આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ કાલે સાંજના બદલે સવારે યોજાશે

  • March 11, 2021 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરમાં આવતીકાલે યોજાનાર ’સેલિબ્રેટિંગ ઇન્ડિયા 75 આઝાદીકા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અન્વયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે સવારે 9:00 કલાકે વિવિધ કાર્યક્રમો દ્વારા દાંડી માર્ચ અને ગાંધીજીના સત્યાગ્રહની યાદો જીવંત થશે.

 

 

પારંપરિક સ્વાગતથી શરૂ થનારા કાર્યક્રમમાં ધોળકિયા સ્કૂલના છાત્રો દ્વારા સ્વાગત ગીત, સ્વાતંત્ર્ય સેનાનીઓને આદરાંજલિ, ન્યુ એરા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, ગાંધીજીના પ્રિય ભજનો, પ્રાર્થના, ગાંધીજીના જીવન આધારિત ગરબો વગેરેની રજૂઆત કરવામાં આવશે. આઝાદીને કેન્દ્રસ્થાને રાખીને રજૂ થનારા કાર્યક્રમમાં આઝાદી સંબંધિત વિવિધ પ્રસંગોની ઝાંખી દશર્વિવામાં આવશે.

 

 

આ પ્રસંગે અર્જૂનલાલ હિરાણી કોલેજ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના છાત્રો દ્વારા સવિનય કાનૂનભંગની ફ્લેગમાર્ચ રજૂ કરશે. આઝાદીના જંગમાં પોતાના જાન ન્યોછાવર કરનારા ભારતના વીર સપૂતોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે. જાણીતા વક્તાઓ શૈલેષભાઇ સગપરિયા તેમજ જવલંત છાયા આઝાદી અંગેના તેમના વિચારો રજુ કરશે. સ્વાતંત્ર ચળવળ અંગેની ટૂંકી ડોક્યુમેન્ટ્રીનું પણ આ પ્રસંગે પ્રસારણ કરવામાં આવશે.

 


ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ, સાબરમતી આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમ સૌ મહાનુભાવો જીવંત નિહાળશે. આ જ રીતે ત્રંબા સ્થિત કસ્તૂરબાધામ ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે તેમ નિવાસી અધિક કલેકટર પરિમલ પંડ્યાએ જણાવ્યું છે.

 


મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે પરિમલ પંડ્યા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર હર્ષદ પટેલ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ, સાંસ્કૃતિક વિભાગના ધર્મેન્દ્રસિંહ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ કાર્યક્રમને આખરી ઓપ આપવા બેઠક કરી હતી તેમજ રિહર્સલ નિહાળ્યું હતું.

 

મહાત્મા ગાંધી મ્યુઝિયમ મુલાકાતીઓ માટે આજે બપોરે બે વાગ્યાથી ખુલશે
મહાપાલિકાનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ આજે બપોરે બે વાગ્યા બાદ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે સેલિબ્રિટિંગ ઈન્ડિયા 75 આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું હોય વિઝિટર્સને બપોરે બે વાગ્યા પછી પ્રવેશ અપાશે. અલબત જો કોઈ નાગરિકો ઉજવણી કાર્યક્રમમાં સામેલ થવા ઈચ્છતા હશે તો જોડાઈ શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS