના પ્રયાસો કરતા હતા અને ભોગ બનનાર ફરીયાદીને શોધી રહયા હતા.
ગત તા.૧૮/૦૬/૨૦૨૬ ના રોજ પ્રેમલગ્ન કરનાર યુવાન અવેશ દાઉદભાઈ નોતિયાર પોતાની પ્રેમલગ્નથી પત્નિ બનેલ યુવતી મુસ્કાન સાથે મોટર સાયકલ ઉપર ઘાંચીની ખડકી વાળા ઘરેથી કાલાવડ રોડથી બહાર પોતાના ઘેર જઈ રહયા હતા ત્યારે રાત્રીના સાડા દસ વાગ્યે યુવતી મુસ્કાનના ભાઈ અલ્ફાફ યુસુફ માકડીયા લાકડાનો ધોકો, ફેઝાન રફીક માંડકીયા છરી, હમજા ઉર્ફે સિકલો લાકડાનો ધોકો તથા સ્ત્રી આરોપી રૂબીના રફીક માંડકીયા લોખંડના પાઈપ સાથે કાલાવડના નાકા પાસે રાહ જોઈને ઉભા હતા અને પતિ-પત્નિ ત્યાંથી નીકળતા તમામ આરોપીઓએ પોત-પોતાના હથિયારોથી બન્ને પતિ-પત્નિ ઉપર હત્યા કરવાના ઈરાદાથી ગંભીર હુમલો કરી ફેકચર સહીતની ઈજાઓ પહોંચાડીને નાસી છુટેલ હતા.
પોલીસે તપાસ દરમ્યાન આરોપી હમજા યુસુફ માંડકીયાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ છે અને બાકીના ફરાર ત્રણ આરોપીઓ પૈકી સ્ત્રી અરજદાર રૂબીના રફીકભાઈ માંડકીયાએ ધરપકડથી બચવા બિમારી સહિતના કારણો રજુ કરી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મળવા અંગેની જામીન અરજી દાખલ કરેલ હતી.
મુળ ફરીયાદી અવેશ દાઉદભાઈ નોતિયારએ પોતાના વકીલ તરીકે જાણીતા ધારાશાસ્ત્રીને રોકેલ હતા. તેમના દ્વારા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા લંબાણ પૂર્વકની દલીલો કરતા જણાવેલ હતું કે માત્ર આરોપી સ્ત્રી છે તેના કારણે તે આગોતરા જામીન મેળવવા હકદાર નથી. આ કેસમાં બનાવ સમયે સ્ત્રી અરજદાર હથીયાર સાથે હાજર હતા અને બનાવના સમયેથી ફરાર છે.
તપાસમાં અડચણો ઉભી થાય, તેમજ સાહેદો ભયના કારણે નિવેદનો આપતા પણ ગભરાશે અને આરોપીએ જન્મ-ટીપની સજાને પાત્ર ગંભીર ગુન્હો કરેલ તે તમામ દલીલો તેમજ સંજોગો ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપી રૂબીના રફીક માંડકીયાના આગોતરા જામીન અરજી નામંજુર કરેલ હતી અને આરોપીના આગોતરા જામીન અરજી નામંજુર થતા પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આ કામમાં મુળ-ફરીયાદીના વકીલ તરીકે પુર્વ જીલ્લા સરકારી વકીલ દિનેશભાઈ વિરાણી તથા સરકાર તરફથી જે.કે.ભંડેરી તેમજ જયદીપ કે. મોલીયા, સિધ્ધાર્થ એસ. સાપરીયા, ટ્રેનિ એડવોકેટ દર્શનપુરી ગોસ્વામી રોકાયેલ હતા.