જામનગર: સાતરસ્તા સર્કલ નજીક એસટી ડ્રાઇવર પર હુમલો
એસટી બસ અને રિક્ષા વચ્ચે સામાન્ય અકસ્માત થયા બાદ મામલો ઉગ્ર બન્યો : ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધાયો
જામનગર શહેરના સાત રસ્તા નજીક એસ.ટી. બસના ડ્રાઇવર પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પોલીસે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના સાતરસ્તા વિસ્તારમાં ગોલાઈમાં જાડા બિલ્ડિંગ પાસે જુનાગઢથી જામનગર આવતી એસ.ટી. બસ નં. જીજે૧૮ઝેડ-૭૨૭૬ના ડ્રાઇવર નીલેશભાઈ મગનભાઈ બગડા (ઉ.વ.૩૯ રહે. આદેશનગર પાછળ જુનાગઢ) ફરજ પર હતા. તે દરમિયાન બસ અને રિક્ષા વચ્ચે સામાન્ય હડફેટનો બનાવ બનતા રિક્ષાચાલક શનીભાઈ મકવાણા ઉશ્કેરાઈ ગયો હતો.
આરોપીએ ગુસ્સામાં આવી એસ.ટી. બસ પર બે-ત્રણ પથ્થર ફેંકી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ બસમાં ચઢી જઈ ડ્રાઇવરને ઝાપટો અને લાતો મારી હતી. એટલું જ નહીં, બસની સીટ નીચે પડેલી લોખંડની પટ્ટી વડે ડ્રાઇવરના હાથના ભાગે ઇજા પહોંચાડ્યાનો પણ આક્ષેપ છે.
આ બનાવથી સરકારી કર્મચારીની કાયદેસરની ફરજમાં અવરોધ ઊભો થયો હતો તેમજ જાહેરનામાનો ભંગ થયો હોવાનું પોલીસે નોંધ્યું છે. ફરિયાદના આધારે સીટી-બી ડિવિઝન પોલીસે આરોપી શનીભાઈ મકવાણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૧, ૧૧૫(૨), ૩૫૨ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.